ધૈર્યરાજસિંહને બચાવવા માટે લોકોએ કરી અનેક મદદ, તો પિતાએ લોકોનું ઋણ ચૂકવવા કહ્યું કે…પૂરું વાક્ય વાંચીને તમારી આંખમાં પણ આસું આવી જશે

ગુજરાતીઓનો આભાર: ધૈર્યરાજસિંહના પિતાની સાથે ખાસ વાતચીત કહ્યુ, ‘હવે હું બીજાને મદદ કરીને ઋણ ચૂકવવા માગું છું’

જ્વલ્લેજ જોવા મળતી બીમારીથી પીડાતા ગુજરાતી બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર આડેનું વધુ એક વિઘ્ન મંગળવારે દૂર થયું. કેન્દ્ર સરકારે તેની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન ઉપરની ઇમ્પૉર્ટ ડ્યૂટી માફ કરી છે. કેન્દ્ર સરકારમાં બંદર અને વહાણવટા પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને ડ્યૂટીમાફી વિશે માહિતી આપી હતી. ધૈર્યરાજસિંહના ઇન્જેકશન માટે જરૂરી ભંડોળ એકઠું કરવા ગુજરાતમાં સ્વયંભૂ લોકઅભિયાન ચાલ્યું હતું, જેના કારણે જરૂરી એવી રૂ. 16 કરોડથી વધુની રકમ એકઠી થઈ હતી. જોકે સારવાર અને સંપૂર્ણ સાજા થવામાં અમુક તબક્કા પસાર થવાના છે અને રાઠોડ પરિવારને આશા છે કે આ દિશામાં જલદી પ્રગતિ થશે.

image source

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે નેશનલ રૅર ડિસીઝ પૉલિસીની જાહેરાત કરી છે, જેમાં જ્વલ્લેજ થતી બીમારી અને તેની સારવાર કેવી રીતે કરવી તથા તે દિશામાં શું કરવું તેના વિશેની રૂપરેખા રજૂ કરવામાં આવી છે. જાણકારો આ નીતિને આવકારે છે, પરંતુ હજુ આ દિશામાં ઘણું કરવાની જરૂર હોવાની વાત કહે છે.

image source

મંગળવારે કેન્દ્ર સરકારમાં બંદર અને વહાણવટા ખાતાનો સ્વતંત્ર પ્રભાર ધરાવતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું: “કુમાર ધૈર્યરાજસિંહના ઇલાજને સફળ બનાવવા ભારત સરકાર દ્વારા રૂ. છ કરોડની આયાતડ્યૂટી માફ કરવામાં આવી છે. કુમાર ધૈર્યરાજસિંહને ઉત્તમ સારવાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ તથા મારી ભલામણ સ્વીકારવા બદલ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીનો ખૂબખૂબ આભાર.” આ ટ્વીટ મહીસાગર જિલ્લાના કાનેસર ગામના વતની રાજદીપસિંહ રાઠોડ માટે રાહતના સમાચાર લઈને આવ્યું.

રાજદીપસિંહના કહેવા પ્રમાણે : “અમે એક-બે દિવસમાં મુંબઈ જવા રવાના થઈશું. ત્યાં હિંદુજા હૉસ્પિટલમાં ધૈર્યરાજસિંહના લોહીના નમૂના લેવામાં આવશે, જેને નેધરલૅન્ડ મોકલવામાં આવશે. એ પછી કંપની ડોઝ તૈયાર કરીને મોકલશે.” રૂ. 16 કરોડના ઇન્જેકશન ઉપર લગભગ પાંચથી છ કરોડ રૂપિયાની આયાતજકાત લાગી હોત, જેને માફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ડ્યૂટીમાફી અંગેનો ઔપચારિક પત્ર કે નોટિફિકેશન હજુ સુધી રાજદીપસિંહને મળ્યાં નથી, પરંતુ તેઓ આશાસ્પદ છે કે ‘બહુ જલદી’ આ ઔપચારિકતા પણ પૂર્ણ થઈ જશે.

પીડિયાટ્રિક ન્યૂરૉલૉજિસ્ટ ડૉ. ઍન ઍન્જિગ મૅથ્યૂના કહેવા પ્રમાણે, “ચેતાતંત્ર તથા ચેતાકોષો દ્વારા મગજના સિગ્નલ સ્નાયુઓ સુધી પહોંચે છે. આ સિગ્નલ મોકલવા માટે જે પ્રોટિનની જરૂર પડે છે, તેનું જનની કોડિંગ થયેલું હોય છે.” “દરેક વ્યક્તિમાં તે માતા-પિતાના જનીનોમાંથી ઊતરી આવે છે. જો માતા-પિતાના જનીનમાં ઊણપ હોય તો જ બાળકને આ બીમારી થાય છે.

image source

સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ નીવડી શકે છે.” “ચેતાકોષોમાં ખામીને કારણે થતા આ રોગને SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રૉફી) તરીકે ઓળખવામાં આવે છે.” આ બીમારીને કારણે બાળકની ડોક સીધી નથી રહેતી. તે બરાબર બેસી નથી શકતું અને પ્રવાહી લેવામાં મુશ્કેલી પડે છે. આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તો બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.

રાજદીપસિંહ રાઠોડના કહેવા પ્રમાણે, “ધૈર્યરાજની સ્થિતિ પ્રમાણમાં સારી છે. તે રાહતની વાત છે. અમે ઇચ્છીએ છીએ કે વહેલામાં વહેલી તકે તેને ઇન્જેકશન મળી જાય.” કંપનીને પૅમેન્ટ મળ્યેથી ડોઝ વિશેષ કુરિયર-વ્યવસ્થા દ્વારા ભારત રવાના કરવામાં આવશે. જે મુંબઈ ઍરપૉર્ટથી સીધો જ હિંદુજા હૉસ્પિટલ પહોંચશે અને ધૈર્યરાજસિંહને આપવામાં આવશે. આ પછી થૅરપી તેની અસર દેખાડવાની શરૂ કરશે આ દરમિયાન વિશેષ ફિઝિયોથૅરપી આપવાની રહેશે. લગભગ એકાદ વર્ષમાં ધૈર્યરાજસિંહ સંપૂર્ણ સાજા થઈ જશે તથા અન્ય કોઈ બાળકની જેમ જ બાળપણ પસાર કરી શકશે, એવી પરિવારને આશા છે.

image source

આ ડોઝને ઉત્પાદન થાય તેના એક પખવાડિયામાં વાપરી લેવો પડે છે નહીંતર તે નકામો થઈ જાય છે એટલે તેના પરિવહનની સુનિશ્ચિત અને સુદૃઢ વ્યવસ્થા હોય તે જરૂરી બની જાય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં પણ SMA પીડિત બાળકોના કિસ્સા નોંધાયા હતા. તબીબીજગતના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ થૅરપીમાં એક વખત જ ઇન્જેક્શન આપવાનું હોય છે અને આ સારવાર લગભગ એક કલાક ચાલે છે.

આ થૅરપીને કારણે બાળકોના સ્નાયુયંત્રને હાનિ પહોંચાડતી આ બીમારીની સારવારની દિશામાં નવા દરવાજા ખૂલ્યા છે. સ્વિટ્ઝર્લૅન્ડની ડ્રગનિર્માતા કંપની નૉવારટિસ દ્વારા દર પખવાડિયે વિશ્વભરના SMAથી પીડિત બાળકો માટે લૉટરીપદ્ધતિથી રહેમરાહે આ ઇન્જેકશન આપે છે. તાજેતરમાં કર્ણાટકના એક બાળકને આ રીતે સારવારમાં સહાય મળી હતી. લગભગ દોઢેક માસ અગાઉ ધૈર્યરાજસિંહની સારવાર માટે નાણાં એકઠાં કરવા પિતા રાજદીપસિંહે સોશિયલ મીડિયા ઉપર #save Dhairyaraj Singh અભિયાન હાથ ધર્યું હતું. જે જોતજોતામાં રાજ્ય અને રાષ્ટ્રવ્યાપી બની ગયું હતું. દેશવિદેશમાં સહાયની સરવાણી ફૂટી નીકળી હતી અને 30-35 દિવસમાં ક્રાઉડ ફંડિંગથી આ રકમ એકઠી થઈ ગઈ હતી.

image source

ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહના કહેવા પ્રમાણે, “જ્યારે અમે આ અભિયાન શરૂ કર્યું, ત્યારે આ કામ મુશ્કેલ જણાતું હતું, પરંતુ જનતાના સહયોગ અને સહાયને કારણે અમે આટલી મોટી રકમ એકઠી કરી શક્યા છીએ.” રાજદીપસિંહ SMA પીડિત બાળકોના પરિવારજનોના ગ્રૂપમાં સભ્ય છે અને આ બીમારીથી પીડાતા અન્ય બાળકોને પણ મદદ કરવા ચાહે છે અને પરિવારજનોને શક્ય તમામ જાણકારી અને માહિતી આપવા તત્પર છે. તેઓ કહે છે કે ‘આ મુદ્દે બીજાને મદદ કરીને ઋણ ચૂકવવું છે.’ આ પહેલાં રાજદીપસિંહે જાહેરાત કરી હતી કે સારવાર બાદ એકઠી થયેલી રકમમાંથી જે નાણાં વધશે, તે ધૈર્યરાજ જેવી બીમારી ધરાવતા બાળકની સારવાર માટે માટે આપી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!