મોટાભાગના લોકો અજાણ છે દુનિયાની સૌથી આ ઊંડી જગ્યા વિષે, શું તમને ખબર છે?
આપણી પૃથ્વીના ચાર ભાગ કરીએ તો ત્રણ ભાગમાં તો ફક્ત પાણી જ છે અને માત્ર ચોથા ભાગમાં જ ધરતી છે. વળી આ ધરતી પણ સાવ સમાંતર સપાટી નથી ધરાવતી. એટલે કે ધરતી પર ક્યાંક ઊંચા ઊંચા પર્વતો અને શિખરો છે તો વળી ક્યાંક ઊંડા તળાવો અને ખાઈઓ પણ છે.

એ તો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પરનો ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટનો છે પરંતુ શું તમે પૃથ્વીની સૌથી ઊંડી જગ્યા વિષે જાણો છો ? નહિ ને ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના સૌથી ઊંડા સ્થાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે માહિતી તમારા માટે જ્ઞાનસભર બની રહેશે.

આ અંગે વિસ્તૃત વિગતની શરૂઆત કરીએ તો કેલિફોર્નિયા યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોની એક ટીમે તાજેતરમાં જ એન્ટાર્કટિકાના ડેનમાન ગ્લેશિયરમાં વિશ્વની સૌથી ઊંડી જગ્યાની શોધ કરી હતી. આ જગ્યાની ઊંડાઈ સમુદ્ર સપાટીથી 3.5 કિલોમીટર એટલે કે 11500 ફૂટ નીચે છે. આ અંગેની પ્રથમ સત્તાવાર જાહેરાત ગત વર્ષના ડિસેમ્બર માસમાં કેલિફોર્નિયા યુનિવર્સીટી દ્વારા જ કરવામાં આવી હતી અને જર્નલ નેચર જીઓસાઇન્સમાં પણ પ્રકાશિત થઇ હતી.

તમને ડેનમાન ગ્લેશિયરની વિશાળતા જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આ ગ્લેશિયરની પહોળાઈ 20 કિલોમીટરની છે. શોધકર્તાઓ આ ટાપુને અનેક આશ્રર્યજનક માહિતીઓનો ખજાનો માની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે આ શોધ દ્વારા એ વાત પણ સાબિત થઇ છે કે બરફ સમુદ્ર તટથી 3500 મીટરથી પણ વધુ નીચે ઉતરી રહી છે અને તે ભવિષ્યમાં દક્ષિણ દ્રવની રૂપરેખા પણ બદલી શકે છે.

જો કે આ ભલે દુનિયાની સૌથી ઊંડી જગ્યા હોય પરંતુ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવેલા મારિયાના ટ્રેન્ચ ને હજુ પણ દુનિયાની સૌથી ઊંડી જગ્યા માનવામાં આવી રહી છે. જેની ઊંડાઈ સમુદ્ર સપાટીથી 11 કિલોમીટર નીચે છે. અને આ ઊંડાઈની સરખામણી દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સાથે કરવામાં આવે અને માઉન્ટ એવરેસ્ટને આ ઊંડાઈમાં નાખી દેવામાં આવે તો પણ પર્વતની ટોચ સમુદ્રતટથી 1.6 કિલોમીટર પાણીની નીચે હશે. ઉલ્લેખનીય છે કે મારિયાના ટ્રેન્ચનો આકાર અર્ધ ચંદ્રાકાર છે જે લગભગ 2550 કિલોમીટર લાંબો અને 69 કિલોમીટર પહોળો છે.