ચોળી ગલકાનું શાક – બાળકોને ખુબ પસંદ આવશે આ શાક, લસણના તડકા સાથે બનાવો આ ટેસ્ટી શાક…

દરેક ગૃહિણીનો રો જ એક જ સવાલ હોય આજે જમવામાં શું બનાવવું? આ સવાલ સાંજે જ થાય એવું નથી અમારા ઘરમાં તો એક ટાઈમનું જમવાનું પૂરું થાય એટલે તરત વિચાર આવે કે હવે સાંજે કે સવારે જમવામાં શું બનાવીશ. ભાખરી અને રોટલી તો લગભગ ફિક્સ જ હોય પણ સૌથી વધુ માથાકૂટ આ શેનું શાક બનાવવું ને એની જ હોય છે.

કાંઈક સારું બનાવવાનું વિચારીયે ત્યાં માર્કેટમાં જે તે જરૂરી સામાન જ ના મળે એટલે રસોઈ કરવાનો બહુ કંટાળો આવે. પણ એક શાક એવું છે જે લગભગ બારે મહિના મળતું જ હોય છે. હા એ છે ગલકા. ગલકાને તમે બટેકા, રીંગણ કે પછી સેવ ગલકાનું શાક બધું બની શકે એવી જ રીતે આજે હું લાવી છું ચોળી ગલકાનું શાક, મારા ઘરમાં મારી સાક્ષીને ગલકા પસંદ નથી પણ ગલકા સાથે ચોળી ઉમેરું એટલે દાણાનું શાક બનાવ્યું એવું જોઈને ખુશી ખુશી ખાઈ લે છે.

તો તમે પણ એકવાર આ શાક જરૂર બનાવજો અને હા મને જણાવજો તમને આ રેસિપી કેવી લાગી. ચાલો ફટાફટ શીખી લઈએ ચોળી ગલકાનું શાક બનાવતા.

સામગ્રી

  • ગલકા – 500 ગ્રામ
  • ચોળી – 250 ગ્રામ
  • લસણ – 5 કળી
  • જીરું – અડધી ચમચી
  • હિંગ – એક ચપટી
  • લાલ મરચું – 1 ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • મીઠું – સ્વાદઅનુસાર

ચોળી ગલકાનું શાક બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા ગલકાને, ચોળીને સમારી લો અને અહીંયા ફોટોમાં બતાવ્યું છે એ પ્રમાણે લસણ ખાંડી લો.

2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકીશું

3. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું

4. જીરું બરાબર ફૂટે એટલે તેમાં તૈયાર કરેલ લસણ ઉમેરી દો, લસણને તતડવા દેવાનું છે.

5. હવે આમાં હિંગ ઉમેરીને સમારેલા ગલકા ઉમેરી લઈશું

6. હવે તેમાં ચોળી પણ ઉમેરી લઈશું

7. હવે આપણે શાકમાં મસાલો કરીશું તેના માટે હવે મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો અને ધાણાજીરું ઉમેરો.

8. આ શાકમાં પાણી ઉમેરવાનું નથી, ગલકામાં મીઠું ઉમેરવાથી પાણી છૂટશે જ અને તેનાથી જ ચોળી પણ ચઢી જશે.

9. હવે આ શાકને બરાબર હલાવી લો જેથી મસાલા આખા શાકમાં ભળી જાય અને મસાલો બરાબર ચઢી જાય.

10. હવે તેને થાળી કે ડીશ ઢાંકીને થોડીવાર ચઢવા દો.

11. થોડીવાર પછી તમે શાક જોશો તો તેમાં ઘણું પાણી હશે.

12. શાકને હજી ઢાંકીને થોડીવાર ચઢવા ડો, (ચોળીના દાણાને ચેક કરી લેવું અને ગલકાના એક ટુકડાને પણ ચેક કરવું જો ચઢી ગયું હોય તો થાળી ઢાંકવાની જરૂરત નથી.)

13. શાક ચઢી ગયું હોય પણ તેમાં ખુબ રસો હોય તો થોડીવાર ગેસ ફૂલ રાખીએ પાણીને બાળી લઈશું. આ શાકને તમારે રસાવાળું કરવું હોય તો પાણી બાળવાની જરૂરત નથી.

14. હવે થોડીવાર પછી તમે જોશો તો શાકમાંથી પાણી બળી ગયું હશે અને તેલ છૂટું પડતું દેખાતું હશે. આનો અર્થ એ થાય છે કે તમારું શાક રેડી થઇ ગયું છે.

આ શાક હવે તૈયાર છે આને તમે રોટલી, ભાખરી, પરાઠા, ઢીલી ખીચડી વગેરે સાથે ખાઈ શકો છો. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો, આવજો ત્યારે ફરી મળીશું એક નવી અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.