મહિલા પોલીસ મથકે આવેલો દિલ્હી પોલીસનો જવાન કોરોના પોઝીટીવ, જેમને મળ્યો તે થયા કોરોન્ટાઈન

કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત દેશભરમાં છે. તેવામાં સૌથી મહત્વની અને મુશ્કેલ કામગીરી પોલીસ જવાનોની છે. પરંતુ હવે દેશભરના વિવિધ રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી ખડેપગે રહેનાર પોલીસ કર્મીઓ પણ કોરોનાનો ભોગ બનવા લાગ્યા છે.

image source

તાજેતરમાં જ દાદરીના મહિલા પોલીસ મથકમાં પોતાના સંબંધીને મળવા આવનાર દિલ્લી પોલીસનો એક જવાન કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. તેનો રીપોર્ટ પોઝીટીવ આવતાં જ ચરખી દાદરી પોલીસ મથકમાં એસએચઓ સહિત દરેક પોલીસકર્મીને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને સેમ્પલને તપાસ માટે મોકલાયા છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર સંક્રમિત પોલીસ જવાન મહિલા પોલીસ મથકમાં પોતાના જીજાજીને મળવા આવ્યો હતો. બંનેએ પોલીસ મથકમાં જ ભોજન કર્યું અને આસપાસ ચક્કર પણ માર્યા. ત્યારબાદ તે જવાન દિલ્હી રવાના થયો. હવે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ વાત પ્રકાશમાં આવતા પોલીસ મથકમાં હડકંપ મચી ગયો છે.

image source

આ પોલીસ મથકે પણ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અને તેમણે દરેક અધિકારીનું સ્ક્રીનિંગ કર્યું અને મહિલા પોલીસ મથકના એસએચઓ સહિત 9 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ અગાઉ મહારાષ્ટ્રમાં 12 પોલીસ અધિકારીઓ સહિત 64 પોલીસ જવાનોના કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ જવાનોમાં 34 મુંબઈના પોલીસ કર્મી છે. આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ફરજ બજાવતાં 2 મહિલા પોલીસ કર્મીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.

image source

દિલ્હી, મહારાષ્ટ્ર બાદ દેશનું સૌથી મોટું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં પણ પોલીસ કર્મીઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. અહીંના ખાડિયા અને ગાયકવાડ હવેલી પોલીસ મથકના અધિકારીઓ કોરોના પોઝીટીવ થયા છે. માત્ર અમદાવાદમાં કુલ 32 પોલીસ કર્મચારીઓને કોરોના વાયરસનું સંક્રમણ થયું છે. આ તમામ પોલીસ કર્મચારી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

image source

છેલ્લા થોડા જ દિવસોમાં 32 પોલીસ જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે જ્યારે ખાડિયા અને ગાયકવાડ હવેલી પોલીસ મથકના એસીપી, પીઆઈ સહિત 290 જેટલા પોલીસ કર્મીઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.