વર્ષ 2014 પછીનો સૌથી મોટો ફેરફાર, ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોના એડમિશન માટે થઈ રહી છે પડાપડી

કોરોનાના કારણે લોકોની કમર આર્થિક રીતે તુટી ગઈ છે. તેમાં પણ હાલ મોંઘવારીએ પણ માજા મુકી છે. પેટ્રોલના ભાવથી લઈ જીવનજરૂરીયાતની દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. તેવામાં પડતા પર પાટુ મારે છે ખાનગી શાળાઓ… કોરોનાના કપરા સમયમાં પણ વાલીઓ તરફથી સતત ફરિયાદો ઉઠતી રહે છે કે ઓનલાઈન એજ્યુકેશન હોવા છતાં શાળાઓ તરફથી ફીની પઠાણી ઉઘરાણી થઈ રહી છે. આ ઉઘરાણીનું ફળ હવે ખાનગી શાળાઓને મળી રહ્યું હોય તેવું બની રહ્યું છે.

image soucre

ખાનગી શાળા દ્વારા સતત વધારવામાં આવતી ફી અને તેમના મનસ્વી વર્તનના કારણે ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 61 હજાર બાળકો ખાનગી શાળાઓમાંથી એડમિશન કઢાવી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. વર્ષ 2014 પછી આટલી મોટી સંખ્યાઓમાં સરકારી શાળાઓમાં બાળકોએ એડમિશન લીધાનું બન્યું છે જેને લઈ સૌ કોઈ આશ્ચર્યમાં છે. એડમિશનની પ્રક્રિયા હજુ 31 ઓગસ્ટ સુધી ચાલવાની છે ત્યારે ધારણા છે કે આ વર્ષે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યા રેકોર્ડ બ્રેક કરે તેટલી વધશે.

image soucre

વાત અમદાવાદની કરીએ તો અહીં સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હવે વાલીઓ સ્થાનિક ધારાસભ્યોની મદદ લઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓમાં પ્રવેશ લેવા બાળકો માટે ભલામણ પત્ર મોકલવામાં આવી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડિયા અને જગદીશ પટેલ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને ગિયાસુદ્દીન શેખે સરકારી શાળાઓને પત્ર લખીને ઘણા બાળકોને પ્રવેશ આપવાની ભલામણ કરી છે.

image soucre

ઠક્કરબાપાનગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ તેમના મતવિસ્તારમાંથી છ બાળકો માટે પ્રવેશની ભલામણ કરી છે, જેમના નામ એએમસી દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં જુદા જુદા વર્ગોમાં વેઈટીંગ લિસ્ટમાં છે, જ્યારે જગદીશ પટેલે તેમના મતવિસ્તાર અમરાઈવાડીમાંથી એક બાળક માટે ભલામણ કરેલ છે. તેવી જ રીતે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમના સંસદીય મત વિસ્તાર દરિયાપુરમાંથી 17 બાળકો માટે ભલામણ પણ મોકલ્યા છે.

image soucre

વલ્લભ કાકડિયાના કહ્યાનુસાર ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરતા લોકો પણ આ વર્ષે તેમના બાળકોને મ્યુનિસિપલ શાળાઓમાં શિફ્ટ કરી રહ્યા છે. અંગ્રેજી માધ્યમની શાળાઓએ તેમનું મકાન મોટું કર્યું છે, પરંતુ બાળકોના પ્રવેશ માટે અહીં જગ્યા નથી. તેની ઉપર ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર સતત ભારે ફીનો બોજ વધારવામાં આવી રહ્યો છે. તેનું પરિણામ છે કે વાલીઓ હવે બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા આગળ આવ્યા છે. આગામી 31 જુલાઈ, 2021 સુધીમાં રાજ્યભરમાં 32,000 થી વધુ સરકારી અને મ્યુનિસિપલ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં લગભગ 61,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લેશે તેવું અનુમાન છે.

image soucre

આ સ્થિતિ માત્ર અમદાવાદની નહીં રાજ્યભરમાં છે. ઘણા વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માંગે છે તેનું સૌથી મોટું કારણ ફીનો વધારો છે અને બીજું કોવિડ દરમિયાન સર્જાયેલું આર્થિક સંકટ છે. પરિવાર પર આર્થિક સંકટ વધ્યા છે તેમાં પણ ખાનગી શાળાઓ ફીમાં કોઈ બાંધછોડ કરતી નથી તેના કારણે હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં હવે વેઈટીંગ લિસ્ટમાં બાળકોની સંખ્યા 200 ને પાર થઈ ગઈ છે.