લગ્ન પ્રસંગમાં બ્લાસ્ટ થઈ ગયું કોફી મશીન, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

હાલ લગ્નસરા ચાલી રહી છે ત્યારે જ્યાં જુઓ ત્યાં લગ્નની શરણાઇ ઓ વાગતી સાંભળવા મળે છે. તેવામાં એક લગ્ન સમારોહમાં અચાનક એવી દુર્ઘટના સર્જાઈ ગઈ જેનાથી લગ્નની શરણાઇઓની ગુંજને બદલે માતમ છવાઇ ગયો હતો.

મધ્યપ્રદેશના જબલપુરમાં લગ્ન સમારોહમાં એક દુઃખદ ઘટના બની હતી. જબલપુરમાં એક લગ્ન સમારોહ દરમિયાન કોફી માટે રાખેલું મશીન બ્લાસ્ટ થઈ જતા ભારે અફરા-તફરી સર્જાઇ હતી. જાનૈયાનું સ્વાગત કરવા માટે ગરમાગરમ કોફી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઠંડીની મોસમ હોવાથી જાનૈયા પણ લગ્નસ્થળે પહોંચી ગરમાગરમ કોફી ની મજા માણવા લાગ્યા. પરંતુ ત્યાં જ અચાનક કોફીના મશીન માં બ્લાસ્ટ થઈ ગયો. ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળેથી જે લોકો દાઝી ગયા હતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

આ અંગે મળતી વધુ વિગત અનુસાર જબલપુરના રીઠૌરી ગામમાં સીતારામ બંજારા ના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ હતો. જાનૈયા નો સ્વાગત માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થાઓ કરી હતી. જેમાં ગરમાગરમ કોફી પીરસવા માટે મશીન ગોઠવવામાં આવ્યું હતું. જ્યારે જાનનું આગમન થયું તો ચારે તરફ ઉત્સાહ અને ખુશીનો માહોલ હતો.

લગ્ન રાતના હોવાથી જાનૈયાઓ માટે કોફી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે એક મશીન ગોઠવવામાં આવ્યું હતું. જાનૈયા પણ ઠંડીમાં ગરમા-ગરમ કોફી ની મજા માણવામાં વ્યસ્ત થઈ ગયા હતા તે દરમિયાન જ કોફી મશિનમાં જોરદાર ધડાકો થયો. કોઈ સમજી શકે કે જાણી શકે તે પહેલા હતું મશીન માં બ્લાસ્ટ થઈ ગયો.

આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે કોફી મશીન ની પાસે ઉભેલો એક વ્યક્તિ મોતને ભેટ્યો અને અન્ય કેટલાક દાઝી ગયા હતા. થોડીવાર પહેલા જે જાનૈયા ગરમાગરમ કોફી ની મજા માણી રહ્યા હતા તે જીવ બચાવી અને ભાગવા લાગ્યા હતા.

આ ઘટનામાં જે વ્યક્તિનું મૃત્યુ થયું તે ૪૦ વર્ષના હતા અને યુવતીના સંબંધી હતા જે જાનૈયાઓને કોફી પીરસવાનું કામ સંભાળી રહ્યા હતા.

ઘટનામાં પ્રાથમિક તપાસ હાથ ધરી પોલીસે કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ મામલે પોલીસે કેટરર્સ ના માલિક સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.