શરીર પર ઊંડા ઘા, કુતરાએ ભરેલા બચકા સાથે મોતના મુખમાં પહોંચી હતી રાજકોટની અંબે, 54 દિવસે સંપૂર્ણ સ્વસ્થ

ફેબ્રુઆરી માસના અંતમાં રાજકોટના એક અવાવરું વિસ્તારમાંથી એક નવજાત બાળકી જેને એક કુતરું મોંમાં ઉચકી ખાઈ જવા લઈ જઈ રહ્યું હતું તેને સ્થાનિકોએ બચાવી 108 વડે હોસ્પિટલ પહોંચાડી હતી. આ બાળકીની સ્થિતિ એવી હતી કે તે હોસ્પિટલના બીછાને નહીં પણ મોતના મુખમાં જ ઝુલતી હતી.

image source

બાળકી મળી આવી ત્યારે તેના શરીર પર અસંખ્યા ઘા હતા. કુતરાના નખ અને દાંત વાગ્યા હતા. આ ઘાના કારણે બાળક લોહીલુહાણ હોવાની સાથે તેના આંતરડા અને પેટમાં ચેપ લાગ્યો હતો. આ બાળકીને સારવાર અર્થે પહેલા સિવિલમાં ખસેડાઈ હતી અને ત્યાંથી એક ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી.

આ બાળકીનું નામ રાજકોટના પોલીસ કમિશ્નરે અંબે રાખ્યું હતું. ગંભીર હાલતમાં સારવાર અર્થે જેને ખસેડવામાં આવી હતી તે અંબે ડોક્ટરોની અથાગ મહેનત અને હજારો લોકોના પ્રેમના કારણે સ્વસ્થ થઈ ચુકી છે.

તેની સારવાર કરતાં ડોક્ટરોએ કહ્યું છે કે તેના ઘા રુઝાઈ ચુક્યા છે, તેને આંતરડા અને પેટમાં જે ચેપ લાગ્યો હતો તે પણ મટી ગયો છે. જો કે તેને સાથળના સાંધામાં ઈન્ફેકશન થયા બાદ લોહીની ગાંઠ થઈ ગઈ છે તેને તબીબી ભાષામાં ઓસ્ટીયો માઈરાઈટીસ કહે છે તેની સારવાર ચાલી રહી છે. આ સિવાય બાળકીને હોસ્પીટલમાંથી રજા આપી શકાય તેટલી સ્વસ્થ તે થઈ ચુકી છે.

image source

ડોક્ટરોનું કહેવું છે કે અંબેનું વજન 3 કિલો થઈ ગયું છે અને તે દૂધ પણ પીવા લાગી છે. ઉલ્લેખનીય છે કે અંબેની હાલત જ્યારે ગંભીર હતી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ તેની ચિંતા કરી હતી સાથે જ હજારો લોકોએ તેના માટે પ્રાર્થના કરી હતી. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે તેથી તે હોસ્પિટલમાં જ રહેશે ત્યારબાદ તેને સ્થાનિક તંત્રના આદેશ અનુસાર શિફ્ટ કરવામાં આવશે.