રાજ્ય સરકારનો વાલીઓને રાહત આપતો નિર્ણય, નહીં વધે શાળાની ફી, એકસાથે ફી ભરવાથી પણ મળશે મુક્તિ

છેલ્લા 21 દિવસ કરતાં પણ વધારે દિવસોથી શાળા-કોલેજો બંધ છે. તેવામાં વાલીઓને ઘરની આર્થિક સ્થિતિની સાથે બાળકોના અભ્યાસની પણ ચિંતા સતાવી રહી હતી. આજે આ ચિંતાનો અંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગએ લાવી દીધો છે.

image source

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે શાળા સંચાલકો સાથે એક બેઠક પણ કરી હતી. ત્યારબાદ આજે સરકાર તરફથી સત્તાવાર રીતે ફી અને શૈક્ષણિક સત્ર અંગેના તમામ પ્રશ્નોનો જવાબ રજૂ કર્યો હતો. સરકારના જણાવ્યાનુસાર ગુજરાતમાં કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે. આ ઉપરાંત માર્ચ-એપ્રિલ-મે માસની ફી નવેમ્બર સુધી માસિક હપ્તે ભરી શકાય તેવી છૂટછાટ પણ વાલીઓને અપાશે.

આ ઉપરાંત રાજ્ય સરકારએ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ 1 જૂન પહેલાં નહીં જ ખૂલે, આગામી 16 એપ્રિલથી સત્ર શરૂ કરવું સંભવ જ નથી. આ સાથે જ કોલેજ અને યૂનિવર્સિટીમાં પણ 15 મે સુધી વેકેશન રહેશે. સરકારના આ ત્રણેય નિયમો ખાનગી સ્કુલોને પણ લાગુ થશે. તે પછી કોઈ પણ બોર્ડની હોય તેના માટે આ નિયમ એકસમાન લાગૂ થશે. જો કોઈ વાલી શાળાની ફી માસિક હપ્તે ભરવા માંગતા હોય તો તેમને એ સવલત પણ મળશે.

આ ઉપરાંત આજે ધોરણ 10 અને 12ની પરિક્ષાઓના પેપર ચેકિંગ અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. પેપર ચકાસવાનું કામ આગામી 16 એપ્રિલ અને ગુરુવારથી શરૂ કરવામાં આવશે. કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિમાં વાલીઓને આર્થિક સંકડામણ ન થાય એ માટે આ બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.