ફરાળી રાજગરા પરોઠા – સોફ્ટ અને ઠંડા થઇ જાય તો પણ ખાવામાં મજા આવે એવા પરાઠા.

ફરાળી રાજગરા પરોઠા ….

શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક એવો રાજગરો વ્રતના ઉપવાસમાં પણ લઈ શકાય છે. ગ્લુટીન ફ્રી હોવાથી હાર્ટ માટે ખૂબજ ફાયદા કારક છે. રાજગરો હેલ્થી ધાન્ય હોવાથી રેગુલર દિવસોમાં પણ આહાર તરીકે લઈ શકાય છે છ્તાં પણ આપણે રાજગરો કે તેનો લોટ બનાવીને સામાન્ય રીતે વધારે તો ફરાળ માટે જ ઉપયોગ કરતા હોઇએ છીએ.

ગ્લુટન ફ્રી હોવાથી તેમાંથી વાનગી બનાવતી વખતે તેમાં બાઇન્ડિગ એજન્ટ તરીકે અન્ય ફરાળી લોટ જેવાકે આરાલોટ-તપકીર –શિંગોડાનો લોટ ઉમેરવામાં આવે છે અથવા ફરાળમાં ઉપયોગમાં લેવાતા હોવાથી બટેટા, શક્કરીયા કે અરબીને બાફીને લોટ્માં ઉમેરવામાં આવતા હોય છે. ઉપરાંત અમુક વખતે લોટ બાંધવા માટે દહીં ઉમેરવામાં આવે છે. તેમ કરવાથી રાજગરાના લોટમાં સરસ બાઇંડિંગ આવીને, બંધાઇ જઈને તેમાંથી પુરી, પરોઠા, રોટલી તૂટ્યા વગર વણી શકાય છે.

રાજગરો કે તેનો લોટ બધી જગ્યાએ સરળતાથી મળી જતો હોય છે અને વધારે એક્સ્પેંસીવ પણ નથી હોતો તેથી દરેક લોકો તેનો ફરાળમાં વારંવાર ઉપયોગ કરીને સરળતાથી ફરાળી વાનગી બનાવી શકે છે.

અહીં હું ફરાળી રાજગરાના પરોઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ સોફ્ટ બને છે અને ઠંડા પડ્યા પછી પણ સોફ્ટ જ રહે છે. ટીફીન બોક્ષમાં પણ ન્યુટ્રીશ્યશ સ્નેક તરીકે પણ ભરી શકાય છે. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ફરાળી રાજગરા પરોઠા બનાવજો. ખૂબજ સ્વાદિષ્ટ બનતા હોઅવાથી બધાને ખૂબજ ભાવશે.

ફરાળી રાજગરા પરોઠા બનાવવા માટે ની સામગ્રી :

  • 1 કપ રાજગરાનો લોટ
  • 1 ટેબલ સ્પુન આરાલોટ
  • 2 નાના બાફેલા બટેટા
  • ½ ટી સ્પુન આખું જીરુ
  • 1 ટી સ્પુન આદુની પેસ્ટ
  • 1 લીલુ મરચું બારીક સમારેલું
  • સિંધાલુણ સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પુન દહીં
  • ½ ટી સ્પુન ઘી
  • 1 ટેબલ સ્પુન જેટલું પાણી
  • ¼ ટી સ્પુન બાંધેલા લોટને લગાડીને કવર કરવા માટે
  • અટામણ માટે થોડો રાજગરાનો લોટ
  • પરોઠા રોસ્ટ કરવા માટે ઓઇલ

ફરાળી રાજગરા પરોઠા બનાવવાની રીત :

સૌ પ્રથમ 2 નાના બટેટા બાફી તેની છાલ કાઢી ખમણી લ્યો અથવા ગુઠલી ના રહે એ રીતે મેશરથી મેશ કરી લેવા.

ત્યાર બાદ એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ રાજગરાનો લોટ અને 1 ટેબલ સ્પુન આરાલોટ ઉમેરો.

હવે તેમાં 2 નાના બાફેલા બટેટાને એકદમ મેશ કરીને અથવા ખમણીને ઉમેરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન આખું જીરુ, 1 ટી સ્પુન આદુની પેસ્ટ, 1 લીલુ મરચું બારીક સમારેલું અને સિંધાલુણ સ્વાદ મુજબ ઉમેરો.

હવે આ બધા મસાલાને લોટ સાથે બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન દહીં અને ½ ટી સ્પુન ઘી ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન જેટલું પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લ્યો. બાંધેલો લોટ ટાઇટ લાગે તો તેમાં એકાદ ટી સ્પુન વધારે પાણી ઉમેરીને લોટની કંસીસ્ટંસી સેટ કરો. થોડો મસળીને તેના પર ¼ ટી સ્પુન ઘી લગાવી, કવર કરી 10 મિનિટ રેસ્ટ આપો.

10 મિનિટ પછી ફરી થોડો મસળીને લોટમાંથી લૂવા બનાવો. 4 લુવા બનશે.

હવે અટામણ માટે થોડો રાજગરાનો લોટ લઈ એક લુવાને તેમાં બરાબર રગદોળી લ્યો.

હવે રોલિંગ બોર્ડ પર પણ થોડો રાજગરાનો લોટ સ્પ્રીંકલ કરી લ્યો. તેના પર લુવુ રાખી આંગળીઓથી પ્રેસ કરતા જઈ પુરી જેવડું થેપી લ્યો.

હવે તેની ઉપર-નીચે ફરી થોડો લોટ સ્પ્રિંકલ કરી રોલિંગ પીનથી હલકા હાથે થોડું થીક એવું પરોઠું વણી લ્યો. મિડિયમ ફ્લૈમ પર નોન સ્ટીક તવાને ગરમ કરી થોડું ઓઇલ લગાવી ગ્રીસ કરી લ્યો.

હવે હલકા હાથે ગરમ તવામાં વણેલું પરોઠું શેકવા માટે મૂકો. મિડિયમ ફ્લૈમ પર શેકાવા દ્યો.

ઉપરથી મોટા બબલ ઉપસી આવીને ફુલવા માંડે અટલે તેના ઉપર ઓઇલ કે ઘી લગાવી ફ્લીપ કરી લ્યો.

હવે ફ્લિપ કર્યા પછી ઉપર આવેલી સાઇડ પર પણ ઓઇલ કે ઘી લગાવી દ્યો.

નીચેની બાજૂ સરસ ગોલ્ડન કલરનું થઈ જાય એટલે ફરી એકવાર પરોઠું ફ્લીપ કરી એ બાજૂ પણ ગોલ્ડન કલરની ડીઝાઇન પડે, બરાબર કૂક થઈ જાય અટલે પ્લેટમાં ટ્રાંસફર કરો.

આ પ્રમાણે બાકીના બધા રાજગરાના પરોઠા વણીને ઓઇલ કે ઘીમાં ગોલ્ડન રોસ્ટ કરી લ્યો.

હવે ખૂબજ સ્વાદિષ્ટ અને સોફ્ટ એવા ગરમા-ગરમ ફરાળી રાજગરા પરોઠા સર્વ કરવા માટે રેડી છે. રાજગરાના પરોઠા ગરમ કે ઠંડા બન્ને સર્વ કરી શકાય છે.

ગરમાગરમ ફરાળી રાજગરા પરોઠા દહીં, ગ્રીન ચટણી કે ફરાળી સૂકીભાજી સાથે સર્વ કરી શકાય. ઠંડા પરોઠા ચા, દૂધ કે કોફી સાથે સર્વ કરી શકાય છે.

તો તમે પણ વ્રતના ઉપવાસમાં ફરાળ કરવા માટે આ હેલ્ધી-ટેસ્ટી ફરાળી રાજગરા પરોઠા ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.