શાહરૂખને જૉવા માટે મોટી ભીડ એકઠી થઈ, એવી દોડધામ થઈ કે એકનું મોત, શું હવે કિંગખાન માફી માગશે

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની 2017માં આવેલી ફિલ્મ રઈસ સંબંધિત એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે તેમની સામે કેસ ચલાવવા કરતાં તેમને માફી માંગવાનું કહેવું વધુ સારું રહેશે. આ ઘટનામાં વડોદરા રેલવે સ્ટેશન પર નાસભાગ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. આ માટે શાહરૂખ ખાન સામે કેસ ચાલી રહ્યો છે.

FIR મુજબ, શાહરૂખ ખાન 2017માં રઈસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે શાહરૂખની એક ઝલક મેળવવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન શાહરૂખ ખાન બહાર આવ્યો અને ટી-શર્ટ અને બોલ લોકો વચ્ચે ફેંકી દીધો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઘણા લોકો ઘાયલ થયા. આ દરમિયાન બે પોલીસકર્મી પણ બેહોશ થઈ ગયા હતા.

image source

આ બનાવ અંગે કોંગ્રેસના સ્થાનિક નેતા જીતેન્દ્ર સોલંકીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે શાહરૂખ ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આઈપીસીની કલમ 336, 337, 338, રેલ્વે એક્ટ, 1989ની કલમ 145, 150, 152, 154 અને 155(1) (એ) હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા. કોર્ટે આ મામલાની નોંધ લીધી અને આરોપોનો સામનો કરવા શાહરુખને સમન્સ જારી કર્યું. આ પછી શાહરૂખે FIR રદ કરાવવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. સુનાવણી બાદ હાઈકોર્ટે જુલાઈ 2017માં ટ્રાયલ પર રોક લગાવી દીધી હતી.

image source

આ મામલો ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી માટે આવ્યો હતો. લાઈવ લો અનુસાર, શાહરૂખના વકીલે દલીલ કરી હતી કે તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મમાં પ્રવેશ્યો ન હતો. તેણે માત્ર હાથ બતાવીને જાહેરમાં ટી-શર્ટ, બોલ ફેંક્યો જે ગુનો નથી. આ સિવાય એવી પણ દલીલ કરવામાં આવી હતી કે નાસભાગ દરમિયાન જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તે હાર્ટ પેશન્ટ હતો. અન્ય કોઈ કારણોસર તેમનું મૃત્યુ થયું હતું.

સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કારિલે હળવાશમાં, બીજી બાજુના વકીલને પૂછ્યું કે જો શાહરૂખ ખાનને ટ્રાયલનો સામનો કરવાનું કહેવામાં આવે તો શું થશે. કોર્ટે કહ્યું કે જો તમે ઇચ્છો છો કે આ મામલાની સુનાવણી થાય તો કલ્પના કરો કે તેનાથી કેવા પ્રકારની અરાજકતા સર્જાશે. શું તમે તે ઈચ્છો છો? ન્યાયાધીશે કહ્યું કે હું તેમને (શાહરૂખને)માફી માંગવા માટે કહીશ. આ બાબતનો અંત લાવો. આ કેસની આગામી સુનાવણી હવે 24 ફેબ્રુઆરીએ થશે.