Site icon News Gujarat

રેસ્ટોરન્ટ ગેરકાયદે કબજો કરેલી જમીન પર ધમધમતી હોવાનો તપાસમાં થયો ઘટસ્ફોટ

ગત સપ્તાહમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક મહિલાએ સાડી પહેરી હોવાથી તેને એક રેસ્ટોરન્ટમાં જવાની મનાઈ કરી દેવામાં આવી હતી. આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. તેનું કારણ છે કે પહેલી વાર એવું થયું હતું કે કોઈ રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને આવેલી મહિલાની એન્ટ્રી પર મનાઇ કરવામાં આવી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા રેસ્ટોરન્ટનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેસ્ટોરન્ટ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ રેસ્ટોરન્ટ દક્ષિણ દિલ્હીની અકિલા રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટ પર હવે તાળા લાગી ચૂક્યા છે.

image source

સાડી પહેરીને આવેલી મહિલાને રેસ્ટોરન્ટમાં આવવા પર મનાઈ કરનાર રેસ્ટોરન્ટ ને લાયસન્સ ન હોવાના કારણે બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. અકિલા રેસ્ટોરન્ટ માને છે કે સાડી સ્માર્ટ ડ્રેસ નથી તેથી કોઇ મહિલા સાડી પહેરીને રેસ્ટોરન્ટમાં આવી ન શકે. આ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જો કે આ ઘટના બન્યાના એક જ સપ્તાહમાં આ રેસ્ટોરન્ટની બંધ કરવાનો વારો આવ્યો છે. રેસ્ટોરન્ટ બંધ કર્યા ની જાણકારી ની પુષ્ટિ કરતા દક્ષિણ દિલ્હીની નગર નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે અકિલા રેસ્ટોરન્ટને બંધ કરી દેવામાં આવી છે. અધિકારીનું કહેવું છે કે આ રેસ્ટોરન્ટ પાસે માન્યતાપ્રાપ્ત લાયસન્સ ન હતું. લાયસન્સ વિના જ તેને ચલાવવામાં આવી રહ્યું હતું. જેના કારણે એસડીએમસી દ્વારા તેને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી અને હવે આ રેસ્ટોરન્ટ ને તાળાં લાગી ચૂક્યા છે.

image source

મહત્વનું છે કે આ રેસ્ટોરન્ટ પાસે લાયસન્સ ન હોવાથી તેને બંધ કરવા માટે 24 સપ્ટેમ્બરે નોટિસ ફટકારવામાં આવી હતી. રેસ્ટોરન્ટ પાસે લાઇસન્સ છે કે નહીં તેની તપાસ 21 સપ્ટેમ્બર કરાઈ હતી, ત્યારે જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટ કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ચાલી રહી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ એક જાહેર જગ્યા પર ગેરકાયદે કબજો કરી બનાવવામાં આવી છે તેવી ચોંકાવનારી માહિતી પણ તપાસમાં સામે આવી હતી. તંત્ર દ્વારા રેસ્ટોરન્ટને ૪૮ કલાકની અંદર જ બંધ કરી દેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા તેમ છતાં કોઇ કાર્યવાહી ન થતા અંતે અધિકારીઓ દ્વારા જ રેસ્ટોરેન્ટને સીલ કરી દેવામાં આવી છે.

image source

સૌથી પહેલા અકિલા રેસ્ટોરન્ટ ત્યારે ચર્ચામાં આવી જ્યારે ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટ એક મહિલાએ કરી હતી અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સાડી પહેરી હોવાથી રેસ્ટોરન્ટ ના કર્મચારીઓ તેને અંદર પ્રવેશ કરવા દેતા ન હતા. આ વીડિયોમાં પણ રેસ્ટોરન્ટનો એક કર્મચારી કહેતો જોવા મળે છે કે સાડી સ્માર્ટ ડ્રેસ નથી. આ વીડિયો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટનો ભારે વિરોધ થઇ રહ્યો હતો.

image source

જો કે આ ઘટના અંગે રેસ્ટોરન્ટ તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મહિલાએ તેના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. આ મહિલાને સાડી પહેરી હોવાથી રેસ્ટોરન્ટમાં આવવાની મનાઇ કરવામાં આવી ન હતી પરંતુ તેને રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે તેના નામે કોઈ રિઝર્વેશન ન હતું.

Exit mobile version