દિવાળી પર્વમાં શું છે, કાળી ચૌદશનું મહત્વ જાણો…

કાળી ચૌદશ એટલે દિવાળી ની આગલી રાત. ધનતેરસ પછીના દિવસ ને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, આ દિવસે ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કંકાશ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતારો કાઢે છે.

image soucre

હનુમાન મંદિરે હનુમાનજી ને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ વૃદ્ધો નું માનવું હતું (પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે, અને ખાસ કરીને બાળકોને મેંશ ન આંજવી તેવી સલાહ આપે છે).

કાળી ચૌદશ નું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશ ને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ એ નરકાસુર નામનાં અસુર નો વધ કરીને પ્રજા જનો ને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા, જેથી કરી ને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

image source

મા દુર્ગાનાં બે સ્વરૂપો છે એક સૌમ્ય, ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર. મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદસ ના દિવસે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતા નું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવો ને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કંકાશ દૂર કરવાની વિધિ કરે છે. જેનાથી પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી રહ્યો હોય તે દૂર થાય છે, અને કુટુંબમાં શાંતિ જળવાય છે. કેટલાંક લોકો જૂનાં માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે.

આ કામ કરવાથી બચો

કાળી ચૌદશના દિવસે કેટલાક કામો કરવાથી બચવું જોઈએ, નહીં તો આખું વર્ષ ઘરમાં ગરીબી નો વાસ રહે છે. નરક ચતુર્દશી ના દિવસે જે લોકોના પિતા જીવતા હોય તેમણે ભૂલેચૂકે યમદેવ ને તલ તર્પણ ન કરવા. આનું કારણ એ છે કે તર્પણ વિધી વખતે પિંડમાં તલ નો ઉપયોગ થાય છે. આથી આજનાં દિવસે આમ કરવાથી પરિવાર પર સંકટ ઊભું થઈ શકે છે.

image soucre

કાળી ચૌદશ ના દિવસે કોઈ પણ જીવ ની હત્યા કરવી જોઈએ નહીં. કારણ કે આ દિવસે યમરાજની પૂજા થાય છે, આથી જીવ હત્યાથી પાપ લાગે. આજના દિવસે અન્ન નું પણ અપમાન ન કરવું. અન્નનું અપમાન કરવાથી હંમેશા અન્ન માટે તરસતા રહેવું પડશે. કાળી ચૌદસ નાં દિવસે તેલનું દાન ન કરવું. આમ કરવાથી ઘરમાં લક્ષ્મી ટકતી નથી. કાળી ચૌદસનાં દિવસે ક્યારેય મોડા સૂઈ ને ઉઠવું નહીં. આમ કરવાથી ભાગ્ય હંમેશા માટે સૂતું રહે છે. કાળી ચૌદસનાં દિવસે ઝઘડો કરવો જોઈએ નહીં. આ કરવાથી હંમેશા નકારાત્મકતાનું વાતાવરણ રહે છે.