PMની ભલે ‘ના’, પણ ડોક્ટરો સહિત અનેક લોકોએ અઠવાડિયાના લોકડાઉન માટે કરી ભલામણ, આ શહેરોમાં સ્થિતિ ચિંતાજનક

કોરોનાનો ભરડો: 5 મહાનગરનાં વેપારીઓ કહે છે- લોકડાઉન કરો, સ્થિતિ ખૂબ જ ગંભીર છે!

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ કથળવા લાગી છે. એમાં પણ છેલ્લા એક મહિનાથી તો કોરોના વિસ્ફોટ થયો છે અને એક ઘર છોડીને એક ઘરે દસ્તક આપી દીધી છે તેમજ નિષ્ણાતો હજુ પણ કોરોના સંક્રમણ વકરવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. હાલ ગુજરાત સરકારના હાથમાંથી બાજી સરકી ગઈ છે અને દર્દીઓને બેડ કે ઓક્સિજન પૂરાં પાડવાની સ્થિતિમાં રહી નથી. જો હજુ પણ સંક્રમણ કાબૂમાં નહીં આવે તો આવતીકાલે શું થશે એ અંગે કહેવું અને કલ્પવું અશક્ય છે. આ સ્થિતિ વચ્ચે હવે રાજ્યમાં લોકડાઉનની માગ બળવત્તર બનવા લાગી છે.મોટા ભાગનાં ડોક્ટર્સ, વેપારી મંડળો, હાઈકોર્ટ અને જનતા સહિત સૌકોઈ લોકડાઉન કરવા માટે કહે છે..

image source

3થી 4 દિવસના લોકડાઉનને બદલે 15 દિવસનું લોકડાઉન જરૂરી

લોકડાઉન અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવી જણાવે છે કે કોરોનાના વાયરસમાં મ્યૂટેશન થતાં એની સંક્રમણશક્તિ વધી છે, જેને કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે વાયરસની મારણશક્તિ ઘટી છે. લોકો આજેય માસ્ક વગર ફરી રહ્યા છે. વાયરસની ચેન તોડવા 3થી 4 દિવસના લોકડાઉનને બદલે 15 દિવસનું લોકડાઉન જરૂરી છે.

image source

AMAના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇ કહે છે, કોરોના સંક્રમણ વધવા પાછળ વાયરસમાં મ્યૂટેશન, હાલની સીઝન જવાબદાર છે. લોકો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો વાયરસની ચેન તોડવા માટે સરકાર પાસે કર્ફ્યૂ કે લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ બચશે નહીં.

જીવનજરૂરી સિવાયની ઈન્ડસ્ટ્રીઝ બંધ કરવામાં આવે

image source

જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશને GCCIને પત્ર લખી મહામારીને નાથવા માટે સાથે મળી કામ કરવાની સાથે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. GCCIને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ફક્ત ખૂબ જરૂરી હોય તેવી જ ઈન્ડસ્ટ્રીઝમાં કામ ચાલુ રાખવામાં આવે (શક્ય હોય તો અડધી ક્ષમતા સાથે), બાકીની ઓછામાં ઓછાં બે અઠવાડિયાં માટે બંધ કરવામાં આવે, જેથી કોવિડના ચેપની સાંકળને તોડી શકાય. તેમજ કારીગરોને સુપર સ્પ્રેડર બનતાં અટકાવવા માટે તમામ કારીગરો માટે રસીકરણ ફરજિયાત બનાવવામાં આવે.

લોકડાઉન નહીં કરવામાં આવે તો સ્થિતિ વધુ કથળી શકે

image source

સુરતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સાત દિવસના સંપૂર્ણ લોકડાઉનની માગ સાથે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જો લોકડાઉન નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. હેલ્થ સ્ટાફની જેટલી ક્ષમતા છે ત્યાં સુધી સેવા આપી રહ્યા છે,

પરંતુ જો આ સ્ટાફની ધીરજ ખૂટી જશે અને હેલ્થ સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.જ્યારે સુરત ફોસ્ટા (FOSTA) દ્વારા શહેરમાં એક સપ્તાહ લોકડાઉનની માગ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. એ મુજબ માત્ર શનિ-રવિ બંધ રાખવાથી કોરોના ચેન તૂટશે નહીં, આખું સુરત એક સપ્તાહ માટે લોકડાઉન કરવા માગ કરાઈ છે.

image source

કોરોના ચેન તોડવી પ્રથમ આવશ્યક

રાજકોટ મેડિકલ એસોસિયેશન દ્વારા કોરોનાની ચેન તોડવા માટે 21 દિવસનું લોકડાઉન કરવાની જરૂર હોવાની રજૂઆત કરી છે. IMAના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. હાલની પરિસ્થિતિ જોતાં કોરોના ચેન તોડવી પ્રથમ આવશ્યકતા છે અને એ માટે લોકડાઉન એ જ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.

આંશિક લોકડાઉન જરૂરી છેઃ વડોદરા મેડિકલ એસો.ના પ્રમુખ

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, વડોદરાના પ્રમુખ પરેશ મજમુદારે જણાવ્યું હતું કે હું IMA, વડોદરાના પ્રમુખ તરીકે નથી કહેતો પણ મારો પર્સનલ અભિપ્રાય છે કે કોરોનાની ચેન તોડવા માટે આંશિક લોકડાઉન જરૂરી છે, પરંતુ લોકડાઉન માટે આર્થિક, વેપાર રોજગાર સહિતનાં અનેક પાસાંનું ધ્યાન રાખવું પડતું હોય છે. જો લોકો જ સમજે અને ઘરની બહાર ન નીકળે તો લોકડાઉનની જરૂર નથી.

image source

લોકડાઉન વિના કોઈ જ રસ્તો જ નથી: ડો. કાનાણી

ઓલ ઇન્ડિયા ડોક્ટર એસોસિયેશનના પૂર્વ ઉપપ્રમુખ ડો.કાનાણીએ જણાવ્યું હતું કે લોકડાઉનની પૂરેપૂરી જરૂર છે. માર્ચ 2020માં જ્યારે 100 કેસ ન હતા ત્યારે લોકડાઉન કર્યું હતું. અત્યારે 20 હજાર ઉપર કેસો આવી રહ્યા છે તો લોકડાઉન કરતા નથી. કોરોનાની ચેન તોડવા સંપૂર્ણ લોકડાઉન થાય તો જ શક્ય છે, બાકી સ્વયંભૂમાં કંઈ થાય નહીં, હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ગુજરાતના તમામ ડોક્ટર વતી હું કહું છું કે લોકડાઉન કરવું જોઈએ, એના વગર કંઈ શક્ય નથી. સરકાર પાસે નથી મેડિકલ, નથી સ્ટાફ, નથી ઇન્જેક્શન, નથી એમ્બ્યુલન્સ, નથી સ્મશાન;, તમામ રામ ભરોસે ચાલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!