આજની પોઝિટિવ સ્ટોરી: કોઈ એક જમાનામાં લોકોનો પોતાના ઘર સાથે ઘર જેવો સંબંધ હતો, પણ ક્રમશઃ એ સંબંધ ઢીલો પડતો ગયો

‘ઘર’ સાથે ‘ઘર જેવો સંબંધ’ બાંધવાની તક

જ્યારથી બજાર મજબૂત બન્યું છે ત્યારથી માણસજાતે ‘ઘર’ની ઉપેક્ષા કરી છે.

image source

કોઈ એક જમાનામાં લોકોનો પોતાના ઘર સાથે ઘર જેવો સંબંધ હતો, પણ ક્રમશઃ એ સંબંધ ઢીલો પડતો ગયો.

કુદરતે તેને પુનઃ મજબૂત કરવાની એક તક સર્જી છે.

પણ હા, ૨૨મી માર્ચે, રવિવારે કેટલાક લોકોની આકરી કસોટી થશે.

‘કોરોના’થી બચવું તો છે, પણ આખો દિવસ ઘરે રહેવામાં કીડીઓ ચડે તેમ છે.

આમ તો ‘ધરતીનો છેડો ઘર’ એમ કહેવાય છે, પણ આધુનિક માણસે જીવનમાં એટલા બધા અન્ય છેડા ઊભા કરી દીધા છે કે તેને ઘરમાં રહેવાનું કઠે છે.

image source

જ્યારે ગાંધીજીએ સ્વતંત્રતાની લડતમાં વિદ્યાર્થીઓને ભણવાનું છોડવાનું કહ્યું હતું ત્યારે ટાગોરે તેમને ચેતવણી આપતાં કહ્યું હતું કે એક વાર વિદ્યાર્થીઓ વર્ગની બહાર આવી જશે એ પછી તેમને વર્ગમાં પુનઃ લઈ જવાનું અઘરું પડશે.

ડિટ્ટો અહીં પણ એવું થયું છે. બજારે, વિકાસે, ભૌતિકવાદે માણસને ઘરની બહાર રહેવાની એેવી તો ટેવ પાડી દીધી છે કે હવે તેનો ટાંટિયો ઘરમાં ટકતો નથી.

ટાંટિયો એટલે કે પગ ઘરમાં તો જ ટકે તો તેનું મન-હૃદય ઘરમાં ચોંટે. વિકાસગ્રસ્ત માણસ ‘બહાર’ને હવે એટલો પ્રેમ કરવા માંડ્યો છે કે તેને ‘ઘર’ જાડે હવે બહાર જેટલું જ બને છે.

image source

લાઠા એટલે કે લાભશંકર ઠાકર એમ કહેતા કે માણસે પહેલાં ઘર બાંધ્યું, એ પછી તે ઘર સાથે બંધાઈ ગયો.

જો કે માડર્ન માણસ ઘર સાથે પૂરેપૂરો બંધાયેલો નથી. ઘર વગર તેને ચાલતું નથી અને તેને ઘર પૂરેપૂરું ગમતું પણ નથી. મહેલ જેવાં ઘર પણ ઘણાને જેલ જેવાં લાગતાં હોય છે.

ઘર એટલે શું ? ઘર એટલે નિરાંત, ઘર એટલે હાશ, ઘર એટલે શાંતિ. ઘર એટલે ચિંતા કે તનાવ વગર જલસાથી જીવવાનું સ્થળ. ઘરમાં નિયમ નથી કે ઘરમાં એજન્ડા નથી. ઘરમાં ટારગેટ નથી ને ઘરમાં રજિસ્ટર પણ નથી. ઘર માત્ર રહેવાનું ઠેકાણું નથી, એ તો મનભરીને જીવી લેવાનું સ્થળ છે. એ ગૃહ છે. એ નિવાસસ્થાન છે.

જ્યાં રહેતો પ્રત્યેક જીવ જાતમાં અને પરસ્પરમાં નિવાસ કરે છે તે છે ઘર.

image source

એરિસ્ટોટલે ઘરને ‘સદ્‌ગુણોનું ઘરુવાડિયું’ કહ્યું હતું.

જો શરીર એ પ્રત્યેક વ્યક્તને રહેવા માટેનું ઘર છે તો ઘર એ દરેક કુટુંબ માટે હળી-મળીને રહેવા માટેનું શરીર છે.

ઘર માત્ર દીવાલો નથી હોતી, બે કે ત્રણ રૂમો-રસોડું-બાથરૂમ કે જાજરૂનો સરવાળો એ ઘર નથી. એ તો બિલ્ડરે કે કોન્ટ્રાકટરે કે ઓડે બનાવેલું ખોખું છે. એમાં રહેતા લોકો તેને ઘર બનાવે છે.

image source

અમારા ગામડામાં કોઈ વ્યક્તિ ઉપદ્રવ કરતી તો વડીલો તેને કહેતા કે “ભાઈ તું ઘર ઝાલીને બેસી જા ને !” વિકાસનો ઉપદ્રવ ખૂબ વધ્યો ત્યારે કુદરતે કોરોના દ્વારા જાણે કે માણસજાતને કહેવડાવ્યું છે કે “તમે ઘર ઝાલીને બેસી જાઓ ને !”
સ્વતંત્ર ભારતમાં કદાચ પહેલી વાર આખા દેશમાં પોતપોતાના ઘરમાં રહેવાનું કહેવાયું છે.

સમજદારને ઈશારો કાફી હોય છે. જનતા કરર્ફ્યુ માત્ર એક દિવસ ઘરમાં ઘરવાળાં સાથે રહેવાનો તકાદો નથી. જાતમાં ઘરને ભરીને, હૃદયમાં ઘર-ભાવને સ્થાપિત કરવાનો આ રૂડો અવસર છે.

image source

બહાર ખૂબ રહ્યા, બહાર ખૂબ ફર્યા હવે ઘરમાં રહીને અંદર જવાનું છે. ‘આઉટસાઈડ’ જઈ શકાય તેમ નથી એટલે હવે ‘વીધીન’ જવાનું છે.

કુદરત માણસને પ્રતિકોરૂપે, સંકેતથી સમજાવતી હોય છે.

આપણે ૨૨મી માર્ચ પછી પણ હૃદયમાં ઘરને ભરવાનો સિલસિલો ચાલુ રાખવાનો છે… આ જનતા કરર્ફ્યુ સ્વયં લંબાય તો કોરોના જેવાં અનેક વાયરસ ઊભી પૂંછડીએ ભાગે !

તમે પેલી (મૂળ હિન્દીમાં) કહેવત છે તે સાંભળી જ હશેઃ

“સવારનો ભૂલેલો સાંજે ઘરે પરત આવે તો તેને ભૂલેલો કહેતા નથી.”

image source

હેપી જનતા કરર્ફ્યુ.

ઘર-ઘર ‘ઘર’ની જય હો.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત