ફરાળી પિનટ બરફી – આ રેસિપિ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, ખૂબજ ટેસ્ટી બનશે. શિંગપાક કરતા અલગ જ ટેસ્ટ આવશે.

ફરાળી પિનટ બરફી 

પિનટ – શિંગદાણા બધા માટે ખૂબ જાણીતા છે. બધાએ તેનો ટેસ્ટ કર્યો જ હશે. તે ખૂબજ પૌષ્ટિક હોવાને કારણે શિયાળા દરમ્યાન વધારે ખાવાતા હોય છે. તેમાથી ઘણી સ્વીટ અને ચટપટી વાનગીઓ બનતી હોય છે. ચીકી, શિંગપાક, શિંગ કતરી તેમજ મસાલા શિંગ, ખારી શિંગ વગેરે તમાંથી બનાવી શકાય છે. જે બધા લોકોને ખૂબજ ભાવતી હોય છે. મસાલા શિંગને ઘણી ચટપટી વાનગીઓમાં ઉમેરીને વાનગીઓને વધારે સ્વાદીષ્ટ બનાવવામાં આવતી હોય છે. ખારીશિંગ આખા વર્ષ દરમ્યાન બજારમાં મળતી હોય છે. જે લોકોની ખૂબજ ફેવરીટ છે.

પીનટ ચીકી ,પાક, કતરી, રોલ્સ વગેરે શિયાળાની ઠંડીમાં વધારે ખવાતી સ્વીટ છે. કેમેકે પિનટ શક્તિમાં સમૃધ્ધ છે. તેમજ તેમાં આરોગ્યને લાભદાયક ખનિજો, પોષક તત્વો, એંટીઓક્ષિડેંટ્સ અને ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ રહેલા છે. જે હેલ્થ માટે ખૂબ જરુરી છે. કેમેકે તે સમૃધ્ધ ઉર્જાના સ્ત્રોત છે. પિનટ ખરાબ કોલેસ્ટરોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટરોલને વધારે છે. તેમાં રહેલું ઓલિક એસિડ કોરોનરી રોગોને અટકાવે છે.

તેમાં રહેલું એમિનો અસિડ જે પિનટમાં રહેલા ભરપૂર પ્રોટીનમાં હોય છે. તે શરીરના વિકાસ માટે ખૂબ જરુરી છે.

પિનટમાંરહેલું એન્ટી ઓક્સિડેંટ પેટના કેંસરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. તેમજ હાર્ટના રોગો, ચેતા રોગો,અલ્ઝાઇમર જેવા રોગો અને અન્ય ચેપ સામે લડે છે.

આમ પિનટ શરીર માટે ખૂબજ પૌષ્ટિક છે.

મેં અહીં પિનટ બરફીની રેસિપિ આપેલ છે તેમા મેં પ્યોર સાકરનો પાવડર બનાવીને તેનો ઉપયોગ કર્યો છે. તેમજ ઘી અને એલચી ઉમેરી છે જે શરીર માટે ખૂબજ ગુણકારી છે.

તો તમે પણ પિનટ બરફીની મારી આ રેસિપિ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, ખૂબજ ટેસ્ટી બનશે. શિંગપાક કરતા અલગ જ ટેસ્ટ આવશે. આમ આ પિનટ બરફી હેલ્થ અને ટેસ્ટ બન્નેમાં બેસ્ટ છે.

પિનટ બરફી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ શિંગદાણા –પિનટ
  • 5 કપ પાણી – શિંગદાણા બાફવા માટે
  • 200 ગ્રામ્સ સાકરનો પાવડર અથવા ¾ કપ ખાંડ
  • ½ કપ મિલ્ક પાવડર – 60 ગ્રામ
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • 2 ટેબલ સ્પુન ઘી

પિનટ બરફી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 1 કપ શિંગદાણા –પિનટ લઈ તેને સારી રીતે ધોઈ લ્યો. ત્યારબાદ કુકરમાં આ પિનટને બાફવા મૂકો.

પિનટ બાફવા માટે 5 કપ અથવા 1 લિટર જેટલું પાણી તેમાં ઉમેરો.

(વધારે પાણી ઉમેરી બાફવાથી પીનટનાં દાણા સરસ વ્હાઈટ કલરના જ રહેશે. ઓછું પાણી ઉમેરી બાફવાથી પિનટના ફોતરા કાઢયા પછી નીકળેલા ફોતરા વગરના દાણામાં ફોતરાનો કલર લાગી જઈ પિંક કલર જેવા થઈ જશે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત વધારે પાણીમાં બાફવાથી ઓઇલની ફ્લેવર નીકળી જશે અને પિનટ સરસ સ્મુધ પણ થઈ જશે, તેથી બરફીનો ટેસ્ટ પણ સારો આવશે).

4 વ્હીસલ કરીને પિનટ બાફી લ્યો.

કુકર ઠરે એટલે પિનટને એક ચાળણીમાં કાઢી પાણી નિતારી લ્યો.

પાણી નિતરી જાય અને થોડા ઠરે એટલે કોટનના જાડા કપડામાં મૂકી ઉપરના છેડાથી જરા પ્રેસ કરી ઘસી લ્યો. તેમ કરવાથી પિનટના ફોતરા જલદીથી રીમુવ થઈ જશે.ના નીકળેલા ફોતરા હાથથી કાઢી લ્યો. જેથી બરફીમાં ફોતરાનો ટેસ્ટ ના આવે.

એક મિક્ષર જાર લઈ તેમાં 200 ગ્રામ સાકરનો પાવડર બનાવી લ્યો. સાથે એલચીનો પાવડર બનાવી લ્યો.

હવે તેને એક મિક્ષિંગ બાઉલમાં કાઢી લ્યો. સાકર અધકચરી રહી હોય તો ચાળી લેવી.

હવે એજ બાઉલમાં સાકરના પાવડર સાથે ½ કપ મિલ્ક પાવડર અને 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી દ્યો. તેને એકબાજુ રાખો.

હવે મિક્ષર જારમાં ફોતરાકાઢેલા પિનટ ઉમેરી પલ્સ પર જર્ક આપી, મિક્ષર ચલાવી તેનો બારીક પાવડર બનાવો. જેથી તેમાંથી ઓઇલ રેલીઝ નહી થાય અને સરસ ડ્રાય જેવો પાવડર થશે.

હવે આ બનેલા પાવડરને સાકર-મિલ્ક પાવડરના મિશ્રણમાં ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ હાથ વડે જરા પ્રેસ કરતા જઈ કણેક બનાવી લ્યો. કણેક બાંધવા માટે પાણીની કે દૂધની જરુર નહી પડે કેમેકે તેમાં ઓઇલ હોય છે તેનાથી જ કણેક બંધાઈ જશે.

હવે એક નોન સ્ટીક પેન લઈ તેમાં 2 ટેબલ સ્પુન ઘી લ્યો.

જરા ગરમ થાય એટલે તેમાં કણેક મૂકી તવેથા વડે છુટી કરી લ્યો, જેથી ઘીમાં બરાબર શેકાઈ શકે.

હવે સ્લો ફ્લૈમ પર સતત હલાવતા રહીને શેકો.

એ દરમ્યાનમાં એક પ્લેટ કે ટ્રે લઈ તેમાં બેકીંગ શિટ – બટર પેપર મુકી ઘીથી બ્રશ કરી લ્યો.

હવે મિશ્રણ લાઈટ શેકાઈ જઈને સાઈડ્સ છોડવા લાગે અને તેમાંથી ઓઇલ-ઘી રેલીઝ થતું લાગે એટલે ફ્લૈમ બંધ કરી દ્યો. (કાજુ કતરી જેવો કલર લાગશે). થોડું ઠરે એટલે તેને ગ્રીસ કરેલા બટર પેપર પર કાઢી ક્યો. તેમાં રહેલું ઓઇલ – ઘી પેનમાંજ નિતારીને રહેવા દ્યો.

હવે તેના પર ગ્રીસ કરેલા બોટમ વાળા નાના બાઊલથી જરા પ્રેસ કરી ફેલાવીને ઓલ ઓવર લેવલ કરી લ્યો. તમને મનગમતી થીકનેસ રાખો.

તેના પર પિસ્તા અને બદામને અધકચરા કરી સ્પ્રિંકલ કરી તવેથા વડે જરા પ્રેસ કરી દ્યો, જેથી કટ કરતી વખતે ઉખડી ના જાય.

હવે જરા ઠરે એટલે તેમાં શાર્પ ચપ્પુ વડે આડા ઉભા કટ પાડીને તમારા મનગમતી સાઈઝના સ્ક્વેર કે ડાયમન્ડ શેઇપમાં કટ કરી લ્યો. તો હવે હેલ્ધી અને ટેસ્ટી પીનટ બરફી રેડી છે.

હવે 1 કલાક ઠરે પછી પિનટ બરફીના પીસ કાઢીને સર્વ કરો. 1 વીક માટે કન્ટેઈનરમાં ભરી સ્ટોર કરી શકાય છે.

આ પિનટ બરફી ફરાળમાં પણ લઈ શકાય છે. ફરાળમાં પિનટ બરફી સાથે ફરાળી વેફર, ચેવડો સર્વ કરી શકાય છે. હેલ્ધી હોવાથી બાળકોને નાસ્તા બોક્ષમાં પણ આપી શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.