ફેણીને ખીચડી ખાવાથી શું થાય છે લાભ જાણો તમે પણ

ખીચડીનો નશો ચડે ? હા, મેણો ચડે હોં…

ખીચડી હલકો, નિર્દોષ અને સૌમ્ય ખોરાક છે. માંદગીમાં તો ખીચડી ખોરાકની સાથે દવા જેવું કામ પણ કરે. ખીચડીમાં ગરમ ઘી નાખીને, ખૂબ ફેણીને ખાઓ તો મેણો (ઘેન) ચડે અને સરસ મઝાની ઊંઘ આવી જાય.

ફેણેલી ખીચડી ખાવાની વિશેષ મજા આવે.

image source

એકદમ ભલીભોલી અને ડાહી જણાતી ખીચડી ખાવાથી નશો ચડે એ જાણીને મને તો ખૂબ નવાઈ લાગી.

બોલો, સાવ સીધાં સાદાં લાગતાં ખીચડીબહેન આવાં જબરાં છે તેની તમને ખબર હતી ?

ઘણા લોકોને તો ખબર જ નહિ હોય કે ફેણવું એટલે શું??

ફેણવાની મનમોહક અને જોતા જ રહી જઈએ તેવી પ્રક્રિયાને શબ્દોમાં સમજાવવી સહેલી નથી.

image source

હાથથી ખીચડીને વારંવાર, વારંવાર, વારંવાર, ગોળ ગોળ ફેરવવી, ઉપરનીચે કરવી, આમતેમ કરવી, ચોખા અને મગ… સાત સાત જનમ સુધી છૂટા ના પડે તે હદે તેને એકરૂપ કરવા તેનું નામ ખીચડી ફેણવી. સાર્થ જોડણીકાશમાં ફેણવું એવો શબ્દ નથી. અને હા, જે લોકોને ચમચી-કાંટાથી ખાવાની ટેવ હોય તે લોકો ફેણવાના ફાયદા ના લઈ શકે.

ઘણા લોકો ફેણવાના નિષ્ણાત હોય છે. ફેણ્યા વિના ખાય જ નહીં. નવી પેઢીને ફેણતાં તો ના આવડે પણ તેમને ફેણવાની પ્રક્રિયા ગમે પણ નહીં. તેમાં તેમને અસભ્યતા પણ લાગે કદાચ.

image source

એક વાર સાહિત્યકાર રમેશ હ.દવેએ માહિતી આપી હતી કે સારસ્વત અને સાહિત્યકાર ચીમનભાઈ ત્રિવેદીને ખીચડી ફેણતા જોવા એ અનુપમ લહાવો હતો. જાણે ખીચડીમાંથી સંગીતના સ્વર નિપજાવતા હોત તે રીતે લયમાં ખૂબ જ સુંદર રીતે તેઓ ખીચડી ફેણતા. તેઓ ખીચડી ફેણતા હોય ત્યારે તેમની આજુબાજુ જમવા બેઠેલા જમવાનું ભૂલી જતા. ફેણવું એ પણ એક કલા છે.

જેમ ખીચડી વધારે ફેણો તેમ તે વધુ મીઠી લાગે.

image source

એય ને… ધીમા તાપે ચડેલી (શક્ય હોય તો ચૂલા પર) મગની દાળ અને કૃષ્ણ કમોદના સૂંગધી ચોખાની, એક પાણીથી ચઢેલી ખીચડી હોય,
તેમાં ગાયનું ગરમ ગરમ (હેંતકનું) ઘણુંબધું ઘી નાખ્યું હોય, પછી 100 કેલેરી બળી જાય એવી રીતે તેને ફેણી હોય…..

image source

અને પછી આપણને ભગવાને આ પૃથ્વી પર માત્ર ફેણેલી ખીચડી ખાવા માટે જ મોકલ્યા છે તેવા પરમ ભાવ સાથે ત્રીજા ઓડકાર સુધી આ ખીચડી ખાધી હોય…. અને એ પછી એવો મેણો (સાચો શબ્દ છે મીણો) ચડે કે કોઈ તમને પથારી સુધી મૂકવા આવે તો એવું લાગે કે જાણે સ્વર્ગથી પુષ્પક વિમાન લેવા આવ્યું.

હવે જ્યારે ખીચડી ખાઓ તો ત્યારે કચકચાવીને ફેણીને જ ખાજો.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,