ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, જાણો કેવી રીતે વિદ્યાર્થીઓ મેળવી શકે છે માર્કશીટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું એટલે કે કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારે 8 કલાકથી બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી હતી અને એક ખાસ પેટર્ન ફોલો કરી વિદ્યાર્થીઓનું પરિણામ માસ પ્રમોશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે કોરોનાના કારણે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જ આપવામાં આવ્યું છે. માસ પ્રમોશનના કારણે બોર્ડનું પરિણામ પણ 100 ટકા આવ્યું છે.

કોરોના મહામારીના કારણે રદ્દ થયેલી પરીક્ષાઓ બાદ આ પરિણામ આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર કરી જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત એજ્યુકેશન બોર્ડના જણાવ્યાનુસાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ઓછામાં ઓછો ડી ગ્રેડ મેળવવો જરૂરી છે. જ્યારે ઈ1 અને ઈ2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે.

image source

કેટલા વિદ્યાર્થીઓ કયા ગ્રેડમાં થયા પાસ?

આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. કુલ 4,00,127 વિદ્યાર્થીઓને પાસ કરાયા છે જેમાં A 1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ 691, A 2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ 9455, B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 35,288, B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 82,010 છે જ્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓને C 1 ગ્રેડ મળ્યો છે. C 1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,29,781 છે. જ્યારે C2 ગ્રેડ મેળવનાર 1,08,299 વિદ્યાર્થીઓ છે અને D ગ્રેડ મેળવનાર 28,690 વિદ્યાર્થીઓ છે.

ક્યાંથી મળશે માર્કશીટ ?

આજે ગુજરાત બોર્ડ દ્વારા તેની વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓને માર્કશીટ શાળામાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમની રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર સ્કૂલ તરફથી રિઝલ્ટ મોકલવામાં આવશે.

image source

ઉલ્લેખનીય છે કે ગત 17 જુલાઈ 2021ના રોજ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાયન્સ સ્ટ્રીમનું રિઝલ્ટ જાહેર કરી ચુક્યું છે. સાયન્સ સ્ટ્રીમમાં ગુજરાત બોર્ડના 3245 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો હતો જ્યારે 24,757 વિદ્યાર્થીઓએ બી1 અને 26,831 વિદ્યાર્થીઓ બી2 ગ્રેડ સાથે પાસ થયા છે.

પરીક્ષા સમયે કોરોના સંકટને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા આ નિર્ણય 2 જૂન 2021ના રોજ લેવાયો હતો. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. ત્યારબાદ શાળાઓને પરીણામ તૈયાર કરવા માટે ખાસ પેટર્ન જણાવાય હતી. આ પેટર્નના આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.