પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો કેનેડા, જીવતો પરત ન આવ્યો, સાંસદ પરિવારને આશ્વાસન આપવા દોડી ગયા

ક્યારેક રમત રમતમાં જીવનનો ખેલ પૂરો થઇ જાય છે, વડોદરાથી કેનેડા અભ્યાસ માટે ગયેલા રાહુલ માખીજાની સાથે પણ કંઇક આવુ જ થયું.. વડોદરાના વારસિયા ઇંદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળીની પોળમાં સાડીની દુકાન ધરાવતા માખીજા પરિવારનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે કેનેડા ગયો હતો.. ઓન્ટેરિયોમાં જતી વખતે તે વાતનો અંદાજ પરિવારજનોને નહોતો કે તેઓ રાહુલને અંતિમ વાર જોઇ રહ્યા છે. કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલો રાહુલ પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો, અને મિત્રો સાથે જ ઠંડા પાણીના તળાવમાં તેણે એક્સાઇટમેન્ટ માટે છલાંગ લગાવી.. મિત્રોની ખુશી પળભરમાં જ માતમમાં ફેરવાઇ ગઇ. કારણ કે રાહુલની ક્લિફ જમ્પિંગ મોતની છલાંગમાં ફેરવાઇ ગઇ. બનાવની જાણ થતાં વડોદરામાં માતા-પિતાએ જમવાનું છોડી દીધું હતું અને ભારે સમજાવટ બાદ બે દિવસ પછી જમવાનું શરૂ કરતાં સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો.

વારસિયાનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો

સાંસદ પરિવારને આશ્વાસન આપવા દોડી ગયા: શુક્રવારે મૃતદેહ વડોદરા લવાશે

image soucre

અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો 20 ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. દરમિયાન એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાયો હતો, પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ પાણીમાં કૂદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

બનાવની જાણ થતાં માતા-પિતાની હાલત કફોડી બની હતી અને માતા પૂજાબેન અને પિતા સુનીલભાઈએ જમવાનું છોડી દીધું હતું. કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ મંજૂરી અને ટેક્નિકલ કારણોથી સમય વેડફાવાનું જણાતાં અન્ય પરિચિતો દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરાતાં તેઓ પરિવાર પાસે દોડી ગયા હતા અને તેમના પ્રયાસોથી એક દિવસ વહેલો મૃતદેહ વડોદરા આવશે.

જાન્યુઆરીમાં રાહુલે કહ્યું હતું કે હવે 3 વર્ષ નહીં આવું

image soucre

વડોદરાના ચાર મિત્રો સાથે કેનેડામાં રહેતો રાહુલ જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો. આગામી સમયમાં નવી નોકરી શરૂ કરવાની હોવાથી અને અભ્યાસ બાદ પૂર્ણ કક્ષાની નોકરી મળવવાનો હોવાથી ત્રણ વર્ષ આવી ન શકાય એમ પરિવારને જણાવી પરત ગયો હતો.

સાંસદે દરમિયાનગીરી કરતાં આજે મૃતદેહ આવી પહોંચશે

image soucre

દિલ્હીમાં કસ્ટમ, હેલ્થ અને કાર્ગોના ક્લિયરન્સને લીધે મૃતદેહ લાવવામાં એક દિવસ બગડતો હતો. સાંસદ રંજનબેન ભટ્ટે દરમિયાનગીરી કરી તાત્કાલિક કાર્યવાહીનું કહેતાં તા.29મીએ રાહુલનો મૃતદેહ આવી જશે. પરિવારે સાંસદનો આભાર માન્યો હતો.

માતા સાથે ફોન પર છેલ્લી વાતચીત: સોમવારે રાહુલે કહ્યું હતું કે ફરવાની બહુ મજા આવે છે

રાહુલના ભાઈ સચિન માખીજાએ જણાવ્યું હતું કે ગત સોમવારે જ રાહુલનો ફોન આવ્યો હતો અને મમ્મી સાથે વાત કરી હતી. નોકરી લાગ્યા બાદ ફરવા નહીં જવાય, તેથી મિત્રો સાથે ફરવા નીકળ્યો છે અને બહુ મજા આવે છે એમ જણાવ્યું હતું.