Site icon News Gujarat

એન્ટિક સાંબેલું – જેમ કૃષ્ણ ભગવાન એમની વાંસળીને ઘડીકેય અળગી કરતા નહીં તેમ હીરાબાને પણ આ સાંબેલાની માયા લગી ગયેલી.

હીરાબા જ્યારે બજારમાં નીકળે કે, મંદિરે જવા નીકળે ત્યારે એમના હાથમાં ટેકણલાકડી તરીકે સાંબેલું જોઈ શરૂ શરૂમાં તો , લોકો તેમના સામે જોઇને હસતા. કોઈ એમને ધુની ગણાતા તો કોઈ એમને ગાંડીમાં ખપાવી દેતાં.

એમને ના જાણે કેમ એ સાંબેલા સાથે એટલો બધો લગાવ કે ટેકણલાકડી તરીકે દિવસ રાત તેમની પાસેજ રાખે. જેમ કૃષ્ણા ભગવાન એમની વાંસળીને ઘડીકેય અળગી કરતા નહીં તેમ હીરાબાને પણ આ સાંબેલાની માયા લગી ગયેલી. એક વખત એ સુઈ ગયાં હતાં ને એમનો પૌત્ર ટીનીયો, સાંબેલું ક્રિકેટ રમવા લઈ ગયેલો. એ ઉઠયાં ને સાંબેલું ના જોયું તે એમણે તો તે ગોતાવવામાં આખું ઘર ગાંડુ કરી નાખેલું ને સાંબેલા વગર જીવ જતો હોય એમ કરવા લાગ્યાં. બીપી વધી ગયું ને આંખો ઠરડાઈ ગઈ.

એતો સારું થયું કે ટીનીયો દોડતો આવીને બોલ્યો, ” દાદી તમારા સાંબેલાથી મેં આજે સો રન ફટકાર્યા. ” જેવું એમણે સાંબેલું જોયું કે એમનો જીવ ઠેકાણે આવી ગયો. એમના બે દીકરા પણ ઘરડી માનું માન, રાખવા એમને કાંઈ કહેતા નહીં. નાની વહુ નિરુને, સાસુ દિવસ રાત આવી ભારેખમ વિચિત્ર વસ્તુ લઈ ફર્યા કરે તેથી ગામમાં નીચા જોવા પણું થાતું આથી, તેને આ સાંબેલું આંખના કણાની જેમ ખૂંચતુ પણ સાસુના કડપ આગળ એને ચૂપ રહેવું પડતું.

આખરે એ મોકો એને મળી ગયો. હીરાબાને બીમારીના કારણે દવાખાને અઠવાડિયું રહેવું પડયું. નિરુને લાગ્યું કે માજી હવે થોડા દિવસનાં મહેમાન છે, આથી એણે માળીએ ચડાવેલું સાંબેલું ઉતારીને ભંગારવાળાને આપી દિધૂં. એમાંથી ઘરમાં મોટો ઝગડો થઈ ગયો. હીરાબાએ દવાખાનેથી આવ્યા પછી સાંબેલાની માગણી કરી પણ નિરુએ ખાસ ધ્યાન આપ્યું નહીં. આથી એ રટણ લઈને બેઠાં કે મારું સાંબેલું લાવો. આથી સાસુવહુને બોલવાનું થયું ને નિરુ એમને ના બોલવાનું બોલી ગઈ. જેથી હીરાબાના છોકરા પ્રવીણને લાગી આવ્યું. ” તારે જે કહેવું હોય તે મને કહેવાનું મારી બીમાર માને કાંઈ કહીશ તો મારા જેવો કોઈ ભૂંડો નથી, નિરુ સાંભળી લે.” પ્રવીણ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો હતો.

” સાજાં હતાં, ત્યારેતો સાંબેલું લઈને ફર્યાં. ઉઠતાં, બેસતાં કે સુવા જતી વખતે બસ એમના હૈયા આગળથી સાંબેલું છૂટતું ના હતું. આ બીમારીમાં એ સાંબેલું એમના હૈયાથી દૂર થઈ જાય એ ઇરાદેથી મેં એ ભંગારીયાને આપી દીધું, એમાં મેં શું ખોટું કર્યું? ટીનીયાના પપ્પા, બોલવાનું જરા માપ રાખજો. નહીં તો બોલતાં તો મનેય આવડે છે.”

” મારી બાને દવાખાને દાખલ કરી પછી, એ સાંબેલું સાચવવા માટે મેં માળિયે ચડાવી દીધું હતું, તે તને શું નડતું હતું ? તેં મને પૂછયા વગર કે બાને કહ્યા વગર, ભંગારવાળાને આપી દીધું ? બા તેને મારી દાદીના સંભારણા તરીકે સાચવી રહયાં હતાં. તને એની ઇર્ષા થતી હતી. એ માળિયે પડ્યું પડ્યું તને શું ભારે પડતું હતું. મારે મનતો એ એન્ટિક આઈટમ હતી ! ને મારી દાદીની છેલ્લી યાદગીરી, પણ તારાથી સહન ના થઇ ! કેટલી અદેખાઈ ભરી છે તારામાં ! ” પ્રવીણના તપી ગયેલા મગજમાંથી અંગારા બહાર આવી રહયા હતા. ” હા” આંખોમાં ભરેલાં આંશુ સાથે એ બોલી રહી હતી. ” અદેખીએ હું ને ભૂંડીએ હું, મેં આપી દીધેલો ભંગાર હું પાછો ક્યાં લેવા જાઉં ? તે તમે આટલો ઉપાડો લીધો છે. સવાર સવારમાં આખો મહેલ્લો ગજવીને તમે મને હલકી પાડવા ઈચ્છો છો ?” ” ભાભી શું તમેય તે સમજતાં નથી ? જાવા દ્યોને વાતને.” એ બે માણસની માથાકૂટમાં મેં ઝંપલાવ્યું.

“તે, શું ભરતભૈ, આ દિવાળીની સફાઈ ચાલતી હતી, ને એ સડવા આવેલું સાંબેલું ખોટી જગ્યા રોકતું હતું. તે મેં ભંગારીયાને આપી દીધું.સાવ નક્કામું હતું. મેં તો પહેલી વખત હાથમાં લીધું તો, એટલું ભારેખમ કે એટલો વજન ઉપાડી સાજું માણસએ માંદુ પડી જાય. આવી નાખી દીધા જેવી વાતમાં મારે, એ કહે તેમ કરવાનું ?” નિરુભાભીએ ઓસરીમાં સાવરણી ફેરવતાં ફેરવતાં મને પૂછ્યું.

” ભરતીયા, તને તારી ભાભી માટે બહુ બળતું હોય તો, જા તું જઇ પાછું લઈ આવ, એ ભંગારમાં આપી દીધેલ સાંબેુલું.” પ્રવીણ આકરે પાણીએ હતો. “તમે તો યાર, એ જૂનું સાંબેલું જાણે અલ્લાઉદ્દીનનો ચિરાગ હોય એમ કરો છો. પ્રવીણભાઈ ! ” જામી પડેલા કજિયાને હોલવવા હું મથી રહ્યો હતો તેવામાં વિમલ આવ્યો.

” ભરતભાઇ, મારી સાસુને, તમે તો સારી રીતે જાણતા હશો. વિમલને પાણી આપતાં એ બોલ્યાં, ” મારો પરવીન…. મારો નાનો પવલો.. કરી કરી ને આખી જીંદગી કાઢી નાખી. બાપદાદાની મિલકતમાં એ સાંબેલા સિવાય બધું જ મારા જેઠ લઈ ગયા. પણ માજી હરામ એક શબ્દ બોલ્યાં ના હતાં. એક આ બાપદાદા વખતનું સાંબેલું ! શું તે માથે મારવાનું તે માજીએ વારસામાં અમને આપવાનું નક્કી કરેલું. ”

” હશે, હસુભાભી તમારા જેઠ કાંતિભાઈ બચરવાળ, બિચારાજીવને ગોરપદું કરી ઘર ચલાવવાનું, ભાઈ ભાગમાં વધુ લઈ ગયા તો તો શું થઈ ગયું?” વિમલ પણ મારી પડખે થતાં આગળ બોલ્યો, ” તમારે તો પ્રવીણભાઈને નોકરી ને ભગવાનનો આપેલ એક દીકરો, કરોને લીલા લેર. આમેય મિલકતમાં આ એક નાની ઓરડી જેવા ઘરના તમે બે ભાગ કરીને શું ફેણવાનાં હતાં.” ” જોયો મોટો નોકરો ! હાઈસ્કૂલમાં પટાવાળા ! એતો કાંઈ નોકરો કહેવાતો હશે ? બીજી બાજુ આ માજીનું દવાખાનું છૂટતું નથી, ને ઘરભાડુ, એતો હું લોકોનાં કપડાં સીવું છું, ત્યારે બે છેડા ભેગા કરી શકીએ છીએ ભરત ભૈ ! ” બહુ વિચિત્ર વાત છે ! ભરત, મેં સાંભળેલું કે તારી દાદી સાંબેલું એમના આણામાં લઇને આવેલાં એ સાચી વાત ?” વિમલે ગાડી બીજે પાટે વાળવા પ્રયાસ કર્યો.

” અરે ઘોડાને ગયું સાંબેલું ! વિમલભૈ , એ ધૂળ જેવી વસ્તુમાટે માજી સવારનાં ખાટલામાં પડયાં પડયાં રિબાય છે, ને સાંબેલાનું રટણ લીધું છે. ને સવારના તમારા ભાઈએ ચ્હાએ પીધો નથીને મારા પર ધુવાંપુઆં થઈ રહયા છે, એમને કાંઈ સમજાવો. આવી નાખી દીધા જેવી વાત, કોઈ જાણે તોય લાજી મરીયે. ” રસોડામાં ચા ઉકળતાં ઉકળતાં નિરુ બોલી રહી હતી. એટલામાં પડોશણ દમયંતી આવી.

” નિરુબેન, હવેતો હદ થાય છે. ભઈસાબ ! અમારું તો માથું પાકી ગયું. આ સવારના પહોરમાં જે સાંબેલા પુરાણ ઉપાડ્યું છે તેથી. આ કાલવાળો ફેરિયો, ફરી પાછો આજે ભંગાર લેવા આવ્યો છે. પૂછી જુઓને એને, તે સાંબેલું પાછું આપે તો, નહીતો તમારી તો દિવાળી બગડી ભેગી અમારીયે બગાડશો. ” દમયંતી કટાક્ષમાં બોલી રહી હતી.

એટલામાં અંદરના રૂમમાંથી માજીનો કણસવાનો અવાજ આવ્યો, ” બેટા પરવીન, નથી રહેવાતું, હવે તું મોટાને બોલાય… મારી છે… છેલ્લી… ઘડીઓ ગણાઈ….રહી…છે. હાય ! તને કાંઈ ના આપી…શકી. તને આપવાનું હતું એ બધુએ સાંબેલામાં હતું…તે આ નિરુવહુએ …ખો..યુ.” બધાના કાન સવળા થઈ ગયા. “નિરુવહુએ ખોયું” શબ્દો કાને પડતાં એ ઊઠીને માજીના રૂમમાં ગઈ. “બોલો, બા છેલ્લી ઘડીઓ હોય તો મને શું કામ ભોંડની ભાગીદાર બનાવો છો ?” નિરુ કાળઝાળ થઈ ગઈ હતી.

” બેટા નિરુ એ સાંબેલાની અંદર મારી….સાસુનું….પંદર તોલા સોનુ હતું ને ઉપરથી… મેં પેટે પાટા બાંધી….પાંચ તોલા નખાવેલું. ઇ બધું તમને ભાગમાં આપવાનું હતું. હે ભગવાન ! મારા…પરવિનના નસીબમાં નહીં હોય ! ….તારા સસરાને હું બે જ જાણતાં હતાં. એ પોલા સાંબેલાની.. વાત….” માજી બોલે જતાં હતાં. અમે બધાં એ સાંભળતા હતા. પડોશણતો સાંબેલાનું રહસ્ય જાણી છક થઈ ગઈ. એ નિરુને લઈને ભાગી મહેલ્લામાં આવેલા ગઈ કાલવાળા ભંગારની લારીવાળા પાસે. વાત ઉઘાડી પડી ના જાય, તે હેતુથી હુંએ ઊઠીને એમની પાછળ પાછળ ગયો.

” ભાઈ, ગઈ કાલે આ બેને તમને એક કળા રંગનું જૂનું સાંબેલું ભંગારમાં આપ્યું હતું, એ તમારી પાસે હોય તો પાછું આપશો ? એમની ભૂલથી તમને અપાઈ ગયું છે. ” પડોશણ દમયંતીએ મભંમ રીતે ભંગારવાળાને પૂછ્યું.” હા. ગઈ કાલે મારે ભંગારમાં બે સાંબેલાં આવેલાં, પણ આ બેને જે સાંબેલુ આપેલું એ સારું હતું. સિસમનું હતું ને ઉપર નીચે ગજવેલની બે કુંડલીઓ જડેલી હતી, એજ ને ?” ” હા…હા…એજ.” હાંફળીફાંફાળી થતી નિરુએ જવાબ દીધો.

” અમે રોજ ભંગાર ભેગો કરી, પછી નદીકાંઠે એક ભંગારનો મોટો વાડો છે તેને આપી ને રોકડી કરી લઈએ, એટલે મેં તો કાલનો ભેગો કરેલો માલ ત્યાં આપી દીધો. ત્યાં તપાસ કરો કદાચ એ થોડા વધુ પૈસા લઈ તમને…… ભંગારવાળો આટલું બોલ્યો ત્યાંતો પ્રવીણભાઈની પોક સંભળાઈ, ” ઓ મારી…મા… રે” ને નિરુ ઘર તરફ દોડી. માજીના જવાથી પછી તો નિરુ રડી રડી ને અડધી થઈ ગઈ. મા ગઈ તેના ભેગું સાંબેલા પુરાણ પણ સમાપ્ત થયું.

ત્રીજા દિવસે માજીનું બેસણું પતી ગયા પછી હું ને પ્રવીણ નદી પરના એ ભંગારવાડે જવા નિકળયા. સ્થળ પર પહોંચ્યા તો જાણ્યું કે, ગઈ કાલે આ ભંગારવાડામાં અચાનક આગ લાગવાથી આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં પણ આગ ફેલાઈ હતી. ને સ્થળ પર દબાણ હટાવવા નગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું હતું. સાંબેલું મળવાની આમારીતો, રહી સહી આશા પર પાણી ફરી વળ્યું.

નિરાશ થઈ અમે પાછા વળતા હતા. તેટલામાં બુલડોઝર વધ્યો ઘટ્યો ભંગાર ઉસેડતું અમારી બાજુમાંથી પસાર થયું. ઘડીમ…ઘડીમ..અવાજ કરતું એતો આગળ વધી રહ્યું હતું તેવામાં બુલડોઝરમાંથી કાંઈક વસ્તુ ઉછળીને પ્રવીણના પગ સાથે અથડાઇ. એતો આવાચક રહી ગયો, અરે ! આ…!.આ..! એજ! એમ બોલીને એણે તેના પગ પાસે પડેલું સાંબેલું ઉપાડી લીધું. છેવટે સાંબેલું લઈ ઘેર પહોંચ્યા ત્યારે નિરુભાભી બોલ્યાં, ” મેં ઘીના પાંચ દીવા માન્યા હતા. આથી જુઓ આ હાથમાંથી ગયેલી મત્તા પાછી આવી ગઈ.”

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version