બીજવર – એક રિવાજને કારણે તેને સહન કરવું પડ્યું હતું, તેની સખીએ કહ્યું હતું એવું તો કશું થયું જ નહિ પણ એકદિવસ અચાનક..

રિવાજ એવો વિચિત્ર કે ઘરે વહુ લાવવી હોય તો સામે સાટું આલવું પડે. જડી વિચારી રહી હતી કે – સમાજમાં કન્યાની અછત. ભાઈ માટે વહુ લાવવાની હતી. જો સાટું ના આપે તો ભાઈને કોઈ કન્યા આપે તેમ ના હતું . તેનો થનાર ભરથાર, ભગો તેના બાપનો એકનો એક દીકરો અને પચ્ચાસ વિઘા જમીનનો વારસદાર એટલે બા- બાપુજીએ એના પર પસંદગી ઉતારેલી. એકતો દીકરી સુખી ઘરે જાવાની હતી ને ભાઈનું ઠેકાણું પડતું હતું. એટલે એનું સગપણ ભાઈના સાટામાં થયું હતું.

એણે સાંભળ્યું હતું કે, ભગાની પહેલી વખતની પત્નીએ તેનાથી છૂટાછેડા લઈ લીધા હતા, એટલુંજ નહીં એની ઉંમર પણ વધુ હતી. તેમ છતાં, નસીબમાં બીજવર લખાયેલો હશે ! એમ વિચારીને જડીએ પોતાનું મન મનાવેલું.

જેવી એ પરણીને સાસરે આવી , ને બે દિવસમાં તો આણું તેડવા આવેલું. દિવસે તો બધાની હાજરીમાં ઘરવાળા જોડે વાત કરી શકાય નહીં. ત્રીજી રાત થાય એ પહેલાં તો એ પિયર ભેગી થઈ ગયેલી. ભગા જોડે મન ભરીને વાત કરવાનોય મોકોય ક્યાં મળ્યો હતો. એકતો જાન રાતે મોડી ઘરે આવી. વરઘોડિયાં ઘરે પહોંચ્યાં.ગૃહ-પ્રવેશની વિધિ થઈ, મહેમાનો ને જમાડયા તેમના ઉઠવા બેસવાની વ્યવસ્થા પુરી થઈ ત્યાં સુધીમાંતો અડધી રાત વીતી ગઈ .

જળી એના બીજવરની રાહ જોતી જોતી વિચારમાં ગળા ડૂબ થઈ ગઈ હતી. એક, એક , ક્ષણ વરસની લાગતી હતી. મધુર ઘડી હવે નજીક આવી રહી હતી. મેઘતાંડવના ઘૂઘવાટામાં સરિતામાં ધસમસતું પુર આવશે ને બે કાંઠા એક બીજામાં સમાઈ જશે. બે જીવ ઓગળી ને એકાકાર થઈ જશે. સવાસોશ્વાસ વધી રહયા હતા. હૈયામાં ઊંડે ઊંડે ઝીણી ઝીણી ઝાલર રણકાર કરી રહી હતી. એટલામાં દરવાજો ખખડયો….તેને ધીમી કંપારી છૂટી ગઈ. કોઈએ ઘરનું કમાળ ખોલીને એને ધક્કો મારી દીધો હોય એમ લાગ્યું.

એ આવ્યો.નીચું મો રાખીને ખાટલાની ઇસ પર સૂનમૂન બેઠો. સામે જોયું . પાછો ઉભો થયો.પાણીનો ગ્લાસ લીધો, એનો હાથ ધ્રૂજવા લાગ્યો . એ બોલ્યો, ” પાણી આપું ?” પણ આખો ગ્લાસ પોતે ગટગટાવી ગયો. એતો અચંબામાં પડી ગઈ. તેને ક્ષણ ભર એક ભ્રમ જેવું લાગ્યું. ” સુહાગરાતે આવું તો હોતું હશે ? ” તે ઊભી થઈ. તેના મનમાં થયું કે – તે કદાચ પીયૂમિલનની તડપન જગાવી રહ્યો હશે !

તે પરસેવે રેબઝેબ, આડો પડયો ને થોડી વારમાં તો બસ નસકોરાં બોલવા લાગયાં . પહેલી વાર ભગાને જોયો. એણે હિંમત કરીને હાથ પકડી ને ઢંઢોળ્યો. ” ઊઠો, એય… ઊઠો ને ” ઘાસનો પુળો ઉથલાવે એમ ઉથલાવી માર્યો, પણ કોઈ પ્રતિભાવ નહીં. એક ક્ષણે તો જળીને આઘાત લાગ્યો. તેનું મન માનવા તૈયાર ના થયું . એની બહેનપણી કમુતો કહેતી હતી કે — ” જો..જે.. ને તું , ભૂખ્યા વરુની જેમ એ તારી પર તૂટી પડશે અલી ! સંભાળજે , ને કળ થી કામ લેજે , મારી બુન ! નહીં તો પહેલાજ આણે……. ” બાકીના શબ્દો એ ગળી ગયેલી.

” જો સાંભળ જળી, આતો લોક લાજે, અને માબાપના દબાણથી મેં તારી સાથે લગ્ન કર્યાં, બાકી મારે તો આ બીજાં લગ્ન કરવાંજ ના હતાં.” ભગો ખૂબ તણાવમાં હતો પણ એણે જે કહેવાનું હતું, તે જળીને સંભળાવી દીધું. ને પાછો ઘોરવા લાગ્યો. ભીંત ઉપર ચોંટેલી ગરોડીને જોતી હોય તેમ તે તેના સામું જોઈ રહી, મનની મનમાંજ રહી ગઈ. મધુરજની બાબતે એણે જે સાંભળ્યું હતું એવું કાંઈ બન્યુ નહીં , ને સવારનો કૂકડો બોલ્યો.

-બીજી રાતે એ મોડો મોડો ઘરમાં આવ્યો. શરમાતાં શરમાતાં એના ખભે હાથ મૂકી બોલ્યો : ” સવારે વાડીયે જાવું સ મને વહેલો જગાડ જો ” પછી વાડી-ખેતરની એક બે વાતો કરી ખાટલાની પાંગત પર ટૂંટિયું વાળી સુઈ ગયો.

જળીએ એને ઉશ્કેરવાના ઘણા પ્રયત્નો કર્યા. -તેના ચહેરાને પસ્વાર્યો, તેના ઢીંચણ પર માથું મૂકીને, ગળા ફરતે બે હાથ વીંટાળ્યા પણ એ ગૂંગળામણ અનુભવતો હોય તેમ લાગ્યું તેણે હાથ છોડાવી દીધા.પરિણામ – ઠેર ના ઠેર. ના ચકનાચૂર કે ના ઝાકમઝોળ, ના હરકતો કે ના હેતના હલકારા ! ટાઢું બોર પાણી. ‘તારું નખ્ખોદ જાય! તારું કમુ , તું તો કહેતી હતી કે આમ થશે ને તેમ થશે , નેવાનાં પાણી મોભે આવી જસે ! પણ એ માયલું કાંઈ ના બન્યું.’

રાતભર એ નિશાસા નાખતી રહી. હિજરાતી રહી, સવાર સુધી પડખાં ફેરવતી ફેરવતી નસીબને દોષ દેતી રહી, અને એ પાણી વગરનો કુત્તાકુંડલી વાળીને ખાટલાની પાંગતે ઘોરતો રહ્યો. આધૂરા ઓરતા ને સમણાની રાખનો ઢગલો તેની આંખમાં સમાઈ ગયો. ઠંડા નિશાસામાંથી ઉઠેલી આહે હૈયાની આગને શાંત પાડી દીધી.

જળી પહેલા આણેથી પિયરમાં આવી, ત્યારે એની જીભ સિવાઈ ગઈ હતી. કોઈની સાથે વાત કરવાનુ એને છોડી દીધેલું. બેઠી બેઠી વિચારે ચડી જાતિ, ને સૂનમૂન થઈ જતી. ના ખાવા-પીવાનું ઠેકાણું કે ના કપડાં પહેરવાનું. પહેલાં તો ભાભી, ભાભી કરીને તેની જીભ સુકાઈ જાતિ. હવે તો બસ કામ પૂરતી વાત . આખું કુટુંબ ચિંતામાં પડી ગયેલું.

સાસરેથી બીજું આણું એને તેડવા આવ્યું . પીઠ પર બાનો હાથ ફરવા લાગ્યો તો, એણે રીતસરનો ધીધીયારો મૂકી દીધો. ” જો બુન તારું હાચુ ઘર એ સે, તુતો સમજુ સે બેટા ! તું કાંઈ હા..ના.. કરવા જઈશ તો એક નઈ, બે ઘર ભાગસે બેટા.. ભાઈ – ભાભીનો તો વિચાર કર ! ” આંખનાં આંસુ પૂછતાં પૂછતાં એની બાએ શિખામણ આપેલી.

” તમે ચાર ચોપડી ભણેલાં થઈને આવા હોબાળા કરી ને માણહ હંભળાવો તે સારું ના કે’વાય જળીબુન !” ભાભી ડારો દેતી હોય એવા અવાજમાં બોલી હતી. “તમારો ભાઈ જ મીઠા વગરનો છે.હું મારી જિંદગી કઈ રીતે કાઢીશ એનો કોઈ જવાબ, છે તમારી પાસે ભાભી ?” હોઠ ઉપર આવી ગયેલા આવા શબ્દો એને છાતીમાં ઢબૂરી દીધેલા. ભાભીએ તેની પેટી ઉપાડીને ગાડામાં ગોઠવી. છાતી ઢંકાય તેટલી લાજ તાણીને એ ગાડામાં બેસી ગઈ. છૂટકોજ ના હતો. સમાજના જડ નિયમો સામે એ લચાર હતી.

પતિ તરીકે ભગાનો કોઈ દોષ ના હતો. ક્યારેય ઊંચા અવાજે એ બોલતો નહિ , જળીનો પડ્યો બોલ ઝીલી લેતો. કામ કરતાં કરતાં ક્યારેક દયાની યાચના કરતો હોય તેમ, દયામણે ચહેરે તેના સામું જોઈ રહેતો. સવારથી સાંજ સુધી ઊંધું ઘાલીને કામ કરીને મોડી રાતે ઘરે આવતો. લસ લસ બે કોળિયા ખાઈને થાક્યો- પાક્યો ઘૂર.. ઘૂર..ઘોરતો.

શેઢા પડોશી રાજુ , એનો કુટુંબી-ભાઈ, વારંવાર ભગાની મશ્કરી કરે, તોય એના મન પર જરાય અશર ન થતી આથી જળીને એના ઘરવાળા પર દયા આવતી. ક્યારેક ખેતર રાતવાસો થાતો તો ભાત લઈને તે વાડીએ જતી. મોકળા એકાંતમાં તેને ઘણો ઉશ્કેરતી, કેટલાય પ્રકારની હરકતો, શારીરિક અડપલાં કરતી. ક્યારેકતો આખે આખો અનાવર્ણ દેહ તેના સામે ધરી દેતી, પણ એ પાણીયે મગ ના ચડયા તે ના જ ચડયા !

એમના ખેતરનો શેઢા-પડોસી -ભગાના કુટુંબી-ભાઈ , રાજુ તરફ એની આંખ ક્યારે ઠરી એતો એને ખબર જ ના રહી. તેના હૈયામાં આ રાજુ માટે વ્હાલની કૂંપળો ફૂટી, એતો તેને ત્યારે ખબર પડી કે રાજુ તેને ઘાસનો ભારો માથે ચડાવવા આવ્યો. આવ્યો તો આવ્યો પણ હાથનું અડપલું કરતો ગયો, તેના વણબોટયા બદનમાં એક મીઠું મીઠું લખલખું છોડતો ગયો.

મજબૂત બાંધો, કાળી ભમમર મૂછો ને લીંબુની ફાડ જેવી આંખો, પગે રાઠોડી મોજડી ને હાથે સોનરી ઘડિયાળ. ખેતર કે મેલ્લાના માઢમાં જ્યારે મળે ત્યારે એની સામે તે અલપ- ઝલપ નજર નાખતી ને તેના કુંવારા શરીરમાં એક ઝણઝણાટી ઉઠતી. રાજુ એના ખેતરમાં કામ કરતો કરતો , અવારનવાર ભગાની ઝૂંપડીએ આવતો ને ભગાની મશ્કરી ચાલુ કરી દેતો , ને ભગો હસતો હસતો સાંભળતો.

તે દિવસે એવું બન્યું કે ત્રણેય જણ આંબાના છાંયે બેઠાં બેઠાં ચા પીતાં હતાં ” પાકા ઘડે કંઈ કાના ચોંટે ભાભી ? આ નુકસાની માલને હવે થોડો થોડો સુધારો ” રાજુએ ભગાની મસ્કરી કરી. ” બેહ, બેહ છાનોમાનો બાયડીના બારોટ” ભગાએ આવું મો માથા વગરનું બોલીને જોડુ છૂટું માર્યું , રાજુએ જોડું ઝીલી લીધું ને ફેંક્યું ભેંસો તરફ.

‘ ભાભી આ ઝોટુ ( નાની ઉંમરની ભેંસ) મૅઠું થશે ? રાજુએ આંખ મિચકારતાં પુચ્છયું .જળીનો ચહેરો લાલચોળ થઈ ગયો. કાનની બુટોમાં લોહી ધસી આવ્યું. કાપડાની કસ તંગ થઈ ગઈ. હસતાં હસતાં એણે રાજુને કાંકરી મારી. જેવી જળીએ રાજુને કાંકરી મારી કે, આંબા ડાળે કૂહુ… કૂહુ ટહુકા કરતી કોયલે વસંતની વધામણી ખાધી ને મંજરીની સુગંધથી ખેતર ઉભરાઇ ગયું.

** *** *** ***

હવે એના ઘરવાળા, ભગાને ખેતરે આવવાનો સમય થઇ ગયો હતો. ભગો આવે તો એ ઘરે જાય એમ વિચારી રહી હતી. બપોર ઢળી રહયા હતા ને તેનું સ્થાન લેવા સંધ્યાના પગ વાગતા હતા. ભગો હજુ દેખાયો નહીં. એ રાહ જોઇને થાકી . સાળુંને ફંગોળી ને ઝૂંપડીમાંની ખોયા જેવી ખાટલી પર આડી પડી.

પચ્ચાસ વિઘા જમીન ! ભગો એકનો એક વારસદાર ! જમીન જાગીરને શું ભેટીઓ લેવાની ! આ મિલકતનો કોઈ વારસદાર તો હોવો જોઈએ ને ? વારસદાર સ્ત્રીની કુખમાં પેદા થતો હોય છે. વારસદારની રગોમાં કોનું લોહી વહે છે એતો માત્ર મા જ જાણીતી હોય છે. ઓલાદની પાછળ બાપનું નામ, એ તો ખાલી લટકણિયું જ કહેવાયને ? એનું મન જિંદગીનો હિસાબ ગણવા લાગ્યું. વિચારોના વમળમાં ગૂંચવાઇ ગઈ. એ સમયે રાજુ દબાતે પગલે ઝૂંપડી નજીક ક્યારે આવી ગયો તેની એને ખબરેય ના રહી.

હાથમાં ઘોડાની લગામ હતી. “ચમ ભાભી, બહુ થાક લાગ્યો શ ? શું ભગલો, હજુ નથી આવ્યો ?” એણે પૂછ્યું ને જળી તો ખાટલામાં એવી જડાઈ ગઈ, કે ઊભીજ ના થઇ શકી. થોડી શરમાઈ ખરી , “તમેં… હાય ….તમે …? ” એ સિવાય એ કશુંજ ના બોલી શકી. તેના હોઠ જાણે સિવાઈ ગયા હતા. રાજુએ હાથમાં પકડેલી ઘોડાની લગામ છોડી દીધી.

” ભાભી આજ તમારા હાથની ચા પીવી છે” બોલીને મૂછમાં મલકાયો ને આંખનો ઉલાળો કર્યો. જળી ત્રાંસી નજરે એને જોઇ રહી. ચહેરો રતુંબળો થઈ ગયો . શરમના સેરડા ફૂટી આવ્યા. તે ઝૂંપડીમાં ધીમે પગલે આગળ ખસ્યો. આંખોમાં ઘૂઘવતા યુવાનીના સાગરે એક જોરદાર છાલક મારીને જળીને નખશીખ ભીંજવી નાખી. દેહની ભૂખ આગળ તે બેવશ બની ગઈ.

” કેમ આજે હરાયા ઢોર જેવા ! ? ” એણે ટોણો માર્યો ને ખાટલીમાંથી ઊભી થઈ. ” ઢોર હરાયું હોય પણ જાતી ધર્મ તો ના ભૂલે મારી.. ભાભી ! ” રાજુએ લહેકો કર્યો. ” જાવ.. જાવ.. નકટા ! ” એમ કહી જળીએ જાણી બુઝીને સાળું ને સરકાવા દીધો. ” ચમ તે મારી દેરાણી હરાયા ઢોર સામેં નજર નથી નાખતી ? ” જળીએ રાજુના ગાલ પર ટપલી મારી. રાજુએ માત્ર ખભા ઉલાળ્યા. ” લુચ્ચા છો તમેતો પારકા ભાણાનો લાડવો લૂંટવા નિકળયા છો તે! ત્રણ, ત્રણ વરહ હુધી ચ્યાં હુઈ ગ્યાતા ?” અનાયાસે તેનાથી બોલાઈ ગયું. “ઈતો એવુને ભાભી , તેલ જોવું પડે ને તેલની ધાર જોવી પડે,કાંઈ ઉતાવળે આંબા પાકે ?.

” લે..લઈ…લે ” જળી એ હાથનો અંગુઠો ઊંચો કર્યો. તે નજીક ખસ્યો, બે હાથ જળીના ખભા પર મુકી ને નીચેની તરફ સરકવા દીધા. એક ઝાટકો આવ્યો ને વાડમાં ઊગેલી વેલની જેમ એ રાજુના શરીર ફરતી વીંટળાઈ ગઈ. બહાર ઊભેલા તેજીના તોખારે હણહણાટી કરી ને વાડીની વાળે જાણે પડઘા પાડયા. નાની હતી ત્યારે આણાં વળતી બહેનપણી કમુ એક વખત બોલી હતી કે, ” આ આદમીઓની જાતથી તો તોબાં ! ભૈસાબ !” જોકે એ સમયે એ કાંઈ સમજી ના હતી , તે આજ એને સમજાયું. રાજુએ ચૂંટી ભરી હતી, તયાં હજુય મીઠી મીઠી ચળ આવતી હતી. એક બાજુ રાજુનો ઘોડો રેવાલ ચાલે જઇ રહ્યો હતો. બીજી બાજુ હાથમાં ગોફણ લઈને ભગો આંબાના ઝાડ પરથી ધીરે ધીરે ઉતરી રહ્યો હતો.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત