સાસણની 4 સિંહણ બની માતા, એક સપ્તાહમાં 14 સિંહ બાળનું આગમન

રાજ્યમાં કોરોના વાયરસના કારણે ચોતરફ ભયનું વાતાવરણ છે તેવામાં આ ચિંતાને હળવી કરતાં સમાચાર પણ મળી રહ્યા છે.

એશિયાટિક સિંહોના ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં ગત એક સપ્તાહમાં સૌથી વધુ સિંહ બાળના જન્મ થયા છે. આંબરડી સફારી પાર્ક અને જૂનાગઢ સક્કરબાગની કુલ 4 સિંહણ માતા બની છે અને 14 સિંહ બાળને જન્મ આપ્યો છે.

સાસણના સિંહ અને સિંહણના સફળ મેટિંગ બાદ એપ્રિલ માસની શરુઆતમાં અલગ અલગ સિંહણએ કુલ 14 સિંહ બાળને જન્મ આપ્યો છે. વાઈલ્ડ લાઈફમાં આ ઘટનાને રેર કહી શકાય તેમ છે. કારણ કે આ વર્ષે પહેલીવાર એક સિંહણએ એક સાથે 6 બચ્ચાને જન્મ આપ્યો છે.

image source

સિંહ બાળના જન્મ બાદ ઝૂના અધિકારીઓ સિંહણ અને સિંહ બાળના સ્વાસ્થ્યની દેખરેખ રાખી રહ્યા છે. સિંહણોને ખોરાકમાં પ્રોટીન અને વિટામીન્સ તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. હાલ જન્મેલા તમામ સિંહબાળ સ્વસ્થ હોવાથી વન્ય જીવ પ્રેમીઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળે છે.

સક્કરબાગ ઝૂ ખાતે જન્મેલા સિંહ બાળની વાત કરીએ તો ત્રાડુકા નામના સિંહ અને ડી1 નામની સિંહણના સફળ મેટિંગથી સિંહણએ 6 બચ્ચાને જન્મ આપ્યો છે. આ છ બાળમાં 5 માદા અને એક નર છે. આ ઉપરાંત અન્ય એક સિંહણએ પણ 2 બચ્ચાને જન્મ આપ્યો છે. આ આઠ સિંહ બાળનો જન્મ એક જ દિવસમાં થતા પ્રાણી સંગ્રહાલયમાં આનંદ છવાયો છે.

આ પહેલા જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક સિંહણએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો અને સાથે જ આંબરડી સફારી પાર્ક ખાતે પણ એક સિંહણ માતા બની હતી અને તેણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ રીતે સપ્તાહની શરુઆતમાં કુલ 6 સિંહ બાળના જન્મ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આંબરડીમાં જે સિંહણ માતા બની છે તેણે આ પહેલા પોતાના બચ્ચાને મારી નાખ્યા હતા તેથી તેના બચ્ચાની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ વખતે ત્રણેય સિંહબાળને સુરક્ષિત રીતે સક્કરબાગ ખાતે રાખવામાં આવ્યા છે.