Site icon News Gujarat

કોરોના મહામારી અને લોકડાઉને તોડી ગરીબ પરિવારોની કમર, રાજકોટની 70 મહિલાઓએ ધકેલાવું પડ્યું દેહવિક્રયના ધંધામાં , ચોંકાવનારો ઘટસ્ફોટ

કોરોના મહામારીમાં ઘણા લોકોને પોતાના રોજગાર ધંધાથી હાથ ધોવા પડ્યા, નાના અને ઓછી આવક વાળા વર્ગ પર લોકડાઉન અને કોરોના મહામારીએ ઘણી ખરાબ અસરો જન્માવી છે, ઘણા પરિવારોની હાલત એવી તો ખસ્તા થઈ ગઈ કે પોતાની ઘરવખરી વેચીને પણ પેટનું ગુજરાન ચલાવવું પડ્યું. ઘણા દેશોમાં મહિલાઓની સ્થિતિ બગડી ગઈ, ખાસ કરીને એવા સંજોગોમાં કે જ્યાં પરિવારોનું ગુજરાન મહિલાઓ પર ચાલતું હોય ત્યારે તેમના રોજગારને અસર થતાં ઘણી મહિલાઓ દેહવિકયના ધંધામાં ઘસડાઈ ગઈ હતી.

image soucre

લોકડાઉનના દોઢ વર્ષ વીતી ગયા બાદ પણ તેની કાળી અને કડવી યાદો લોકોના સ્મૃતિ પટલ પરથી ભૂંસી શકાઈ નથી, અને એટલું જ નહીં પરંતુ તેના કાળા અને ખરાબ પ્રભાવોને હજુ સુધી ઘણા પરિવારોની મહિલાઓ ભોગવી રહી છે, લોહીના વેપારમાં વિકસિત કહેવાતા ગુજરાતની મહિલાઓને પણ ઘસડાવું પડ્યું. અને તે પણ રાજકોટની મહિલાઓને, કે જે એક મહાનગર છે,. લોકડાઉનને કારણે દેહવ્યાપારની ગુમનામ ગલીઓમાં જવા મજબૂર થવું પડ્યું હોય એનાથી વરવું પરિણામ બીજું કશું ન હોઇ શકે. આ સૌથી ખરાબ પરિણામનો ભોગ બની છે રાજકોટ શહેરની એક બે નહીં પણ 70 લાચાર મહિલાઓ, આ મહિલાઓનું હાલમાં તો કાઉન્સિલિંગ કરીને તેમને આ ધંધામાંથી બહાર કાઢવામાં આવી રહી છે, મહિલાઓની સ્થિતિ સુધારવામાં પિયર એજ્યુકેટર અને કાઉન્સિલર ટીમનો ખૂબ જ મોટો સપોર્ટ રહ્યો છે.

image source

આ મામલે માહિતી આપતા એઈડ્સ પ્રિવેન્શન ક્લબના ચેરમેન અરુણ દવેએ જણાવ્યું હતું કે સેક્સવર્કરને શોધીને તેમને માર્ગદર્શન આપી તેમજ નિયમિત આરોગ્ય તપાસ કરાવીને દેહવ્યાપારના ધંધામાંથી બહાર આવવા માટે સરકારે પિયર એજ્યુકેટર નીમ્યા હોય છે. આ મામલે હાલમાં સરકાર દ્વારા અને ઘણા એનજીઓ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવે છે. આ પિયર એજ્યુકેટર જેઓ આ વ્યવસાયમાં જોડાતી મહિલાઓની નોંધ કરતા રહે છે અને તેને આધારે તેમની સંસ્થા મહિલાઓને દેહવ્યાપારમાંથી બહાર કાઢવા કાઉન્સેલિંગ કરે છે.

image soucre

રાજકોટમાં 12 પિયર એજ્યુકેટર છે અને તેમની નોંધણીમાં જોવા મળ્યું હતું કે સૌરાષ્ટ્રના એક મહાનગર અને રંગીલા સીટી કહેવાતા રાજકોટમાં ઘણા પરિવારો એવા હતા જેમના પર લોકડાઉન અને કોરોનાની મહામારી ઘણી ભારે પડી હતી. લોકડાઉનમાં આર્થિક ભીંસ અને કોઇ મદદ કે રસ્તો ન દેખાતાં શહેરની 70 મહિલા દેહવિક્રય કરવા મજબૂર બની હતી. આ તમામનું હાલ કાઉન્સેલિંગ ચાલુ છે. આ મહિલાઓ તેમજ અન્ય વર્કર સહિતનું કાઉન્સેલિંગ કરી અત્યારસુધીમાં 17ને સમજાવીને તેમજ કિટ અને અન્ય સહાય આપી દેહવિક્રયમાંથી છોડાવી છે. આ મામલે તેમણે અમુક કિસ્સાઓ અને ઘટનાઓ પણ વર્ણવી હતી કે શા માટે અને કેવા કારણોસર આ મહિલાઓએ આવી પરિસ્થિતિમાં ધકેલાવું પડ્યું અને દેહવિક્રય કરવા મજબૂર થવું પડ્યું.

એક મહિલાએ જણાવ્યું હતું કે લોકડાઉન લાગુ થતાં કામ બંધ થતાં પતિને મજૂરી મળવાની બંધ થઈ હતી. બચત કોઇ હતી નહીં અને જે પણ કરિયાણું હતું એ પણ ખૂટી ગયું. લોકડાઉનમાં બીજા કોઇ કામધંધા ન મળતાં મજબૂર બનીને તે દેહવિક્રય કરવા મજબૂર બની હતી. એઈડ્સ પ્રિવેન્શન ક્લબ સામે પોતાની વાત મૂકતાં જ સંસ્થાએ ત્યારે જ રેશનકિટની વ્યવસ્થા કરી આપી અને તેના પતિને કોઇ ને કોઇ કામ મળી રહે ત્યાં સુધી અનાજ પૂરું પાડ્યું હતું, જેથી તે મહિલા દેહવિક્રયમાંથી બહાર આવી ગઈ હતી. આમ આ મહિલાઓ કોઈને કોઈ મજબૂરીને કારણે આ કાળા ધંધામાં ઘસેડાઈ જાય છે, અને ખાસ કરીને ગરીબ મહિલાઓને આ મામલે વધુ ભોગવવું પડે છે

image socure

રાજકોટ શહેરની એક અ્ન્ય ઘટનામાં શહેરની એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા, સાસરિયાંએ હેરાન કરી અને પછી તો પતિએ પણ સાથ ન આપતાં પિયર આવી ગઈ. આ દરમિયાન જ લોકડાઉન આવ્યું અને માતા-પિતાની તમામ આજીવિકા છીનવાઈ ગઈ. લાખ કોશિશ કરવા છતાં બે છેડા ભેગા થતા ન હતા અને કોઇ કામ મળતું ન હતું. આખરે યુવતીએ નોકરી મળી ગઈ, એવું બહાનું કાઢ્યું અને પોતાનો દેહ વેચીને આર્થિક સંકડામણ દૂર કરવા પ્રયાસ કર્યો. જોકે આ યુવતી સંસ્થાને મળી આવતાં 3 મહિનામાં તેને દેહવિક્રયમાંથી બહાર કાઢી, હાલ તે યુવતી છૂટક મજૂરી કરે છે, પણ સન્માનભેર જીવી રહી છે.

image soucre

આમ આ તો એક શહેરની વાત થઈ, અને જ્યાં પિયર એજ્યુકેટર જેવા લોકો કામ કરી રહ્યા છે, પરંતુ દેશવ્યાપી લોકડાઉનના કારણે સમગ્ર દેશની જનતાને હેરાન થવું પડ્યું હતું. ગુજરાતના જ અન્ય ભાગો અથવા દેશના અન્ય રાજ્યોમાં આવી કેટલી મહિલાઓ હજુ પણ આ આફતનો ભોગ બની રહી હશે તે વિશે અનુમાન લગાવવું પણ મુશ્કેલ બની જાય છે.

Exit mobile version