હવામાન વિભાગે કરી આગાહી, 23 જુલાઈથી રાજ્યમાં થશે ભારે વરસાદ

રાજ્યમાં ચોમાસાની શરૂઆત તો થઈ ચૂકી છે પણ થોડા સમયથી વરસાદે જાણે વિરામ લીધી હતો પણ હવે વિરામ બાદ છેલ્લાં બે દિવસથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

image source

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 204.94 મિમિ. એટલે કે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. મંગળવારે ગુજરાત રાજ્યના 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આણંદ,બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં 135 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 31 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં થયો છે.

સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 25.45 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં આ સીઝનનો સરેરાશ 26.99 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 19.25 ટકા, મધ્ય ગુજરાતમાં 21.81 ટકા, સૌરાષ્ટ્રમાં 23.94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 30.87 ટકા જેટલો વરસાદ થયો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.14 ઈંચ વરસાદ થયો છે.

image source

ગયા વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા જેટલો વરસાદ થયો હતો એટલે કે ગયા વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકા ની ઘટ છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. 9 જિલ્લાઓમાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

image source

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસી શકે છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.