અનેક લોકોએ આ દિવસોમાં પરિવારને આપ્યો છે અઢળક સમય, અને તમે?

કોરાના વાયરસને કારણે આવી પડેલા લોકડાઉને બધુ જ ડાઉન કર્યું છે એવું નથી હોં. ઘણુ બંધ થઈ ગયું હતું તેની ચાવીઓ આ લોકડાઉનમાંથી જ મળી છે. હું મારી આખી જિંદગીમાં એકસાથે મારા પરિવાર સાથે આટલા દિવસો પહેલીવાર રહ્યો છું.

image source

મેં દર્પણ એકેડેમીમાં 23 વર્ષ નોકરી કરી હતી તો 23 રજાઓ પણ લીધી નહોતી. હું રવિવારે પણ સંસ્થામાં હાજર હોતો. પહેલી વાર આટલા બધા દિવસ પરિવાર સાથે રહીને, સવાર-સાંજ પરિવાર સાથે જમવાનું, સતત જોડે રહેવાનું બન્યું છે. મને ખબર છે લાખો લોકોનો મારા જેવો જ અનુભવ હશે. જે થયું તે આનંદમય છે. તેનાં કારણો શોધવાનું કામ આપણું નથી. આપણે તો આપણા રાષ્ટ્ર માટેની ભાવના વ્યક્ત કરવાની છે.

image source

જે આપણા હાથમાં નથી તે નથી જ. આપણે ઘરે રહીને પરિવાર અને રાષ્ટ્ર બન્ને માટેનો પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ તો એક પંથ દો કાજ છે. અત્યાર સુધી આપણે જુદાં જુદાં કારણો આપીને પ્રેમને હડસેલતા હતા, હવે કોઈ બહાનાં કે કારણો ચાલવાનાં નથી. ગઈ કાલે મમ્મી કહેતી હતી કે બેટા, એક કોળિયો ખાઈને જા ને ! એ વખતે શુટિંગમાં જવા મોડું થતું હતું. હવે મોડું નથી થતું કે ખાટું-મોળું પણ નથી થતું. હવે મમ્મી જોડે, પત્ની સાથે, દીકરી સાથે બેસીને નિરાંતે જમી શકાય છે. હવે સમય જ સમય છે. હવે આપણે વ્યસ્ત નથી કે અસ્તવ્યસ્ત પણ નથી. હવે બસ માત્ર મસ્ત છીએ.

image source

માણસ પાસે બળ છે અને બુદ્ધિ છે. એ આનો સામનો કરશે અને નવું સર્જન પણ કરશે. માણસનો સ્વભાવ મથામણનો છે. એ ડરથી ડરનારું પ્રાણી નથી. એ ડરને અતિક્રમીને નવું આરોહણ કરશે. આપત્તિને એ અવસરમાં ફેરવશે. આ હું નથી કહેતો, ઈતિહાસ કહે છે.

image source

લોકડાઉનને લોકોને જૂના આલબમો જોવાની તક આપી છે. તન અને મનને તપાસવાનો મોકો આપ્યો છે. હું મારી વાત કરું તો હું મારા શરીરની દરકાર નહોતો કરતો. કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી, કાળજી લીધી, તેને મટાડ્યું પણ શરીરની ઉપેક્ષા કરતો હતો. આ સમયનો મોકો ઉઠાવીને વૈદ્યરાજ પ્રવીણ હીરપરા અને તેમની ટીમ પાસે મેં આયુર્વેદિક સારવાર કરાવી. હું એકદમ નવો થઈ ગયો. મેં લોકડાઉનને અવસરમાં બદલ્યો. અનેક લોકો આ સમયમાં ઘણું નવું કરી રહ્યા છે. મને જાણવા મળ્યું કે નૃત્યકાર ચંદન ઠાકોર અને નિરાલીબહેન ઠાકોર જૂની સીડી-કેસેટ અંગેનો પેન્ડિંગ પ્રોજેક્ટ પૂરો કરી રહ્યાં છે. પોતાના ઘરમાં જ્યાં તેઓ નૃત્યની તાલીમ આપે છે એ જગ્યાને નવો ઓપ આપી રહ્યાં છે. તેઓ આ કરે છે કોઈક બીજું કંઈક કરતું હશે.. ઠેર-ઠેર પડતર કામો પૂરાં થતાં હશે કે નવાં સર્જન થતાં હશે.. લોકો સમયને માણી રહ્યા છે અને એ જ ઉત્તમ રસ્તો છે. ઘર બહાર રસ્તા પર ના જઈ શકાય ત્યારે કેવી રીતે જીવવું તેના રસ્તા માણસ શોધી જ કાઢે ને ભાઈ…

image source

કોરાનાના સમયકાળમાં અને તેમાંથી પાર ઉતર્યા પછીના કાળમાં માણસ નવો બનશે. એ નવી રીતે જમશે અને નવી રીતે ચાલશે. એ નવી રીતે સૂશે અને નવી રીતે જાગશે. એ નવી રીતે વ્યક્ત થશે અને નવી રીતે પ્રેમ કરશે. એ નવી રીતે બેસશે અને નવી રીતે ઉઠશે. એ અદલાશે અને એ બદલાશે. એ નવી રીતે વિચારશે. તમે જોજો, એ આજે જીવે છે ને એના કરતાં વધારે જીવશે. જે સમય પસાર કરતા હશે તેમને હવે જીવવાનું મન થશે. જેઓ જીવતા હતા તેમને વધારે સારી રીતે જીવવાનું મન થશે. જે મારા-તારા માટે જીવતા હતા તે પોતા માટે પોતાના માટે જીવશે.

જે માંડ માંડ આઈ લવ યુ કહેતા હતા તે આખી દુનિયા સાંભળે તેમ કહેશેઃ આઈ લવ યુ….

(અર્ચન ત્રિવેદી અભિનેતા-ગાયક અને દિગ્દર્શક છે. અનેકવિધ કલાઓ તેમનામાં ઠાંસોઠાંસ ભરેલી છે. જૂની રંગભૂમિનાં ગીતો હોય કે ભવાઈના વેશ તેઓ બધામાં અવ્વલ છે. અનેક સફળ નાટકો અને ફિલ્મો તેમના નામે બોલે છે. નીવડેલા અદાકાર છે. ત્રણ ત્રણ કેન્સરને હરાવીને જિંદગીને બાથમાં લઈને આઈ લવ યુ કહેવાનો રૂઆબ તેમનામાં છે. અનેક એવોર્ડથી તેઓ વિભૂષિત થયા છે. ગુજરાતની જ નહીં, માનવતાની તેઓ સૂતરની આંટી છે… તેમનો હરતો ફરતો સંપર્ક નંબર 94263 67552 છે.)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત