કચ્છમાં આવેલા આશાપુરા માં ની પ્રાગટ્ય કથા અને પરચા છે જાણવા જેવા, તમને ખબર હતી ?

મઢવાળી મા આશાપુરાના ધામનો મહિમા છે હજારો વર્ષ જૂનો… માની આરતી સમયે મળતા પતરીના પરચા અને પ્રાગ્યટ કથા અચંબિત કરી દેશે…

image source

કચ્છની ધરતી જેના થકી ધન્ય છે, એવા મા આશાપુરાનો મહિમા અને તેમના પૂણ્યશાળી પરચા વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. મઢવાળી આશાપુરા માને કચ્છની ધણી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કચ્છ પ્રદેશની રખેવાળી કરનાર અને આ રણપ્રદેશની પ્રજાની આશા પૂરી કરનારી આ દેવી અહીં સાક્ષાત હાજરાહજૂર છે. આ મંદિરમાં આરતી સમયે એવો પરચો મળે છે, કે જેને કારણે આપણે વિચારતાં થઈ જઈએ છીએ કે શું ખરેખર આજના યુગમાં પણ દેવી શક્તિ અહીં હાજર રહે છે ખરી?

image source

ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના નાનકડા કસબા મઢમાં મા આશાપુરાના મંદિરની સ્થાપના આશરે દોઢ હજાર વર્ષ પહેલાં બંધાવાયું હતું. અહીં ભવ્ય મંદિરમાં ૬ ફૂટની માતાજીની અલૌકિક મૂર્તિ છે અધૂરી, જેની પાછળ છે રસપ્રદ કથા. મઢવાળી આશાપુરા માના મંદિરનો ઇતિહાસ અને પ્રાગટ્ય કથા વચવા માત્રથી ધન્યા અનુભવાશે…

મંદિરની ભવ્યતા અલૌકિક અને રાજાશાહી છે…

image source

કચ્છ એવો પ્રદેશ છે જેમાં આજની તારીખે રાજા – રજવાડાનો મહિમા ગવાય છે. માંડવી અને ભૂજ જેવાં શહેરોમાં આજે પણ રાજશી વંશજોની વાતો થાય છે અને તેમના વારસદારો રહે પણ છે. માતાના મઢમાં આસો માસની નવરાત્રી દરમિયાન કચ્છના રાજાના વંશજો અહીં આવે છે અને હવન કરે છે. આખા મંદિરનો રજવાડી બાંધાણીનો ઠાઠ અને પ્રાગણની ભવ્યતા જોવા જેવી છે. મંદિરના પૂજારીને પણ એટલું સન્માન અપાય છે, જેટલું ગાદીપતિ રાજાને મળતું હોય છે. તેમને પૂજારી કે પૂરોહિત નહીં બલ્કે રાજાબાવા બોલાવવામાં આવે છે.

image source

આજની તારીખે આ સદીઓ જૂની પરંપરા મુજબ ગાદીપતિ રાજાબાવા વંશજો મંદિરમાં બે વખત આરતી કરે છે. એ સમયે મંદિરનું વાતાવરણ અદભૂત જણાય છે. નિજ મંદિરમાં પ્રવેશ થયા બાદ માતાજીની હાજરીનો અનુભવ થયા વિના રહેતો નથી. ચહેરા ઉપર સાત આંખો સાથે અર્ધ વિકસીત શરીરવાળી સાત ફૂટ જેટલી ઊંચી અને ૬ ફૂટ પહોળી મૂર્તિ સ્વયં ભૂ પ્રગટ થયેલી છે. જેની પ્રાગટ્ય કથા અને પરચાઓ આપણને અચંબિત કરી દેનારા છે.

મારવાડના વણિકે દોઢ હજાર વર્ષ પહેલાં બંધાવ્યું હતું આ મંદિર…

image source

માતાજીની પ્રાગટ્ય કથા ખૂબ જ રસપ્રદ છે, એવું કહેવાય છે કે માતાજીની એક શરતચૂકથી તેમની મૂર્તિ અધૂરી જ રહી ગઈ અને તેમના પગ અને નીચેનું ધડ વિનાની માત્ર આંખો અને અડધા શરીરવાળું પ્રાગટ્ય સ્વરૂપના દર્શન કરી શકાય છે. અધૂરી હોવા છતાં આખી મૂર્તિ ખૂબ જ અલૌકિક લાગે છે. આવો જાણીએ એવું શું થયું હતું કે માતાજીની સ્વયં ભૂ મૂર્તિ અધૂરી જ રહી ગઈ.

image source

કચ્છની ધરતી પર વેપાર કરવા મારવાડના એક વેપારી આવી પહોંચ્યા હતા. તેઓ ફરતા – ફરતા એ સ્થળે પહોંચ્યા હતા જ્યાં હાલમાં માતાનું મઢ મા આશાપુરાનું મંદિર કહેવાય છે. એ સમયે આસો માસના નવરાત ચાલી રહ્યાં હતાં. આ નવરાત દરમિયાન એ વણિકે એ સ્થળે માની ખૂબ ભાવપૂર્વક ઉપાસના કરી હતી. માતાજીની સ્થાપના કરીને દરરોજ ભક્તિ – ભાવપૂર્વક કરેલ તપથી મા પ્રસન્ન થયાં અને એમના સ્વપનમાં દર્શન આપ્યાં. દર્શન આપીને માતાજીએ એ વણિકને એવું કહ્યું કે હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થઈ છું.

image source

હું ઇચ્છું છું કે આજ સ્થળે તે જ્યાં નવરાતના સમયે સ્થાપન કર્યું છે, હવે ત્યાં મંદિર પણ બંધાવ. પરંતુ એક શરત યાદ રહે કે મંદિર બંધાવ્યા પછી ૬ મહિના સુધી તેના કમાડ બંધ રાખવાના રહેશે. માતાજીની આવી નવાઈ પમાડે એવી શરતને માન્ય રાખ્યા બાદ તેઓ આશીર્વાદ દઈને અલોપ થઈ ગયાં. સ્વપ્નમાં જાણેલી વાત પ્રમાણે દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) રાજી થઈને મંદિર બંધાવવા તૈયાર થઈ ગયો. તે પોતાનું મારવાડ મૂકીને ત્યાં જ મંદિરની રખેવાળી કરવા સ્થાયિ થઈ ગયો.

મારવાડવાડના વણિકે કરી એક શરતચૂક અને મૂર્તિ રહી ગઈ…

image source

મંદિર બંધાવ્યા પછી માતાજીએ મૂકેલી શરત પ્રમાણે તે વણિક ભક્ત એ જગ્યાએ રહી ગયો અને મંદિરના દ્વારની બહાર રહીને અંદર કોઈ પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખવા ત્યાં જ રોકાઈ ગયો. માતાજીના દ્વારની રક્ષા કરતાં આશરે પાંચ મહિના પૂરા થઈ ગયા હતા. એ પછી અચાનક એક દિવસે એ ભક્તને એક કૌતુક થયું. બંધ બારણે નિજ મંદિરમાંથી ઝાંઝરનો રણકાર અને મીઠા સ્વરે ગરબાનો અવાજ સંભળાવવા લાગ્યો.

image source

અપાર આશ્વર્ય સાથે તેનાથી રહેવાયું નહીં અને છ માસની અવધિ પૂરી થયા પહેલાં જ તેણે મંદિરના કમાડ ઉઘાડી મૂક્યા. મંદિરમાં પ્રવેશીને તેણે જોયું કે આખું વાતાવરણ દિવ્ય લાગતું હતું અને એક ભવ્ય મૂર્તિ તેમને નજરે પડી. આ મૂર્તિ કંઈક અસામાન્ય લાગી. ભક્તે માતાજીને આજીજી કરી, તેને પસ્તાવો થયો એ જોઈને માતાજી તેની પાસે પ્રગટ થયાં અને કહેવા લાગ્યાં, તે મારી શરતનો ભંગ કર્યો છે. છ મહિના પૂરા થવા પહેલાં જ તે દ્વાર ખોલી નાખ્યા છે, તેથી મારી મૂર્તિ આમ અધૂરી જ રહી ગઈ છે. તારી ઉતાવળના કારણે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું જ રહી ગયું છે. ભક્તે અપાર પસ્તાવા સાથે માતાજીના શરણે જઈને ક્ષમા માંગી અને માતાજીએ પણ તેની સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું.

image source

વણિક ભક્તે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. મા આશાપુરાએ તેની ઇચ્છા પૂરી કરીને તથાસ્તુ કહ્યું. કહેવાય છે કે આ ઘટનાને આજથી દોઢ હજાર વર્ષ જેટલો સમય વિત્યો છે. પરંતુ પગ વિનાની અને ૭ આંખોવાળી મા આશાપુરાની રતાશ પડતા કેસરિયા રંગની વિશાળ કદની મૂર્તિ આજે પણ મંદિરમાં યથાવત છે. જેના દર્શન કરવા લાખોની સંખ્યામાં આખું વર્ષ ભક્તો સદીઓથી અવિરતપણે આવે છે.

વધુ એક દંતકથા જામ જાડેજા રાજાના સમયની પણ પ્રચલિત છે…

image source

માતાજીના પ્રાગટ્ય અને મંદિરના સ્થાપનની એક વધુ દંતકથા પણ સ્થાનિક નિવાસીઓમાં પ્રચલિત છે. જે એ સમયના જામ જાડેજા અને બહારવટિયા સાથેની છે. આ કથા પણ ખૂબ જ રસપ્રદ છે. કચ્છની સરહદે આવેલ સિંધમાં સુમરાનું રાજ હતું અને તે લૂંટારાઓ સાથે મળીને ત્યાંની પ્રજા ઉપર ત્રાસ ગુજારતો હતો. જેની સાથે યુદ્ધ કરી જામ રાજવી લાખીયાએ પ્રજાને ન્યાય આપ્યો. તેઓ ભારમલા રાજસ્થાનમાં રાજ કરતા હતા તેમને મા આશાપુરાએ સ્વપમાં આવીને એક એવો આદેશ કર્યો જેના કારણે તેઓ કચ્છમાં આવીને માનું મંદિર બંધાવ્યું હતું.

image source

મા આશાપુરાએ જામ રાજાને સ્વપ્નમાં કહ્યું હતું કે મારવાડ છોડી દઈને કચ્છ આવી જા અને માતાજીએ તેમને દિશા સૂચન કરતાં કહ્યું કે જ્યાં સાપ અને નોળિયો એક સાથે દેખાય એવા સ્થળે મારું મંદિર બંધાવજે. કચ્છની ધરા ઉપર ફરતા – ફરતાં આ સ્થાને તેમને સાપ અને નોળિયો એક સાથે દેખાયા એ સ્થળે આજે પણ ભવ્ય અને ઐતિહાસિક મંદિર સ્થપાયેલું છે. રાજપૂત ભારમલ પ્રજા અને પરિવાર સાથે અહીં જ પડાવ નાખીને રહ્યા. મા આશાપુરાએ ત્રણ દિવસના પડાવ બાદ જામ રાજાને દર્શન આપ્યા અને ધૂપ કરવા કહ્યું. માતાજીએ પ્રસન્ન થઈને તેમને કહ્યું હું તારા કુળની રક્ષા કરીશ. તેથી કચ્છ અને જામનગરના જાડેજાની તેઓ કુળદેવી મનાય છે. આ સિવાય પણ અનેક જ્ઞાતિઓમાં દેશ દેવી મા આશાપુરા કુળદેવી તરીકે પૂજાય છે.

દેશ દેવીએ અનેક વખત મંદિરે સહન કર્યો છે ધરતી કંપ…

image source

કહેવાય છે કે આ મંદિરનું ત્રણ વખત બાંધકામ થયેલું છે. અઢારમી સદીમાં જ્યારે મંદિર બંધાવાયું ત્યારે થોડા જ વર્ષોમાં ૧૮૧૯માં ભૂકંપ આવ્યો હતો ત્યારે આ મંદિરને ખૂબ નુક્સાન થયું હતું પરંતુ ભવ્ય મૂર્તિ એમ ને એમ યથાવત રહી હતી. ત્યાર બાદ વલ્લભજી, સુંદરજી શિવજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હાલમાં ૨૦૦૧ દરમિયાન કચ્છમાં આવેલ વિનાશક ધરતી કંપમાં પણ આ મંદિરે માર સહન કર્યો હતો. આજે વિશાળ પ્રાંગણ અને ઊંચા શિખર સાથે રહેવા લાયક ધર્મશાળા અને ખૂબ જ સાત્વિક પ્રસાદ પીરસાતા ભોજનાલય સહિતનું મંદિર બનાવાયેલું છે.

આરતીમાં મળે છે માનો પરચો…

આ મંદિરના મહંત કે પૂજારીને રાજાબાવા કહેવાય છે. આજે પણ મંદિરમાં ખૂબ માન પાન સાથે પારંપરિક કચ્છી રાજવી પહેરવેશમાં પાઘડી પહેરિને પૂજા – આરતી કરે છે. આ પરંપરા પેઢીએ પૂરાણી છે. મંદિરમાં આસો નોરતાંની આઠમે કચ્છના રાજવી વંશજો અહીં હવન કરવા આવે કે દર્શને આવે ત્યારે રાજા જેટલું જ માન રાજાબાવાને પણ પ્રાપ્ત થયેલું છે. પ્રચલિત વાત એ પણ છે કે સદીઓ પહેલાંના રાજાબાવાનું એટલું સન્માન હતું કે તેઓ ખુરશીએ બેઠા હોય તો રાજા તેમના પગ પાસે નીચે બેસતા.

image source

આ પ્રમાણેની રજવાડી પ્રથા આજે પણ જળવાઈ રહી છે. માતાજીના આરતીના સમયે આરતી કર્યા બાદ એક અનોખી પ્રથા આજે પણ યથાવત છે. જેને પતરી પડવી કહેવાય છે. આમાં મુખ્ય ગાદીપતિ રાજાબાવા આરતી બાદ પોતાનો ખેંસ ફેલાવીને માતાજી પાસે ઊભા રહે છે. એવામાં કોઈપણ સમયે માતાજી ઉપર ચડાવેલ ફૂલમાંથી પાંદડીઓ તેમના ખેંસ ઉપર પડે છે. આ અદભૂત દર્શન નજરોનજર જોવા નિજ મંદિરમાં વર્ષોથી ભક્તોના ટોળાં ઉમટે છે.

ભક્તો આવે છે અહીં પગપાળા અનેક લોકો કરે છે સેવા…

image source

મંદિરમાં નોરતાં પહેલાંનું ઘટસ્થાપન પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. અમાસની રાતે જ મુહૂર્ત પ્રમાણે ગરબાની સ્થાપના કરાય છે. આ સમયે માતાજીની તેજસ્વી જ્યોતના દર્શન કરવાનો મનોરથ લઈને લોકો શ્રાદ્ધપક્ષની શરૂઆતથી જ પગપાળા ચાલી નીકળતાં હોય છે. છેલ્લાં કેટલાય દાયકાઓથી કચ્છની શરૂઆતના વિસ્તાર સુરજબારીથી લઈને ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભૂજ અને છેક નખત્રાણા અને રવાપર સુધી થોડે થોડે અંતરે સેવાના મંડપો બંધાવવામાં આવે છે.

image source

આ સેવાના કેમ્પમાં યાત્રાળુઓ માટે નિશુલ્ક ભોજન, નહાવાધોવાની સગવડ, આરામ કરવા ગાદલા, થાક ઉતારવા ગરમ પાણી, ચા – કોફી જેવી સુવિધાઓ સહિત મેડિકલ સેવાઓ પણ તેનાત હોય છે. લોકો રાતે કે સાંજના સમયે ઠંડાપોરે ચાલતાં છેક માના ચાચર ચોકે તેમની શ્રદ્ધાને વેગ આપીને પહોંચે ત્યારે એમનામાં અનેક ગણી શક્તિનો અનુભવ કરતાં હોય છે.

image source

આજની તારીખે આપણે માતા મઢમાં માત્ર આસો નોરતાં દરમિયાન જ નહીં પરંતુ ચારેય નવરાત, તેમજ આખું વર્ષ અને મંગળવારે ખાસ કરીને ભક્તોની ભીડ રહે છે. માતાજીના પરચા પણ એટલા જ સટીક હોય છે અને કહેવાય છે કે મા આશાપુરાના દર્શનની માનતા જે કોઈ ભક્તો રાખે છે, તેમની દરેક આશાઓ મા આશાપુરા જરૂર પૂરી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત