રાજ્યના 70થી વધુ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

હવામાન વિભાગની વરસાદ થવાની આગાહી વચ્ચે ગુરુવારે બપોર બાદ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદની આંકડાકીય માહિતી અનુસાર અમદાવાદ સહિત ગુરુવારે બપોર બાદ સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના સ્થળોએ વરસાદ થયો હતો. અમદાવાદ શહેર ઉપરાંત ગાંધીનગરના કલોલમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.

image source

રાજ્યમાં બપોર સુધી ભાર ઉકળાટ અને બફારા બાદ સાંજથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ શરુ થતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી. હવામાન વિભાગની સાંજ સુધીની આંકડાકીય માહિતી અનુસાર ગુરુવારે સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ગણદેવીમાં 3 ઈંચ, નવસારી અને જલાલપોરમાં 2 ઈંચ, પાદરા, તારાપુર અને વડોદરામાં દોઢ ઈંચ, ચોર્યાસી, સુરત શહેર અને હાલોલ શહેરમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના 12 તાલુકામાં અડધાથી 1 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. જેના કારણે ગુરુવારે આણંદ, વડોદરા, સુરત, નવસારી, તાપી સહિતના શહેરોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બપોર બાદ શરુ થયેલા વરસાદમાં અમદાવાદમાં મેઘરાજાએ જોરદાર બેટીંગ શરુ કરી હતી. વરસાદના કારણે લોકોમાં પણ ઉત્સાહ છવાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીથી શહેરીજનોને રાહત મળી હતી.

image source

જો કે ગુજરાત સહિત કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કચ્છના રાપર, ભચાઉ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. અહીં વાવણીલાયક વરસાદ સમયસર થઈ જતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જો કે કચ્છના રાપર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નિલપર ખાતે ભારે પવન ફુંકાતા લાઈટના થાંભલા પડી જવાની ઘટના બની હતી. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી.

image source

મહત્વનું છે કે આ વર્ષે સારું ચોમાસું રહેવાની વાત સાથે હવામાન વિભાગે આગાહી કર્યા અનુસાર વરસાદ થતાં ખેડૂતો સહિત લોકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી પંથકમાં પણ સામાન્યથી લઈ ધોધમાર વરસાદ થયો હતો.