સોશિયલ મીડિયાએ કરી કમાલ, અમદાવાદના સમોસા વેંચતા છોકરાની મદદ કરવા લોકો સમોસા માટે કરી પડાપડી

સોશિયલ મીડિયાની બોલબાલા આજકાલ ખૂબ જ વધી ગઈ રહી છે. સોશિયલ મીડિયા રાતોરાત કોઈને પણ સ્ટાર બનાવી શકે છે, ઘણા લોકોને સોશિયલ મિડયાના માધ્યમથી રોજગારી મળી છે.

જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ ટેકનૉલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો સતત સોશિયલ મીડિયાથી જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયામાં ઘણીવાર લોકો મદદ માંગતા પણ જોવા મળે છે. થોડા સમય અગાઉ દિલ્હીમાં એક ધાબા વાળાનો વિડીયો ખૂબ જ વાઇરલ થયો હતો જેમાં ધાબામાં બનાવવામાં આવતી વાનગીઓ અને તેના માલિકની આર્થિક પરિસ્થિતીઓ જણાવવામાં આવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં એટલી હદે વાઇરલ થયો હતો કે તે ધાબાના માલિક રાતો રાત પ્રખ્યાત થઈ ગયા હતા

અમદાવાદમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક બાળક સમોસા અને દહીં કચોરી વેચતો હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. અનેક લોકોએ આ વિડ્યોને શેર કર્યો હતો.

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર 14 વર્ષનો બાળક પરિવારને મદદ કરવા ફક્ત 10 રૂપિયાની કિંમત પર દહીં કચોરી વેચી રહ્યો છે. લોકો આ છોકરાની મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યાં છે. અમદાવાદના આ બાળકના વિડીયોની નોંધ ટીવી અભિનેતા જય ભાનુશાલીએ પણ લીધી હતી.અને તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વીડિયો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘હું આવતીકાલે શો માટે અમદાવાદ જવાનો છું. હું ચોક્કસ આ ૧૪ વર્ષના છોકરાને મળીશ અને તેની કચોરી ખાઈશ’.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ કચોરી વેંચતા બાળકનું નામ તન્મય અગ્રવાલ છે જે હાલ 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરિવારની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી પરિવારની મદદ કરવા માટે સમોસા અને દહીં કચોરી વેચે છે.

તન્મયનો આખો પરિવાર દિવસ દરમિયાન સમોસા અને દહીં કચોરી બનાવે છે અને સાંજે મણિનગર રેલવે સ્ટેશનની બહાર એક્ટિવા પર સમોસા વેચે છે. સોશિયલ મીડિયામાં અમદાવાદના બાળકનો વિડીયો ટ્રેન્ડ થતાં અનેક લોકો બાળકની મદદ કરવા માટે સામે આવ્યા છે. અને તેની દહીં કચોરી ખાવા માટે લોકોની પડાપડી થઈ રહી હોવાના દ્રશ્ય સર્જાયા હતા.

સમોસા અને દહીં કચોરી ખાવા ક્યારેય ન જોઈ હોય તેટલી ભીડ ઉમટી આવતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.