ફરાળી સાગો ભેળ – ફરાળમાં એકની એક વાનગીઓ ખાઈને કંટાળી ગયા છો? બનાવો આ ભેળ ટેસ્ટી અને યમ્મી..

ફરાળી સાગો ભેળ…..

ઉપવાસના દિવસોમાં ફરાળ માટે ઉપયોગમાં લેવાતા સાગો-સાબુદાણાને સૌ કોઇ જાણે છે. તેમાં થી ફરાળ માટેની અને ફરળ વગરની પણ અન્ય અનેક પ્રકારની વાનાગીઓ બનાવવામાં આવે છે. સાબુદાણા પચવામાં ખૂબજ હલકા અને હેલ્થ માટે ખૂબજ પૌષ્ટિક છે, તેથી ફરાળમાં લેવાથી શરીરમાં એનર્જી રહે છે. આ કારણે જ નવરાત્રીના ફરાળમાં સાબુદાણામાંથી બનતી ફરાળી વાનગીઓ વધારે આરોગવામાં આવે છે.

સાબુદાણામાંથી અનેક પ્રકારની સ્વીટ તેમજ સોલ્ટી – ફરસાણની વાનગીઓ બને છે ..જેવાકે, સાબુદાણા ખીર, દુધ પાક, રબડી,વગેરે.. અને સાબુદાણા વડા, અપ્પે, ખીચડી, ઢોકળા, ડ્રાય ચેવડો, ફ્રાયમ્સ જેવી અનેક ફરસાણની વાનગીઓ પણ બને છે.

આજે હું અહીં આપ સૌ માટે ફરાળી સાગો-સાબુદાણાની ભેળ બનાવવાની ખૂબજ સરળ અને ક્વીક રેસિપિ આપી રહી છું. ફરાળી સાગો ભેળ એક સ્વાદિષ્ટ એપીટાઇઝર છે. રામનવમી, શિવરાત્રી, નવરાત્રી કે ગમે તે વ્રતના ઉપવાસમાં દિવસ દરમ્યાનના નાસ્તા(ફરાળ)માં અથવા સાંજના નાસ્તા(ફરાળ)તરીકે પણ લઈ શકાય છે. તેમાંથી ખૂબજ એનર્જી મળે છે.

ફરાળી સાગો ભેળ બનાવવા માટે સાબુદાણા, બટેટા, ફરળી ચેવડો, વેફર્સ, સાથે થોડા સ્પાઈસ અને ગ્રીન તીખી અને ખજુર-આમલીની મીઠી ચટણી જેવી રેગ્યુલર સામગ્રીની જરુર પડે છે. તેમાં ફરાળી હોવાથી સિંધવ મીઠું વાપરવામાં આવે છે. ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જતી આ હેલ્ધી અને ફરાળી ભેળ બધાને ખૂબજ ભાવશે. બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ફરાળી સાગો ભેળ ચોક્કસથી બનાવજો.

ફરાળી સાગો ભેળ બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ પલાળેલા સાબુદાણા ( અથવા ½ કપ સુકા સાબુદાણા )
  • 1 ટી સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • 3-4 પાન મીઠા લીમડાના બારીક કાપેલા
  • 1 લીલું મરચુ બારીક સમારેલું
  • સિંધવ મીઠું – સ્વાદ મુજબ
  • 1 કપ બાફેલા બટેટાના નાના પીસ
  • 3 ટેબલ સ્પુન શેકેલી શિંગનો ભૂકો
  • 10-12 કાજુના ફાડા
  • 15-20 કીશમીશ
  • ¼ કપ શિંગદાણા
  • 1 ટી સ્પુન જીરુનો પાવડર
  • ½ + ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ કપ દાડમના દાણા
  • ½ કપ બારીક સમારેલ સફરજનના ટુકડા
  • ½ લીંબુનો જ્યુસ
  • 1 ટેબલ સ્પુન ગ્રીન તીખી ચટણી
  • 2 ટેબલ સ્પુન ખજુરની સ્વીટ ચટણી
  • 2 ટેબલ સ્પુન કોથમરી
  • ¾ કપ ફરાળી ચેવડો – જરુર મુજબ
  • 10-15 બટેટાની ફરાળી વેફર

ગાર્નિશિંગ માટે :

  • થોડો ચેવડો, વેફર, ફ્રાય કરેલા કાજુ, કીશમીશ, કોથમરી, લાલ મરચુ પાવડર દાડમના દાણા બધું જરુર મુજબ

ફરાળી સાગો ભેળ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ½ કપ સાબુદાણાને 2 વાર પાણીથી ધોઇને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખો.

ત્યારબાદ તેને ચાળણીમાં કાઢી ½ કલાક પાણી તેમાંથી નિતરવા દ્યો. (એકદમ કોરા કરી લેવા).

બટેટાને પ્રેશર કૂક કરીને, છાલ કાઢી તેના નાના પીસ કરી લ્યો.

10-12 કાજુના ફાડા, 15-20 કીશમીશ, ¼ કપ શિંગદાણાને ઓઇલમાં ફ્રાય કરી લ્યો.

હવે એક પેનમાં 1 ટી સ્પુન ઓઇલ મૂકી તેમાં જીરુ અને 1 લીલું મરચું બારીક સમારેલું અને 3-4 પાન મીઠા લીમડાના બારીક કાપેલા ઉમેરીને તતડવા દ્યો. હવે તેમાં 1 કપ પાણીમાં પલાળેલા – ફુલેલા –કોરા સાબુદાણા ઉમેરી મિક્ષ કરી લ્યો. તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરી મિક્ષ કરી લ્યો.

માત્ર 1 જ મિનિટ હલાવીને વઘારથી સાબુદાણા કવર થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

થોડા ઠંડા પડે એટલે તેમાં 3 ટેબલ સ્પુન શેકેલી શિંગનો ભૂકો ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 કપ બાફેલા બટેટાના નાના પીસ અને ફ્રાય કરેલા 10-12 કાજુના ફાડા, 15-20 કીશમીશ, ¼ કપ શિંગદાણા તેમજ 1 ટી સ્પુન જીરુનો પાવડર અને ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરો. બધું હલકા હાથે ચમચાથી હલાવીને મિક્ષ કરો.

હવે તેમાં હવે તેમાં ચટપટો સ્વાદ લાવવા માટે ½ કપ દાડમના દાણા, ½ કપ બારીક સમારેલ સફરજનના ટુકડા અને ½ લીંબુનો જ્યુસ ઉમેરીને મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન ગ્રીન તીખી ચટણી( તમારા સ્વાદ મુજબ ઉમેરો ), 2 ટેબલ સ્પુન ખજુરની સ્વીટ ચટણી ઉમેરી મિક્ષ કરો. તેનાથી સરસ ટેસ્ટ આવશે.

હવે તેમાં 2 ટેબલ સ્પુન કોથમરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ¾ કપ ફરાળી ચેવડો અને 10-15 અધકચરી કરેલી બટેટાની ફરાળી વેફર ઉમેરીને મિક્ષ કરો. હવે ફરાળી સાગો ભેળ સર્વ કરવા માટે તૈયાર છે.

એક મોટા સર્વિંગ બાઉલમાં ફરાળી સાગો ભેળ સર્વ કરી તેના પર થોડો ચેવડો, વેફર, ફ્રાય કરેલા કાજુ, કીશમીશ, કોથમરી, લાલ મરચુ પાવડર દાડમના દાણા બધું જરુર મુજબ લઈ તમને મનગમતી રીતે ગાર્નિશ કરો. નાના મોટા બધાને આ ભેળ ખૂબજ ભાવશે.

ખૂબજ ટેસ્ટી એવી ફરાળી સાગો ભેળ તમે પણ તમે તમારા રસોડે ચોક્કસથી બનાવીને બધાને ફરાળ કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.