કોવિડ ગાઇડલાઇનના આ નિયમોનું ચુસ્તપણે કરવું પડશે પાલન

કોરોનાના કેસ આવવાની શરૂઆત થઈ ત્યારથી નાના બાળકોનું શિક્ષણ ઘરેથી જ થઈ રહ્યું છે. ત્યારે હવે બીજી લહેર બાદ કોરોનાના કેસ ઘટતાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વની જાહેરાત કરી છે. આજે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રાજ્યમાં આગામી ગુરુવાર અને 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના બાળકો માટે શાળાઓમાં ઓફલાઈન અભ્યાસ શરુ થશે.

image source

છેલ્લા ઘણા સમયથી આ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આ પહેલા રાજ્ય સરકારે જણાવ્યું પણ હતું કે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન અભ્યાસ અંગે 15 ઓગસ્ટ પછી નિર્ણય લેવામાં આવશે. ત્યારે આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે 2 સપ્ટેમ્બરથી મોટા બાળકોની જેમ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ અભ્યાસ કરી શકશે. જો કે તેમના માટે પણ આ અભ્યાસ ફરજિયાત નથી કારણે કે ઓનલાઈન શિક્ષણ અગાઉની જેમ જ શરુ રહેશે.

image source

આ જાહેરાત સાથે જ જણાવી દેવામાં આવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ અન્ય સ્ટાફે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ક્લાસમાં બધાએ માસ્ક પહેરવું ફરજિયાત હશે અને સાથે જ સામાજિક અંતર જળવાય તેવી વ્યવસ્થા પણ કરવાની રહેશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે.

image source

મહત્વનું છે કે અગાઉ કોરોનાના કેસ ઘટતાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન શરુ કર્યું હતું. ગત 15 જુલાઈથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અને ત્યારબાદ 26 જુલાઈથી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.

image source

આમ હાલ તો ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરુ થયું છે જે પણ ફરજિયાત નથી પરંતુ હવે ધોરણ 5 સુધીના બાળકો માટે શું નિર્ણય લેવાશે તે પ્રશ્ન છે. આ અંગે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.