લોકડાઉન દેશ પરત ન જઈ શકનાર ફ્રાંસનો પરીવાર આ જગ્યાએ રહી દિવસો કરી રહ્યો છે પસાર
દેશમાં લોકડાઉનના કારણે અનેક વિદેશી પર્યટક જે ભારત ફરવા આવ્યા હતા તે પરત જઈ શક્યા નથી. આવા વિદેશી પ્રવાસીઓ દેશભરના અલગ અલગ સ્થાનોએ ફસાઈ ગયા છે.

તેવામાં તેમને પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો બેદરકારીભર્યું પગલું ભરે છે તો કેટલાક લોકો જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર ખુશી ખુશી કરી અને દિવસો પસાર કરવા લાગે છે. આવો જ એક પરીવાર છે જે ભારતમાં બોર્ડર સીલ થયા બાદ અટકી ગયો છે.
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લા પુરંદરપુર વિસ્તારના લક્ષ્મીપુરના સિંહોરવા ગામના એક મંદિરમાં એક પરીવાર વસવાટ કરી રહ્યો છે. તેઓ ફ્રાંસથી ટૂરિસ્ટ વિઝા પર 1 માર્ચ 2020ના રોજ પાકિસ્તાનની વાઘા બોર્ડરથી થઈ ભારતમાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ દેશમાં લોકડાઉન જાહેર થતા તેઓ પોતાના દેશ પરત ફરી શક્યા નહીં. જો કે લોકડાઉનને તેમણે સ્વીકારી અને એક મંદિરમાં જ પોતાનું આશ્રય સ્થાન બનાવી અને વસવાટ કરવા લાગ્યા છે.

ગામમાં આવેલા રામ મંદિરમાં આ પરીવાર રહે છે. જો કે આ પરીવાર લોકડાઉનના કારણે અહીં ફસાયો હોવાની વાત જાણી અને અહીંના સ્થાનિક અધિકારીઓએ પણ આદેશ કરી સીઓ ફરેંદા અશોક કુમારને આ પરીવાર પાસે મોકલી અને તેમના હાલ ચાલ જાણ્યા હતા.
સ્થાનિક અધિકારીઓએ આ પરીવારને જરૂરીયાતની વસ્તુઓ પણ પુરી પાડી હતી. તેમને અનાજ, ફળ અને અન્ય જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવે છે. પ્રવાસીઓ પણ અધિકારીઓનો આભાર માની રહ્યા છે કે તેમના પરીવારની જરૂરીયાતોને પુરી કરવામાં આવે છે. જેથી લોકડાઉનમાં તેમને અહીં રહેવામાં તકલીફ ન થાય.

મહત્વપૂર્ણ છે કે વિદેશી પ્રવાસીઓ જે લોકડાઉનના કારણે ભારતમાં ફસાયા છે તેમના માટે કેન્દ્ર સરકારએ એક વેબસાઈટ પણ શરુ કરી છે. આ વેબસાઈટ પર આવા વિદેશી પ્રવાસીઓએ પોતાના નામની નોંધણી કરાવવાની હોય છે જેથી સરકાર આ સાઈટના માધ્યમથી તેમના સુધી જીવન જરૂરીયાતની વસ્તુઓ સહિત મેડિકલ સુવિધા પણ તુરંત પહોંચાડી શકે. આ ઉપરાંત કેન્દ્ર સરકારએ તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસનને આવા વિદેશી પ્રવાસીઓની મદદ માટે એક નોડલ અધિકારીને નિયુક્ત કરવાનો આદેશ પણ કર્યો છે.