કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકો માટે ગુજરાત સરકારે શરુ કરી મુખ્યમંત્રી બાલ સેવા યોજના

કેન્દ્ર સરકારે કોરોના કાળમાં અનાથ થયેલા બાળકો માટે કરેલી મહત્વપૂર્ણ જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ આજે કોરોનાના સમયમાં અનાથ અને નિરાધાર બનેલા બાળકો પ્રત્યે સંવેદના દર્શાવી આવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

image source

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફેસબુકના માધ્યમથી મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીએ એવી પરિસ્થિતિ ઉભી કરી છે કે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક બાળકો અનાથ થયા છે. રાજ્યમાં કેટલાય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. ત્યારે કોરોનાના આ કપરાકાળમાં આવા નિરાધાર અને માતા-પિતા બંને ગુમાવી ચુકેલા બાળકોને મુખ્યમંત્રી બાલ સેવા યોજના મારફતે આર્થિક આધાર આપવામાં આવશે.

આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની શરુઆત આવતી કાલથી જ કરી દેવામાં આવશે. આ યોજનાની અન્ય વિશેષતાઓની વિગતો અનુસાર કોરોના મહામારીના આ સંક્રમણ દરમિયાન જે બાળકોના પરિવારના મુખ્ય કમાનાર પિતા અથવા માતા કે પિતા બંનેનું અવસાન થયું છે તેવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અહિતની સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા- પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ 4000 આપવામાં આવશે. સાથે સાથે જે બાળકો 18 વર્ષ પૂર્ણ કરી ચુક્યા હોય તેવા બાળકોને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈ દર મહિને 6000ની સહાયનો લાભ રાજ્ય સરકાર આપશે.

21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને 6000ની સહાયનો લાભ મળશે. તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.

રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે. આવા બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.

image source

આ સિવાય 14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે. જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ રાજ્ય સરકાર આપશે. આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.

કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે. આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!