લોકડાઉનનો બીજો તબક્કો શરુ થતાં લોકોએ ગુમાવી ધીરજ, વતન જવા કરી રહ્યા છે ન કરવાના કામ
કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેમ છતા હજી પણ લોકો આ વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લેતા નથી અને પોતાના તેમજ અન્યના જીવને જોખમમાં મુકી રહ્યા છે. તેના કારણે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

એક તરફ દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ કેટલાક લોકો દર્દીઓ માટે કાર્યરત રહેતી એમ્બ્યુલન્સનો દુરઉપયોગ કરતાં ઝડપાઈ રહ્યા છે. આવી ઘટના દિલ્હીમાં પણ બની છે. દિલ્હીના રજોકરી વિસ્તારમાં પોલીસએ 9 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો હરિયાણાના માનેસર વિસ્તારથી એક એમ્બ્યુલન્સમાં બેસી અને બસ્તી જિલ્લામાં જઈ રહ્યા હતા.
યૂપીના નંબરવાળી આ એમ્બ્યૂલન્સમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા પોલીસએ તેને અટકાવી ચેકીંગ કર્યું તો તેમાં ડ્રાઈવર સહિત 9 લોકો બેઠા હતા. પોલીસએ પુછપરછ કરી તો જાણવા મળ્યું કે ડ્રાઈવર આ તમામ લોકોને ઉત્તર પ્રદેશ લઈ જઈ રહ્યો હતો.
પોલીસએ 9 લોકોની ધરપકડ કરી એમ્બ્યુલન્સ પણ કબજે કરી હતી. પોલીસના હાથે પકડાયા તેમાં સવાર વ્યક્તિએ કહ્યું કે તેના પિતા બીમાર છે તેથી તેમને લઈ જઈ રહ્યા છે. લોકડાઉનમાં ટ્રાંસપોર્ટ બંધ છે તેથી લોકો એમ્બ્યુલન્સમાં બેસી અને પોતાના વતન જવા નીકળી પડ્યા હતા.
પોલીસએ આ તમામ લોકો વિરુદ્ધ મહામારી એક્ટ હેઠળ કેસ નોંધી તપાસ શરુ કરી છે. આ તપાસમાં એમ પણ સામે આવ્યું હતું કે ખરેખર તે એમ્યુલન્સ પણ ખોટી રીતે તૈયાર કરવામાં આવી હતી. જેથી લોકોની હેરફેર કરી શકાય.