દેશપ્રેમની મશાલ: આઝાદી પહેલા ભારત માટે જાન ન્યોછાવર કરનાર કચ્છના ભગુદાદાની આજે છે આવી સ્થિતિ

જે ગરીબી અને ગુમનામીમાં મરવાના વાંકે જીવી રહ્યાં છે. આવા જ એક દેશભક્ત છે 90 વર્ષનાં ભગુદાદા. કચ્છ-ભુજના ઝુરા ગામે રહેતાં ભગુદાદા આઝાદી સમયે ભારતના જાસૂસ હતાં. કચ્છની સરહદે એક સમયનો સેનાનો આ બાહોશ જાસૂસ આજે જીવે છે ગુમનામી ભર્યું જીવન. એક સમય હતો કે તેના નામે પાકિસ્તાનમાં ૨૦,૦૦૦ હજારનું ઇનામ જાહેર કરાયું હતું. ભગુદાદાઃ કચ્છની સરહદે અને પેલે પાર એક સમયે આ નામ ખૂબ જાણીતું હતું. આઝાદી બાદ ભારતીય સેનાના ખબરી તરીકે બહાદૂરીથી પોતાનું કામ કરતા.

ભારતની બ્રિટિસ સરકારની સામે સત્યાગ્રહ અને અનેક એવાં આંદોલનો કર્યા બાદ મેળવેલી આઝાદીનો આપણે દેશવાસીઓ પૂર્ણ રીતે આનંદ ન ઊઠાવી શક્યા. કારણ કે દેશના શરીરનું એક અંગ એક ઝાટકે કપાઈ ગયું. એટલે કે ભારત પાકિસ્તાનના ભાગલા થયા. એ સમયે પણ કેટલાય પરિવારો અને વ્યક્તિઓએ પોતાના જીવનની આહૂતિ આપી. બલિદાન આપ્યું આઝાદીની લડતમાં. દેશની સુરક્ષાને કાજે, શાંતિ સ્થાપવાને માટે. આપણે દેશને માટે શહીદ થયેલા લોકોને યાદ કરીએ છીએ, શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજના સમયમાં પણ સાત દાયકા બાદ શહીદ થયેલા સૈનિકો અને લડવૈયાઓને સ્મરણ કરીને આંસુ સાથે તેમના બલિદાનને યાદ કરાય છે. પરંતુ તેમાં અનેક ગુમનામ લોકોમાં આ નામ પણ સામેલ છે.

આજની તારીખે ૯૦ વર્ષે પણ ઊંટ ઉપર બેસીને સરહદ પારથી બાતમી લાવી આપવાની હિંમત બતાવે છે, એક એવા કચ્છના વતની જેમણે પોતાનું આખું જીવન સરહદની પેલે પાર જઈને બાતમી ભાળી લાવનાર ખબરી તરીકેનું કામ કર્યું છે. તમે અભિષેક બચ્ચનની ફિલ્મ રેફ્યુઝી જોઈ જ હશે. એમાં જે રીતે સફેદ રણને પસાર કરીને રાતવાસાની યાતનાઓ ભોગવીને બોર્ડર પર તહેનાત ઓફિસરોને ખુફિયા માહિતી આપે છે, બસ એજ રીતે આ ભગુદાદા પણ ખબરીનું કામ કરતા…. એક જીવંત દંતકથા સમાન છે, આ વૃદ્ધને આજદિન સુધી કોઈ મેડલ કે સન્માન નથી મળ્યું, આપખુદીથી જીવે છે દયનીય ગરીબીની હાલતમાં. આવો જાણીએ શું શું કર્યા છે એમણે કારનામાં અને કેવી કેવી ભોગવી છે એમણે યાતનાઓ…

કોણ છે આ ભગુદાદા

૧૯૪૭ના ભાગલા બાદ પાકિસ્તાનના સિંધ વિસ્તારના રહેવાસી પોતાના પત્ની સાથે કચ્છની સરહદે ભૂજના કસબા ઝૂરામાં આવીને વસી ગયા. તેમના વડવાઓ સિંધના મીઠી નામે જાણીતા પ્રાંતના વતની હતા. તેઓ નખશીખ બોલી, ખાનપાન અને પહેરવેશથી પાકિસ્તાની સિંધના પ્રદેશના જ લાગે. આ વાતને તેમણે દેશ સેવા અને આજીવિકાની એક નવી દિશા બતાવી. તેઓ ભલે અભણ રહ્યા પણ ગજબની કોઠાસૂઝને આધારે સિંધ વિસ્તારના ખૂણેખૂણાથી વાકેફ હોવાથી એવું કામ કર્યું કે આજે કોઈને પણ કરતાં દસ વખત વિચાર આવે. આજે ૯૦ વર્ષની ઉમરના આ ભગુદાદાનું નામ છે, ભગુ ઉમરા ભીલ.

ભારતીય સેનાના એજન્સીના જાસૂસ તરીકે કર્યું કામ…

ભારતને પોતાનું વતન માનીને સરહદ પાર કરીને આવેલ આ અભણ અને ગરીબ વ્યક્તિએ અહીં રહીને એવું કામ કર્યું જે વિચાર કરતાં પણ ધ્રુજારી આવી જાય છે. આજે આ વ્યક્તિ જીવનના નવ દાયકા જોઈ ચૂક્યા છે. અને એમના ગામમાં તદ્દન ગુમનામી ભર્યું જીવન ગુજારે છે. તેમના કારનામાઓ વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. પરંતુ સરહદ પાર એમના નામની એવી ધક હતી કે આજે પણ ત્યાં ભગુ ભીલનું નામ બોલે તો સેનામાંથી કોઈને કોઈ તો ભડકી જ ઊઠે. તેમણે સરહદ પાર કરીને સેનાના જાસૂસ તરીકે કર્યું હતું કામ… એમની બોલી અને પહેરવેશ જોઈને કોઈપણ થાપ ખાઈ જતા કે આ ક્યાંના વતની છે? તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે પોતાના જીવનમાં અસંખ્ય વખત સરહદ પાર કરીને પાકિસ્તાન જઈ આવ્યા છે. કોઈવાર ઊંટ ઉપર તો કોઈવાર પગપાળા જોખમ પણ ઊઠાવ્યું છે.

તેમને માથે હતું પાકિસ્તાનમાં ૨૦,૦૦૦નું ઇનામ…

ભારતીય સેનાના ખબરી તરીકે કામ કરતા આ ભગુ ભીલની બાતમી વિશે એટલી બધી દહેશત ફેલાઈ ગઈ હતી પાકિસ્તાનમાં કે એક સમયે તેમના માથે પાકિસ્તાની સેનામાં ૨૦,૦૦૦નું ઇનામ જાહેર કરાવાયું હતું. આ ભારતીય ઇન્ફોર્મેશન સોર્સ એટલો બાહોશ હતો કે એ કાયમ નિર્દોષ છૂટી જઈ શકતો હતો. એના કારનામાઓને લીધે સરહદી વિસ્તારોમાં તેના નામની એલર્ટ ઘોષિત કરાઈ હતી. તેને કારણે જ ઇનામની લાલચમાં ૨૫ જાન્યુરારી, ૧૯૮૫માં કોઈએ તેમને પકડાવી દીધા હતા. એ સમય એમને માટે ખૂબ યાતનાઓ ભરેલો રહ્યો.

પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા પાંચ વર્ષ અને ભોગવી કારમી યાતનાઓ…

ભારતીય સેનાના ખબરી કે જાસૂસ તરીકે જે કોઈપણ વ્યક્તિ પકડાઈ જાય તેમને પોતાનો જીવ ગુમાવવો પડે અથવા શરણાગતિ વહોરી લેવી પડે એટલા જુલ્મો અને યાતનાઓ ભોગવવાનો વારો આવે છે. કચ્છના સરહદી વિસ્તારમાંથી પકડાયેલ આ ભગુદાદાને પણ જેલમાં પૂરી લઈને ખૂબ માર મારવામાં આવ્યો હતો. ઊંધા લટકાવીને લાકડીએ ફટકારવું ભૂખ્યા રહેવું અને પેટમાં ચાકૂ – છૂરાના ઘા સહન કરવા વગેરે જેવા ટોર્ચર તો ખરા જ. પરંતુ આ વ્યક્તિની દેશભક્તિ અને વતન પરસ્તીને સલામ કરવી જોઈએ. એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું ભૂલથી જ સરહદ પાર કરીને આવ્યો છું. મને સેના વિશે કંઈજ ખબર નથી. અનેક યાતનાઓ વેઠ્યા છતાં પોતે પોતાનું બયાન બદલ્યું નહોતું. નિર્દોષ હોવાના પુરાવાઓ હેઠળ તેમને લગભગ પાંચ વર્ષની કારમી જેલ બાદ છોડી દેવામાં આવ્યા હતા અને તેઓ કચ્છના ભૂજ પાસેના ઝૂરા ગામમાં પરત ફર્યા હતા. એટલું ઓછું હોય તેમ છૂટ્યા બાદ પણ તેમણે ખબરી તરીકેનું પોતાની ફરજ ચાલુ જ રાખી હતી.

જેલના દિવસો યાદ કરે છે ત્યારે કહે છે કે…

ભગુદાદાની વૃદ્ધ આંખો આજે પણ એ બધા જ દ્રશ્યો સ્પસ્ટ રીતે જોઈ શકતી હોય એમ માંડીને વાત કરી શકે છે. અસ્સલ દેશી બોલીમાં તેઓ કહે છે કે એલોકોએ મારા મોંએ બધું ઓકાવવું હતું પણ મેં કંઈજ ન કહ્યું. ભૂલથી અહીં ભટ્ક્યો છું એમ જ કહ્યું હતું. એમણે એમ પણ વાત યાદ કરે છે કે શરીરની હાંસડીઓ તૂટી ગઈ હતી જેલના સિપાઈઓનો માર ખાઈને. શારીરિક અને માનસિક બંને રીતે તેમણે સમયે યાતનાઓ વેઠી હતી. તેમ છતાં કહે છે કે જરૂર પડી તો ૯૦ વર્ષે પણ ઊંટ ઉપર બેસીને પણ સેનાને મદદને કાજે હું સરહદ પાર કરીને બાતમી લઈ આવવાની હિંમત રાખું છું.

સન્માનની અપેક્ષા વિના જીવે છે ગરીબીભર્યું જીવન…

ભગુ ઉમરા ભીલ, મૂળ સિંધ વિસ્તારના વતની અને કચ્છના જ બનીને રહી વસેલા આ વૃદ્ધ વડીલને ચાર દીકરાઓ છે. તેઓ કહે છે, કે મળે એવી મજૂરી કરીને આજદિન સુધી પેટનો ખાડો પૂરે છે. હજુ સુધી તેઓ બે પાંદડે થયા નથી. તેમનું કહેવું છે કે જો કોઈક સરકારી મદદ મળી રહે તો રોજનો રોટલો રળવાની ચિંતા મટી જાય પણ કોઈ જાતની સહાય, સન્માન કે મેડલ તેમને મળ્યા નથી. તેમના ગામમાં માંડ જૂના માણસોને ખબર હશે કે ભગુદાદા કેવા કારનામાઓ કરતા પરંતુ નવી પેઢીને તેમના વિશે ખબર પણ નથી.

સરહદ પાર ન જાણે કેટલાય આંટાફેરા કર્યા હશે કે આજે તેમનું શરીર સાવ કથળી ગયું છે. તેમની પાસે આશાના કિરણ રૂપે એક ઓળખપત્ર છે, જેને સાચવી રાખ્યું છે. પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે સેનામાં ભગુદાદાના નામને ઓળખનારા જરૂર મળી આવશે. તેઓનું નામ ભગુ ઉમરા ભીલ ભારતીય સેનાના જીવને જોખમે કામ કરતા ગુપ્તચરોની યાદીમાં સામેલ છે. જીવંત દંતકથા સમાન આ વ્યક્તિ પાસે અનુભવોનો ભંડાર છે, પોતકી જમીન સાથે જોડાયેલ સૂઝકો છે અને દેશભક્તિનું ખમીર છે. ઉમર સાથે બધું જ નસ્વર થતું જાય ત્યારે દુઃખ એ વાતનું ચોક્કસ થાય કે આવી વ્યક્તિનો આપણે ન તો સદુપયોગ કરી શક્યાં ન યોગ્ય સન્માન અપાવી શક્યાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત