Site icon News Gujarat

લોકસેવામાં ખડેપગે રહી શકે એટલે બાળકોને પણ સાથે પોલીસ સ્ટેશનમાં રાખી નીભાવે છે ફરજ આ બે મહિલા પોલીસકર્મીઓ

પોલીસ એટલે કાયદાનું કડકાઈથી પાલન, પોલીસ એટલે હંમેશા કડક અવાજે બોલતા લોકો…. આવી સામાન્ય ધારણા લોકોના મનમાં હોય છે.

image source

પરંતુ હાલ જે સ્થિતિ આપણી આસપાસ છે તેવામાં પોલીસ કર્મીઓ ખરેખર લોકો માટે દેવદૂત સમાન બન્યા છે. લોકોની રક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસકર્મીઓ જાણે પોતાનું ઘર-પરિવાર બધું જ પોલીસ મથકે અને પોતાને જે જગ્યાએ ફરજ પર નિયુક્ત કરાયા છે તેની બનાવી લીધું છે.

પોલીસની બહાદુરીના કિસ્સા તો આ સમયે અનેક સામે આવ્યા છે. પરંતુ એક પોલીસ હોવાની સાથે માતાની ફરજ અદા કરતા કર્મચારીએ લોકોના દિલ જીતી લીધા છે. ચોવીસ કલાક ફરજ પર હાજર રહેવાનું હોવાથી રાજકોટ જિલ્લાની બે મહિલા પોલીસએ પોતાના નાના બાળકોને પણ ઘરમાં સુખ-સગવડોને બદલે પોતાની સાથે પોલીસ મથકમાં રાખી અને પોતાની ફરજ નીભાવી છે.

બાળકો નાના હોવાથી માતાની જરૂર પડે તે સ્વાભાવિક છે. પરંતુ હાલની સ્થિતિમાં ઘરે જવું યોગ્ય ન જણાતા આ બંનેએ બાળકોને પોતાની સાથે રાખી અને ડ્યૂટી નીભાવી છે.

બાળકો માટે તેમણે પોલીસ સ્ટેશનમાં પારણું રાખ્યું છે જ્યાં બાળકોને એક હાથે સુવડાવે અને બીજા હાથે તેના કામ કરે, બાળક જાગે તો તેની સાથે રમવાનું નહીં પણ ખોળામાં બેસાડી પોતાનું કામ કરવાનું ઉમદા કાર્ય કર્યું છે.

પડધરીના એએસઆઈ અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી આ પોલીસકર્મીઓના જણાવ્યાનુસાર તેમના પતિ પણ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવે છે. પતિ અને પત્ની બંને પોલીસમાં હોય હાલની સ્થિતિમાં બંને માટે લોકરક્ષા મહત્વની છે. તેવામાં બાળકને પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં રાખી આ મહિલા પોલીસ કર્મી કામ કરે છે.

આ બંને મહિલા પોલીસ કર્મીઓના વખાણ ખુદ જિલ્લા પોલીસ વડા કરી ચુક્યા છે. તેમણે પણ બંનેની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. કારણ કે આ બંનેનો ઉદ્દેશ એક જ છે કે કોરોનાને હરાવી અને લોકોના જીવનની રક્ષા કરવી.

Exit mobile version