સળગતા ઘરમાંથી પત્નીને કાઢી બહાર પણ પતિ ન બચી શક્યો આગથી
સંયુક્ત અમીરાતના અબૂ ધાબીમાં પોતાના ઘરમાં લાગેલી આગમાંથી પત્નીને બચાવવાના પ્રયત્નમાં ગંભીર રીતે દાઝી ગયેલા ભારતીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર પત્નીને ઘરમાંથી કાઢતી વખતે પતિ પોતે 90 ટકા દાઝી ગયો હતો. પત્ની પણ દાઝી ગઈ હતી પરંતુ તેની હાલત સ્થિર છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ કેરળના એવા અનિલ નિનાનના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. અનિલ અહીં તેની પત્ની અને 4 વર્ષના દીકરા સાથે રહેતો હતો. અનિલ અને તેની પત્ની બંને ઘરમાં જ હતા જ્યારે આગ ફાટી નીકળી. આગમાંથી તેણે પોતાની પત્નીને બચાવી લીધી પણ જાતે બચી શક્યો નહીં.
પત્નીને બચાવવા બેડરુમાંથી ભાગી નીકળેલો અનિલ 90 ટકા દાઝી ગયો હતો. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન અનિલનું મોત નીપજ્યું જ્યારે તેની પત્નીની હાલત સ્થિર છે. તેમનો ચાર વર્ષનો દીકરો પણ છે જે સદનસીબે આ ઘટનામાંથી આબાદ બચી ગયો છે.