આજે છે ડોક્ટર્સ દિવસ, જાણો શા માટે 1 જુલાઇએ આ દિવસ મનાવવામાં આવે છે
બિલેટિડ ‘હેપ્પી ડોક્ટર્સ ડે – ડો. બિધાન ચંદ્ર રોય

દર વર્ષે ભારતમાં ‘૧ જુલાઇ’ એ ‘રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ’ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ ધામધુમથી મનાવવામાં આવ્યો. મારું ‘ગાયનેક ક્લીનીક’ બાડમેર-રાજસ્થાનમાં છે. ૨૯ જુન ૨૦૧૬ ના રોજ જેસલમેરમાં બનેલી એક ઘટનાના કારણે અહીંની ‘સરકાર’ દ્વારા બે દિવસ માટે ‘ઇન્ટરનેટ’ બંધ કરવામાં આવ્યું હતું. માટે ‘ડોક્ટર્સ ડે’ – ૧ જુલાઇ ૨૦૧૬ ના દિવસે મારો ‘વોટ્સએપ ઉપવાસ’ અને ‘ફેસબુક ઉપવાસ’ હતો. જેવું ૨ જુલાઇ એ મારું ‘ઇન્ટરનેટ’ શરૂ થયું કે વોટ્સએપ અને ફેસબુક પર ‘હેપ્પી ડોક્ટર્સ ડે’ ના મેસેજનો ધોધ શરૂ થયો.

ફેસબુક પર જોવા મળ્યું કે અનેક મિત્રો દ્વારા ‘ડોક્ટર્સ ડે’ની ‘કેક’ કે કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. એના અનેક ફોટોગ્રાફ જોવા મળ્યા. અમુક મિત્રોનો સમગ્ર હોસ્પીટલ સ્ટાફ ઉજવણી કરતા જોવા મળ્યો, તો અમુક શહેરોમાં અધિકારીઓ, કલેકટર કે નેતાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમથી એની ઉજવણી થતી પણ જોવા મળી. ફેસબુક અને વોટ્સએપ પર ડોક્ટર્સને રિસ્પેક્ટ આપો, એ વર્ષો સુધી ભણે છે, દિવસ-રાત ઉજાગરા કરે છે, લોકોની સેવા કરે છે એવા પણ ફોરવર્ડેડ મેસેજ મળ્યા. એક ડોક્ટર હોવાથી ગર્વ પણ થાય કે ‘ડોક્ટર દિવસ’ની આવી ઉજવણી પણ કરવામાં આવે છે.

પણ મને ક્યાંય ડો.બી.સી.રોય કે ડો.બિધાન ચંદ્ર રોય નામ જ વાંચવા ન મળ્યું એટલે લાગ્યું કે મોટાભાગના ડોક્ટર મિત્રો આ નામ ભુલી ગયા છે અથવા તો આ નામ સાંભળેલું કે વાંચેલુ જ નથી. અને એટલે જ આ લેખ લખવાની મને જરૂર લાગી. આમ તો ડોક્ટર કે એન્જિનીયર – સાયન્સ સ્ટુડન્ટ કોઇ વાત સ્વિકારવા માટે કારણ કે સાબિતીની અપેક્ષા રાખે છે. પણ આ ઉજવણી હવે એક ‘હેપ્પી ડોક્ટર્સ ડે’ ની કેક બનાવડાવીને એ કેક ખાવા પુરતી સિમીત થવા લાગી છે. એક ડોક્ટર કોઇ દવા કે ઇન્જેક્શન લખતા પહેલા પણ વિચારે છે કે તે ક્યા કારણોસર એ લખી રહ્યો છે. તો આવી ભવ્ય ઉજવણી કરતા પહેલા આપણે પણ થોડું જાણીએ કે કેમ ? શા માટે ? કોના કારણે ? આવી ઉજવણી આપણે કરી ?

ડોક્ટર મિત્રોને જો પ્રશ્ન પુછવામાં આવે કે ‘ભારત રત્ન’ કોને કોને મળ્યો છે ? તો સચીન તેંડુલકર, લતા મંગેશકર, અબ્દુલ કલામ, સરદાર પટેલ, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, ડો. બાબાસાહેબ આંબેડકર, અટલ બિહારી વાજપેયી આ બધા નામ આવડે પણ ડો. બી.સી.રોય ખુબ જ ઓછા મિત્રો જાણતા હશે. ‘ભારત રત્ન’ એવોર્ડ આપવાની શરૂઆત ૧૯૫૪ થી થઇ, ત્યારથી અત્યાર સુધી ‘માત્ર ૪૫’ જ એવી હસ્તીઓ છે જેને આ સન્માન મળ્યું છે
એ ૪૫ માં એવા ખુબ જ ઓછા છે કે જેમને એમના જીવનકાળ દરમિયાન જ આ સન્માન મળ્યું હોય, એમાંના ‘એકમાત્ર ડોક્ટર’ એટલે ‘ડો.બી.સી.રોય’ – ડો.બિધાન ચંદ્ર રોય. (ભલે એ વાત અલગ છે કે એમને ભારત રત્નનું સન્માન માત્ર ડોક્ટર હતા એટલે નથી મળ્યું.) મિત્રો, આપણા માટે યાદ રાખવા જેવું નામ છે ‘ડો.બિધાન ચંદ્ર રોય’ કે જેના સન્માનમાં ૧ જુલાઇ ને ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે’ જાહેર કરવામાં આવ્યો છે.

ડો.બિધાનચંદ્ર રોય ની જન્મતિથી – ૧ જુલાઇ ૧૮૮૨ અને મરણતિથી – ૧ જુલાઇ ૧૯૬૨. ૮૦ વર્ષની ઉંમરે તેઓનું દેહાંત થયું, અને એ પણ એમના જન્મદિવસે જ અને એટલે જ ૧ જુલાઇ આપણો ‘ડોક્ટર્સ ડે’ બન્યો. ‘પશ્ચિમ બંગાળ’ એમની મુખ્ય કર્મભુમિ હતી.
ભારત દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતો, ત્યારે કલકત્તા મેડીકલ કોલેજમાંથી ડોક્ટરની ડિગ્રી મેળવીને તેઓએ એ સમયમાં ઈંગ્લેન્ડમાં MRCP (Member of the Royal College of Physicians) અને FRCS (Fellow of the Royal College of Surgeons) ની ડીગ્રી માટે માટે અરજીઓ કરી, ઇ.સ. ૧૯૦૯ માં એક એશિયન કે ભારતીય, ઈંગ્લેન્ડની ડોક્ટરો માટેની ખુબ જ પ્રતિષ્ઠીત એવી આ બંને ડિગ્રીઓ માટે અરજી કરે તો સ્વાભાવિક પણે એમાં પ્રવેશ ના મળે, ડો.બિધાન ચંદ્રએ એના માટે ૩૦ વાર અરજીઓ કરી હતી ત્યારબાદ એના માટે તેઓ ઈંગ્લેન્ડ ગયા અને માત્ર બે વર્ષ અને ત્રણ મહિનામાં જ આ બંને ડીગ્રી એમને મેળવી લીધી. આટલા ઓછા સમયમાં એ બંને ડિગ્રી મેળવવી એ પણ એક રેકોર્ડ છે.

ઇ.સ. ૧૯૧૧ માં તેઓ ભારતમાં આવીને કલકત્તા મેડીકલ કોલેજમાં પ્રોફેસર બન્યા. ઘણી બધી હોસ્પિટલ અને મેડીકલ એજ્યુકેશન માટે તેઓ આર્થિક સહાય પણ કરતા, ૧૯૨૮માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં તેઓ આવ્યા. કલકત્તા મેડીકલ કોલેજમાં ‘પોસ્ટ ગ્રેજ્યુએશન’ સ્ટાર્ટ કરવાનો શ્રેય પણ એમને જાય છે. એ સિવાય IMA (Indian Medical Association) કે જેની સ્થાપના ૧૯૨૮માં થઇ એની પાછળ પણ આ ડોક્ટરનું મોટું યોગદાન હતું. અત્યારે IMA વિશ્વનું સૌથી મોટું ડોક્ટરોનું સંગઠન છે. અઢી લાખથી વધુ ડોક્ટરો એના સભ્ય છે.

(અમેરીકા કરતા પણ આપણે આમાં આગળ છીએ- માત્ર સભ્ય સંખ્યામાં) આ IMA ની જર્નલ ૧૯૩૦માં શરૂ થયેલી, Journal of the Indian Medical Association(JIMA) ના ફાઉન્ડર ડોક્ટરોની ટીમમાંના એક ડો.બિધાન ચંદ્ર હતા. એ જર્નલ ૧૯૩૦માં શરૂ થઇ ત્યારે માત્ર ૧૨૨ ડોક્ટરો એમાં સભ્ય હતા. ત્યારે એ જર્નલની કામગિરી માટેની ઓફિસ પણ કલકત્તામાં રાખવામાં આવેલી. આઝાદી પછી એ ઓફિસ દિલ્લીમાં ગઇ. ૨૦૧૪ માં એ જર્નલની કામગિરી પ્રાઇવેટ કંપનીને સોંપવાના IMA ના નિર્ણય પર કોર્ટ કેસ પણ થયેલો અને દેશનું ડોક્ટરોનું પ્રતિષ્ઠીત મેગેઝીન – JIMA વિવાદમાં આવેલું.
ડો. બિધાન ચંદ્ર અને અન્ય ડોક્ટરોએ ચાલુ કરેલી JIMA – ડોક્ટરો માટેનું માસિક મેગેઝીન, અંદાજીત બે લાખ કોપી સાથે પ્રકાશીત થાય છે. એ મેગેઝીનમાં માત્ર એક પાનાની જાહેરખબર આપવાનો ભાવ અત્યારે ૧ લાખ થી લઇને અઢી લાખ રૂપિયા છે. હવે ટોપીક ડાયવર્ટ થઇ જાય, એ પહેલા આપણે ડો.બિધાન ચંદ્ર ના જીવન પર પાછા આવીએ.

ડો.બિધાન ચંદ્રનું આઝાદીની લડતમાં પણ ઘણું યોગદાન હતું. આઝાદીની લડતનો ‘પ્રતિષ્ઠીત જેલવાસ’ નો લાભ પણ એમને મળેલો. ૧૯૪૨ ના ‘ભારત છોડો’ આંદોલનમાં ગાંધીજી જ્યારે ભુખ હડતાલ પર હતા ત્યારે એમની તપાસ માટે ડો.બી.સી.રોય ગયેલા અને ગાંધીજીને વિદેશી દવા લેવા માટે સમજાવેલા, અને ત્યાંથી જ એમની મિત્રતા ગાંધીજી-બાપુ સાથે થયેલી. એ જ વર્ષમાં તેઓ કલકત્તા યુનિવર્સીટીમાં વાઇસ ચૈન્સલર બન્યા. ૧૯૪૨ માં કલકત્તા બીજા વિશ્વ યુધ્ધની અસર હેઠળ હતું (દિબાકર બેનર્જી ની ફિલ્મ – ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષીમાં ૧૯૪૨ નું કલકત્તા બતાવવામાં આવેલું) ત્યારે તેઓ વિદ્યાર્થીઓ માટે ક્લાસ ચલાવતા. ભારતના વિદ્યાર્થીઓ ‘એજ્યુકેશન’ મેળવે અને દેશની સેવા કરે એ એમની વિચારધારા હતી. ઉપવાસ કે ભુખ હડતાલવાળી દેશ ભક્તિ એમને બહુ ફાવતી નહી. ૧૯૪૪ માં ‘ડોક્ટરેટ’ ની ડીગ્રી પણ એમને મળેલી. મેડીકલ એજ્યુકેશનને આપણા દેશમાં આગળ લાવવામાં એમના ઘણા પ્રયત્નો હતા.

ભારતની આઝાદી બાદ કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે ડો.બીધાન ચંદ્ર રોય, ૨૩ જાન્યુઆરી ૧૯૪૮ એ પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી બન્યા. અને ત્યારબાદ એમને એ મુખ્યમંત્રીની ખુરશીમાંથી કોઇ હટાવી ન શક્યું. ૧ જુલાઇ ૧૯૬૨ એ એમનું દેહાંત થયું ત્યારે પણ તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. સતત ‘૧૪ વર્ષ અને ૧૫૮ દિવસ – ત્રણ ટર્મ’ સુધી આ ડોક્ટર – પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા, એનાથી જ પુરવાર થાય કે ત્યારે બંગાળમાં એમની લોકપ્રિયતા કેવી હશે.
મુખ્યમંત્રી બન્યા પછી પણ તેઓ દરરોજ ‘એક કલાક’ દર્દી તપાસતા ફેબ્રુઆરી ૧૯૬૧ માં ડો. બિધાન ચંદ્રને ભારત સરકાર દ્વારા ‘ભારત રત્નનો’ ખિતાબ મળ્યો. દેશભરમાં અનેક મેડીકલ કોલેજ અને ચેરિટેબલ હોસ્પિટલ શરૂ કરાવવામાં એમનું યોગદાન હતું. દેશના ઘણા બધા સરકારી હેલ્થ પ્રોગામ એમના દ્વારા શરૂ કરવામાં આવેલા. પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક વિકાસ માટે પણ એમણે ઘણી મહેનત કરેલી.
આ ‘ડોક્ટર-ફિઝીશીયન + સમાજ સેવક + રાજનેતા’ લગ્નજીવનના બંધનમાં બંધાયા નહોતા. ‘અનમેરીડ’ ડો.બિધાન ચંદ્રએ એમનું મકાન દાનમાં આપ્યું હતું. અને એમાં ગરીબ દર્દીઓ માટે ‘નર્સીંગ હોમ’ શરૂ કરાવેલું. ૧ જુલાઇ ૧૯૬૨ – એમના ‘મૃત્યુદિન’ (એંસી વર્ષની ઉંમર) એ પણ એમણે દર્દીઓની તપાસ કરેલી.
એમના મૃત્યુ બાદ ભારત સરકાર દ્વારા દિલ્લીમાં ‘ડો. બી.સી.રોય મેમોરીયલ લાયબ્રેરી’ શરૂ કરવામાં આવી. એમના ફોટાવાળી ટપાલ ટિકીટ પણ સરકારે બહાર પાડેલી.

ઇ.સ. ૧૯૭૬ થી ભારત સરકાર તથા મેડીકલ કાઉંન્સિલ દ્વારા આપણ દેશના ડોક્ટરોને ‘ડો.બી.સી.રોય એવોર્ડ’ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ડોક્ટરોને આપવામાં આવતો આ એકમાત્ર એવોર્ડ છે. ‘ડોક્ટર્સ ડે’ના દિવસે જ રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. અલગ-અલગ પાંચ કેટેગીરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. દેશના આ એકમાત્ર ડોક્ટરોને અપાતા સર્વોત્તમ સન્માનની રકમ – એક લાખ રૂપિયા છે. આ વર્ષે Dr. A.K. Kriplani ને આ એવોર્ડ મળ્યો છે. (Dr.A.K. Kriplani ભારતના સૌથી પહેલા સર્જન ડોક્ટર છે કે જેમણે ‘Laparoscopic Adrenalectomy’ કર્યું હતું.)

એ સિવાય ‘ડો.બી.સી.રોય નેશનલ એવોર્ડ’ પણ ડોક્ટરોને આપવામાં આવે છે. રિસર્ચ કરવા માટે પણ એમના નામથી સ્કોલરશીપ આપવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં દુર્ગાપુર – પશ્ચિમ બંગાળમાં એમના નામે એક પ્રાઇવેટ એન્જિનીયરીંગ કોલેજ, “ડો.બી.સી.રોય એન્જિનીયરીંગ કોલેજ” પણ શરૂ કરવામાં આવી. (ડોક્ટરના નામથી એન્જિનીયરીંગ કોલેજ) જેની ગણના આજે પશ્ચિમ-બંગાળની એક નામાંકિત કોલેજમાં થાય છે. ત્યાંજ એજ નામથી એક ફાર્મસી કોલેજ પણ હવે અસ્તિત્વમાં આવી ગઇ છે. આઇ.આઇ.ટી. ખડગપુરના કેમ્પસમાં પણ ડો. બિધાન ચંદ્ર રોયના નામથી એક હોલ –હોસ્ટેલ છે. એ બધાથી વિશેષ પશ્ચિમ બંગાળમાં આ મહાન ડોક્ટરના નામે એક શહેર પણ છે

‘બિધાનનગર’ –બે લાખથી વધુ વસ્તી ધરાવતું આ શહેર ભારતના પ્લાન્ડ સેટેલાઇટ સિટીમાંનુ એક છે. કલકત્તાની વધતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને આવું સિટી બનાવવાનો આઇડીયા પણ ડો.બિધાન ચંદ્ર રોયનો હતો અને એટલે જ અત્યારે એનું નામ ‘બિધાનનગર’ રાખવામાં આવ્યું છે. અત્યારે આ શહેર આઇ.ટી. કંપની, કોલેજ અને અન્ય ઔદ્યોગિક વસાહતો માટે ફેમશ છે.
ભારત દેશમાં ડો. બિધાન ચંદ્ર રોય – આ મહાન ડોક્ટરનું ઘણું યોગદાન છે. દેશના ઇતિહાસમાં એમનું નામ રહેશે જ, ભલે આપણે ભુલી જઇએ. ખાસ તો કલકત્તા શહેર અને પશ્ચિમ બંગાળ રાજ્ય તો એમને ભુલવાનું નથી જ.

ભારત દેશમાં તેઓ ભારતરત્નથી સન્માનિત હસ્તીઓ, પશ્ચિમ-બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી, પશ્ચિમ-બંગાળના ૧૪ વર્ષ સુધી રહેલા મુખ્યમંત્રી, સમાજસેવક, આઝાદીની લડતના એક દેશભક્ત, કોંગ્રેસ પાર્ટીના એક સક્ષમ નેતા, શિક્ષણશાસ્ત્રી, આધુનીક બંગાળના શિલ્પી જેવા અનેક કાર્યોથી ઓળખાય છે. પણ આપણે એમને એક ડોક્ટર – એક સેવાભાવી ફિઝીશીયન તરીકે વર્ષમાં એકવાર ‘૧ જુલાઇ’એ ‘ડોકટર્સ ડે સેલિબ્રેશનમાં યાદ કરીને શ્રધ્ધાજંલી આપવી જોઇએ.
– ડો.પાર્થ ગોલ
(ગાયનેકોલોજીસ્ટ)
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત