કોરોનાની બીજી લહેરમાં બાળકો માટે આ છે ઉત્તમ વિકલ્પ, બાળકો ઘરના વડીલોને આ રીતે કરી શકે છે સંક્રમિત, જાણો આ વિશે વધુમાં

બાળકો માટે વધુ જોખમી કોરોનાની નવી લહેર, બાળકો બહારથી આવી ઘરના વડીલોને સંક્રમિત કરી શકે, માતાઓ સંક્રમિત થવાનું પ્રમાણ વધ્યું

કોરોનાની આ બીજી લહેર એટલી ભયંકર છે કે તેની અસર હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ હવે બાળકો કોરોનામાં સપડાયા છે. આગામી 1 મેથી સરકાર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવા નિર્ણય કરાયો છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાનું પ્રમાણ વધ્યું છે.

આવાં બાળકો માટે લોકડાઉન એ જ શ્રેષ્ટ વિકલ્પ હોવાનું તબીબી આલમ માની રહ્યું છે. બાળરોગ નિષ્ણાત અને રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો.જય ધીરવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકો બહારથી રમીને ઘરે આવે એટલે પરિવારજનોને સંક્રમિત કરી શકે છે, સૌથી વધારે માતાઓ સંક્રમિત થવાનું પ્રમાણ વધ્યું છે.

બાળકોને બહાર રમવા જવા દેવા જોઇએ નહીં

ડો. જય ધીરવાણીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાની બીજી લહેરમાં બાળકોનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. આ સમયે બાળકોને ઘરની બહાર નીકળવા દેવાં જોઇએ નહીં, એટલે કે બાળકો માટે લોકડાઉન હોવું જોઇએ. તેમને માટે આ સમયે લોકડાઉન એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સાથે ઘરના વડીલોએ બાળકોને પાર્કિંગમાં કે શેરીમાં રમવા જવા દેવા ન જોઈએ, કારણ કે બાળકો બહારથી રમી ઘરમાં આવે બાદમાં તેઓ ઘરના અન્ય વડીલોને સંક્રમિત કરતાં હોય છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી તેમને ગંભીર અસર થતી નથી.

બાળકો થકી માતાઓ સંક્રમિત થવાનું પ્રમાણ વધ્યું: ડો. જય ધીરવાણી

ડો.જય ધીરવાણીએ આગળ જણાવે છે કે હાલ આ કોરોનાની બીજી લહેરમાં બાળકોની સાથે સાથે માતાઓ સંક્રમિત થવાનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. બાળકો વધુ સમય તેની માતા સાથે વિતાવતાં હોય છે, આથી બહાર જો બાળક રમવા જાય તો એની અસર તેની માતા પર થાય છે અને માતા સંક્રમિત થાય છે. જે બાળક પોઝિટિવ હોય તેના પિતા કરતાં માતા વધુ પોઝિટિવ થયાં હોય તેવું તબીબી તારણ છે. આ સમયે બાળકનાં માતા અથવા પિતા પોઝિટિવ હોય તો સારવાર માટે સાથે રાખી શકાય છે, અન્યથા બાળકને એકલા આઇસોલેટ કરવાની સ્થિતિ ઉદભવે છે, જે ગંભીર સ્થિતિ માનવામાં આવે છે.

રોજ 50થી વધુ બાળકો કોરોના સંક્રમિત થાય છે

હાલ કોરોનાની બીજી લહેરમાં નવા ટ્રેન્ડ મુજબ બાળકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. રાજકોટમાં રોજબરોજ 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે અને 70થી વધુ મૃત્યુ થઇ રહ્યાં છે, જેમાં 50થી વધુ બાળકો સંક્રમિત થઇ રહ્યાં છે. જોકે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી મૃત્યુ થવાનો ભય રહેતો નથી અને બાળકો માઇલ્ડ સિમ્પ્ટોમ્સને કારણે જલદીથી સ્વસ્થ થઇ જાય છે.

બાળકોનો રિકવરી રેટ સારો હોવાથી 4-5 દિવસમાં સાજા થાય છે

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.પંકજ બૂચના જણાવ્યા પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં માત્ર ત્રણ બાળક કોરોનાની સારવાર હેઠળ છે. મુખ્ય લક્ષણ ઝાડા થવાનું જોવા મળી રહ્યું છે. બાળકોનો રિકવરી રેટ સારો હોવાથી ચાર-પાંચ દિવસમાં જ તેઓ સાજા થઇ જાય છે. નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે આ વખતે બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવા પાછળ પરિવારની ટેસ્ટિંગ પ્રત્યેની જાગૃતિ છે. બીજી તરફ પહેલાં કોરોના આવતો હતો ત્યારે ઘરની બહાર સ્ટિકર મારવામાં આવતું હતું, પરંતુ હવે આ નિયમ નીકળી જતાં બાળકો હરતાં-ફરતાં કોરોનાગ્રસ્તના સંપર્કમાં કે કોઇના ઘરમાં આવી જતાં પ્રમાણ વધી જાય છે.

ગત વર્ષે 0થી 10 વર્ષનાં 260 બાળકો કોરોનાગ્રસ્ત બન્યાં હતાં

રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બાળકોમાં કેસનું પ્રમાણ કેટલું છે એ જાણવા મનપાના આરોગ્ય શાખાનો સંપર્ક કરતાં અત્યારસુધીમાં 0થી 10 વર્ષનાં 260 બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ પૈકી કોઇપણ કેસ હજુ સુધી ગંભીર થયો નથી અને મોર્ટાલિટી રેટ પણ ઝીરો છે. બાળકોની સારવાર અંગે સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે બાળકોના શરીરમાં થાયમસ ગ્રંથિ હોય છે. આ ગ્રથિનું કામ રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવાનું હોય છે અને એ સમય જતાં જતાં નાની થતી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *