Site icon News Gujarat

આખી ડુંગળીનું મસાલેદાર શાક – બહાર ઢાબામાં ખાવા મળતું આ સ્પેશિયલ શાક હવે બનશે તમારા રસોડે..

કેમ છો મિત્રો? આજકાલ કોરોના ઘણા લોકો કે જેઓને બહારના ખાવાનું ખુબ પસંદ હોય છે તેઓની પરિસ્થિતિ બહુ દયનીય છે, અમારા ઘરમાં પણ એવું જ થયું છે છોકરાઓને બહારનું ખાવા જોઈએ પણ કોરોનાને કારણે હું તેમને બહાર જવા નથી દેતી તો હવે તેઓ દરરોજ અવનવી ફરમાઈશ કરતા રહે છે અને હું તેમના માટે દરરોજ કાંઈકને કાંઈક નવીન બનાવતી રાહુ છું.

આજે હું તમારા બધા માટે લાવી છું એક નવીન શાક, તમે બનાવતા હશો કે નહિ એ ખબર નથી પણ અમારા બે થી ત્રણ નજીકના ઘર છે તેમાં આ શાક કોઈએ ખાધું હતું નહિ. હવે વાત એમ હતી કે થોડા મહિનાઓ પહેલા અમે એક ઢાબામાં જમવા માટે ગયા હતા ત્યાં બાળકોએ આખી ડુંગળીનું શાક મંગાવ્યું હતું. બસ એ એકવાર મેં ચાખ્યું હતું અને આજે અચાનક બાળકોએ ફરમાઈશ કરી કે એ ઢાબામાં ખાધું હતું એવું શાક બનાવો તો પછી શું આપણે યાદ કર્યો ફરીથી એ ટેસ્ટ અને બનાવી દીધું આ મસ્ત મસાલેદાર શાક.

મારા ઘરમાં તો બધાને ખુબ પસંદ આવ્યું તમે પણ એકવાર જરૂર બનાવજો અને મને ખાતરી છે કે બધાને ખુબ પસંદ આવશે.

આખી ડુંગળીનું શાક બનાવવા માટેની સામગ્રી

આખી ડુંગળીનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટેની સરળ રેસિપી.

1. સૌથી પહેલા આપણે ગ્રેવી રેડી કરીશું તેના માટે મીક્ષરના એક નાના કપમાં ટામેટા, લીલા મરચા અને આદુ લો અને તેને ક્રશ કરી લો.

2. હવે એક નાના કૂકરમાં વઘાર કરવા માટે તેલ ઉમેરો. (કૂકરમાં બનાવવાથી આ શાક ફટાફટ બની જાય છે અને આખી ડુંગળીમાં અંદર સુધી મસાલો પહોંચે છે.)

3. તેલ ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલ ગ્રેવી ઉમેરો

4. ગ્રેવી તેલમાં ઉમેર્યા પછી ગ્રેવી ગરમ થાય અને તેલના પરપોટા બનતા દેખાય ત્યાં સુધી ગરમ કરો.

5. હવે આ ગ્રેવીમાં મસાલા ઉમેરીશું, જેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું ઉમેરો

6. હવે તેલમાં મસાલો બરાબર ચઢી જાય ત્યાં સુધી ગરમ કરીશું

7. હવે તેમાં દહીં ઉમેરીશું (દહીં ઉમેરવાથી શાકમાં ક્રીમી ટેક્ષર આવશે, આ સ્ટેપમાં તમે દહીંમાં એક ચમચી ચણાનો લોટ પણ ઉમેરીને નાખી શકો છો.)

8. દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું

9. હવે તૈયાર થયેલ મિશનમાં આખી નાની છોલેલી ડુંગળી ઉમેરીશું

10. હવે આ કૂકરમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું (ગ્રેવી બનાવતા મીક્ષરમાં રહી ગયેલ ગ્રેવીમાં પાણી ઉમેરીને એ પાણી આ સમયે ઉમેરી શકો છો.)

11. હવે કુકર બંધ કરીને બે થી ત્રણ સીટી થવા દેવી (5 થી 7 મિનિટમાં શાક ચઢી જશે એટલે સીટીની ગણતરી ના હોય તો પણ વધુ સમય રહેવા દેવું નહિ. નાહ તો ડુંગળી છૂટી પડી જશે)

12. બસ હવે શાક રેડી છે આને તમે ગરમાગરમ રોટલી, પરાઠા, બાજરીના રોટલા, ભાખરી અને પુરી સાથે પણ ખાઈ શકો છો અને હા છેલ્લે ધાણા મુકવાનું ભૂલતા નહિ.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આવજો ફરી મળીશું એક નવીન અને ટેસ્ટી રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version