Site icon News Gujarat

શ્વાનની કેન્સરની સારવાર માટે શિક્ષિકા તરીકેની નોકરી પણ છોડી દીધી મહિલાએ

આપણી આસપાસ એવા ઘણા લોકો જોવા મળે છે જે પોતાના ઘરે શ્વાન પાળતા હોય છે. આવા શ્વાનપ્રેમીઓ શ્વાનને પોતાના સંતાનની જેમ સાચવે છે અને તેનું જનત પણ કરે છે. શ્વાન માટે ખાસ ખોરાક, તેનું સમયાંતરે થતું રસીકરણ, બહાર જવાનું થાય તો તેને સાથે લઈ જવા અને જો તે બીમાર પડે તો તેની સારવાર સહિતની વાતોની તકેદારી શ્વાન પ્રેમીઓ દ્વારા સારી રીતે રાખવામાં આવે છે.

image source

દિવસ રાત ઘરમાં પરિવારના સભ્યની જેમ રહેતા શ્વાન પરિવારના સભ્ય જેટલા જ પ્રિય થઈ જાય છે. અને જો આટલા પ્રેમ વચ્ચે શ્વાનને જીવલેણ બીમારી થઈ જાય તો ? સ્વાભાવિક છે કે વ્યક્તિને ચિંતા થઈ જાય. આવા જ એક શ્વાનપ્રેમી છે આહૂતિ યાદવ. તેમણે પોતાના પ્રિય શ્વાનની બીમારી દૂર થાય તે માટે આંકરી માનતા રાખી હતી. તો ચાલો જાણીએ આ શ્વાન અને માલિકની જોડી વિશે વિગતવાર.

વડોદરાના નિવાસી આહૂતિ યાદવે ડેઝી નામની માદા પેટને રાખી છે. વર્ષોથી તેની સાથે રહેતી ડેઝી આહૂતિના હૃદયની ખૂબ જ નજીક છે. આ વાત એક વર્ષ પહેલાની છે જ્યારે આહૂતિએ જોયું કે તેની ડેઝીના પગમાં તકલીફ થઈ છે. થોડા દિવસોમાં ડેઝીના એક પગમાં સડો થવા લાગ્યો. આ વાતથી આહૂતિ ચિંતામાં મુકાઈ ગઈ અને તે ડેઝીને લઈ વડોદરાના પશુ ચિકિત્સકો પાસે પહોંચી. તેની દવા, ડ્રેસીંગ સહિતની ટ્રીટમેન્ટ થઈ પરંતુ ડેઝીને કોઈ ખાસ ફરક પડ્યો નહીં.

image source

ત્યારબાદ આહૂતિ ડેઝીને અન્ય એક વેટરનિટી હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ત્યાં પણ ડેઝી માટે જરૂરી સારવારનો અભાવ હતો તેથી તે તેને આણંદની વેટરનરી હોસ્પિટલમાં લઈ ગઈ. અહીં ડેઝીની તપાસ થઈ અને જાણવા મળ્યું કે તેને કેન્સર થયું છે. ત્યારબાદ આણંદની સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગના હેડ અને તેની ટીમે ડેઝીનો કેસ હાથમાં લીધો. ત્યારબાદ જાણવા મળ્યું કે ડેઝીની સારવાર લાંબો સમય ચાલશે અને તેને રોજ હોસ્પિટલ લઈ જવી પડશે. જેના માટે આહૂતિએ પોતાની શિક્ષિકા તરીકેની નોકરી પણ છોડી દીધી અને સમગ્ર સમય તેની સારવારમાં આપવા લાગી. આણંદની હોસ્પિટલમાં ડેઝીના એક પછી એક બે ઓપરેશન કરવામાં આવ્યા.

image source

પગની બે સર્જરી બાદ પણ તેની સારવાર ત્યાં જ કરવામાં આવી અને તકેદારી સાથે ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ. હવે એકવર્ષ બાદ ડેઝી કેન્સરમુક્ત થઈ છે. ત્યારે આહૂતિએ તેની માનતા પૂર્ણ કરી છે. જી હાં જ્યારે ડેઝીની સર્જરીની વાત આવી ત્યારે આહૂતિએ માનતા લીધી હતી કે ડેઝી સ્વસ્થ થઈ જશે તો તે પગપાળા પાવાગઢ દર્શન કરવા જશે. કારણ કે ડેઝીને નવુંજીવન મળશે તેવી સંભાવના ઓછી હતી. પરંતુ આહૂતિનો પ્રેમ અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાના કારણે એક વર્ષમાં જ ડેઝી કેન્સરમુક્ત થઈ અને આહૂતિએ પગપાળા પાવાગઢ દર્શન કરી તેની માનતા પૂરી કરી હતી. હવે આહૂતિ ક્લાસિસ ચલાવે છે અને ડેઝીનું ધ્યાન રાખે છે.

Exit mobile version