લોકડાઉનના કારણે અનંત છે પરીવારથી દૂર, વીડિયો કોલથી પરીવારએ આપી જન્મદિવસની શુભેચ્છા
મુકેશ અંબાણી અને નીતા અંબાણી જેટલા જ ફેમસ તેના ત્રણ બાળકો છે. તેમાં હાલ ચર્ચા થઈ રહી છે મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની.

અનંત અંબાણીએ ગઈકાલે જ પોતાનો જન્મ દિવસ સાદાઈથી ઉજવ્યો છે. જો કે તમને એ પણ જણાવી દઈએ કે અનંત હાલ મુંબઈમાં તેના પરીવાર સાથે નહીં પણ જામનગરમાં છે.
લોકડાઉનની સ્થિતિ હોવાના કારણે અનંત અંબાણી જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં છે. તેનો ગઈકાલે જન્મદિવસ હતો.
હાલ કોરોના વાયરસના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખી અનંતએ એકદમ સાદાઈથી પોતાનો જન્મદિવસ મનાવ્યો. તેણે વીડિયો કોન્ફરન્સથી માતા અને પિતા સાથે જોડાઈ આ વર્ષે જન્મદિવસ ઉજવ્યો છે. જામનગરની રિલાયન્સ રિફાઈનરીના વરિષ્ઠ અધિકારોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને અનંતનો જન્મદિવસ ઉજવ્યો હતો.
અંબાણી પરીવારના દરેક સભ્યની જેમ અનંત પણ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે, પોતાના જન્મદિવસની શરુઆત તેણે પણ પૂજા-પાઠ કરીને કરી હતી. અનંત લોકડાઉન પહેલા અહીં આવ્યો હતો પરંતુ ત્યારબાદ લોકડાઉન જાહેર થયું અને તેણે પણ નક્કી કરી લીધું કે લોકડાઉન પૂર્ણ થશે ત્યારપછી જ મુંબઈ જવા રવાના થશે.
અનંત અંબાણી વિશે અગત્યનું

અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ થયો હતો. અનંત અંબાણીની સૌથી વધુ ચર્ચા તેના વજનના કારણે થઈ હતી. હાલ તો તે એકદમ ફીટ છે પરંતુ થોડા સમય પહેલા તેનું વજન 150 કિલોથી પણ વધારે હતું. જો કે તેણે એક વર્ષમાં જ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી વજન ઘટાડ્યું હતું. તેનું વજન અસ્થમાની બીમારીની સારવાર બાદ વધ્યું હતું.
અનંત અંબાણી છેલ્લા કેટલાક સમયથી રાધિકા મર્ચંટ સાથેના તેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. ચર્ચાઓ છે કે આ બંને એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવાનું નક્કી કરી ચુક્યા છે. જો કે હજુ સુધી આ અંગે અંબાણી પરીવાર કે અનંત-રાધિકાએ સત્તાવાર જાહેરાત કરી નથી.
પરંતુ ઈશા અને આકાશના લગ્ન હોય કે પછી અન્ય કોઈપણ ઉજવણી અંબાણી પરીવારની મોટી વહુ શ્લોકા અંબાણી જેટલા ઠાઠ અને ઉત્સાહ સાથે રાધિકા પણ જોવા મળે છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્ન દરમિયાન પણ અનંત અને રાધિકાના ફોટો વાયરલ થયા હતા.