દેશભરમાં ઉજવાય છે મકરસંક્રાંતિ બસ નામ અને પકવાન હોય છે જુદા જુદા

મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર દેશભરમાં ભારે ઉત્સાહ સાથે દર વર્ષે દેશભરમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર મનાવવા પાછળ ઘણી પૌરાણિક માન્યતાઓ રહેલી છે. મકરસંક્રાંતિનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આજે તમને જણાવીએ કે શા માટે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે અને તેની સાથે કઈ કઈ કથાઓ જોડાયેલી છે અને વિવિધતામાં એકતા દર્શાવતો આ તહેવાર દેશભરમાં કઈ કઈ અલગ રીતે ઉજવાય છે.

image soucre

શાસ્ત્રોમાં દર્શાવેલી વાત અનુસાર, મકરસંક્રાંતિનો તહેવાર સૂર્ય દેવના પુત્ર શનિ સાથેના મિલનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે શનિદેવ સૂર્યદેવના પુત્ર છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિ એટલે કે શનિ દેવની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિદેવને મળવા તેમના ઘરે જાય છે.

આ સિવાય અન્ય એક ધાર્મિક માન્યતા પણ છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી પસાર થઈને સમુદ્રમાં સમાયા હતા. એવું પણ કહેવાય છે કે આ પવિત્ર દિવસે ભગીરથે પોતાના પૂર્વજો માટે તર્પણ પણ કર્યું હતું. આ જ કારણ છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે.

મહાભારત સાથે જોડાયેલી કથા અનુસાર મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ ઉત્તરાયણ દરમિયાન મૃત્યુ પામે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે.

image socure

એક ધાર્મિક કથા એવી પણ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો વધ કર્યો હતો. તેથી આ દિવસને નકારાત્મકતાના અંતના દિવસ તરીકે પણ ઓળખમાં આવે છે. અન્ય એક ધાર્મિક કથા એવી પણ છે કે જ્યારે માતા યશોદાએ કૃષ્ણના જન્મ માટે ઉપવાસ કર્યો હતો, ત્યારે ઉત્તરાયણ કાળ પસાર થઈ રહ્યો હતો. ત્યારથી મકરસંક્રાંતિના ઉપવાસની પ્રથા શરૂ થઈ. આ વિવિધ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી વર્ષોથી 14 અથવા તો 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે.

જો કે ઉત્તરાયણ સાથે જેમ અલગ અલગ ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે તેવી જ રીતે આ તહેવાર ઉજવવાની પ્રથા પણ દરેક રાજ્યમાં અલગ અલગ છે. ચાલો હવે નજર કરીએ વિવિધ પ્રાંતમાં ઉજવાતી મકરસંક્રાંતિ પર.

ભારતના દક્ષિણમાં આવેલા રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટકમાં આ તહેવારને માત્ર સંક્રાતિ કહેવામાં આવે છે. જ્યારે તમિલનાડુમાં આ તહેવારને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આ સિવાય વાત કરીએ પંજાબ અને હરિયાણાની તો અહીં આ તહેવારને લોહરી તરીકે ઉજવવામાં આવે છે.

image source

ભારતના આસામ રાજ્યમાં આ તહેવારને બિહૂ તરીકે ઉજવવામાં આવે છે. જેવી રીતે આ તહેવાર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે તેમ દરેક રાજ્યમાં આ તહેવાર પર અલગ અલગ અને ખાસ પકવાન પણ બને છે જેનું પણ આગવું મહત્વ હોય છે.

આ દિવસે દરેક જગ્યાએ મીઠા પકવાન બને છે. પરંતુ ભારતના ઉત્તરના રાજ્યોમાં ખીચડી બને છે. અહીં તેમાં ગોળ તેમજ ઘી નાખીને ખાવાનું વિશેષ મહત્વ મનાવામા આવે છે.

આ સિવાય આ તહેવાર પર દરેક જગ્યાએ તલની વિવિધ વાનગીઓ બને છે. ગુજરાતમાં તો તલ, મમરાના લાડૂ, ચીક્કી ખાવાનું વિશેષ મહત્વ છે. બિહાર, ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળમાં દહીં તેમજ તલથી વાનગી બનાવવામાં આવે છે.

image soucre

જો કે આ તહેવાર દેશમાં કોઈપણ નામથી ઉજવાય, ત્યાં પકવાન અલગ અલગ બને પરંતુ એક વાત દરેક જગ્યાએ સમાન છે જે છે દાન-પુણ્યની. જી હાં આ દિવસે નદીમાં સ્નાન અને જરૂરીયાતમંદને દાન કરવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે કરેલું પુણ્યકાર્ય 100 ગણું અધિક ફળ આપે છે. આ દિવસે સવારે સૂર્યોદય થાય તે પહેલા જાગી જવું અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ જવું. ત્યારબાદ જ્યારે સૂર્યોદય થાય ત્યારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરી તેમની પૂજા કરવી. ત્યારબાદ ઘી, તલ, ખીચડી જેવી વસ્તુ સહિત યથાશક્તિ અન્ય વસ્તુનું દાન કરવું જોઈએ. આ દિવસે ગાયને લીલો ચારો નાખવાનો પણ રીવાજ છે.