બેક બેન્ચર’ના ગુજ્જુ ગોપાલે પપ્પાને પ્લેનમાં બેસાડવાનુ સપનુ આ રીતે કર્યુ હતુ પૂરું

ગુજરાતી ફિલ્મ બેક બેન્ચરનો એ નાનકડો ગોપાલ તો તમને યાદ જ હશે. અભ્યાસમાં થોડો નબળો વિદ્યાર્થી કઈ રીતે માતાપિતાના અભ્યાસ માટેના દબાણથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો જાય છે એ વાર્તાને વણી લેતી ફિલ્મ બેક બેન્ચરમાં ગોપાલનું પાત્ર ક્રિશ ચૌહાણે ભજવ્યું હતું. અને એ ફિલ્મ સફળ રહી હતી.

ફિલ્મની સફળતાનો મોટો ભાગ ક્રિસના ફાળે જ જાય છે. પણ ક્રિશ આ સફળતા સુધી પહોંચી શકે એ માટે ક્રિશે તેમજ એના માતાપિતાએ ઘણા સંઘર્ષો કર્યા છે. તો ચાલો આજે જાણી લઈએ ક્રિશના જીવનની કેટલીક અંગત વાતો જે કદાચ આ પહેલા તમે નહિ જાણતા હોવ.

ક્રિસ ચૌહાણનો જન્મ 12 ઓગસ્ટ 2004માં વડોદરા શહેરમાં થયો હતો. ક્રિશના પરિવારમાં એના પિતા ધરમ ચૌહાણ, માતા પ્રતીક્ષા ચૌહાણ અને મોટી બહેન સ્નેહા ચૌહાણ છે.

ક્રિસના માતાપિતાના લગ્ન એકદમ ફિલ્મી અંદાજમાં થયા છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો પણ જુના ફિલ્મોના પૈસાવાળા પિતાની જેમ પ્રતિક્ષાબેનના પિતાને પણ આ સંબંધ મંજુર ન હતો. અને એટલે આ બંનેએ ભાગીને લગ્ન કરી લીધા. બંને વેલ સેટલ ફેમીલીમાંથી આવતા હતા પણ ભાગી ગયા પછી એમને નવેસરથી એકડો ઘૂંટયો.

જેમ તેમ કરીને દિવસો પસાર થતા ગયા અને નવા નવા સંઘર્ષ સામે આવતા ગયા. આખરે એમના જીવનમાં ક્રિશનું આગમન થયું. તમને જણાવી દઈએ કે ક્રિશ પહેલા એના માતાપિતાને એક દીકરી પણ છે પણ ક્રિશન જન્મ પછી જાણે એમનું નસીબ જ પલટાઈ ગયું.

ઘરે ઘરે પોસ્ટ રીકરીંગ એજન્ટ તરીકે ફરતી ક્રિશની માતા અને કામવા માટે જાત જાતનું કામ કરી ચૂકેલા ક્રિશના પિતાનું જીવન હવે થોડું સ્થિર થયું હતું અને એટલે જ એ લોકો ક્રિશને પોતાનો લકી ચાર્મ માનતા હતા.

તેના માતાપિતાએ વ્યાજે પૈસા લાવીને પણ બન્ને ભાઈ બહેનને વડોદરાની સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યા. ક્રિશની બહેન સ્નેહા નાનપણથી જ ડાન્સિંગ અને સિગિંગમાં આગળ પડતી હતી. એટલે પહેલેથી જ એના માતાપિતાની સ્નેહા પાસે ઘણી અપેક્ષાઓ હતી. સ્નેહાને ડાન્સ ક્લાસમાં જાય ત્યારે ક્રિશ પણ તેની માતા સાથે એમની સાથે જતો.

ક્યાંક એમના મનમાં ક્રિશને પણ ડાન્સ શીખવવાની ઈચ્છા થતી પણ ક્રિશ તો બસ રમવામાં અને ઉછળ કૂદ કરવામાં જ રચ્યો પચ્યો રહેતો. સ્નેહાની સરખામણીમાં ક્રિશ પાસે કોઈ એવી પ્રતિભા એ સમયે એના માતાપિતાને ન દેખાઈ એટલે એ ક્રિશને પોતાનો ખોટો સિક્કો જ સમજતા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે એમનો આ ખોટો સિક્કો એક દિવસ ચલણમાં આવી જશે.

એકવાર ડાન્સ ક્લાસની બહાર રમતા ક્રિશની નજર એક ડાન્સ ગ્રૂપ પર પડી. સ્ટંટ કરતા એ ગ્રૂપને જોઈ ક્રિશ પણ પોતાની જાતે જ સ્ટંટ કરવા લાગ્યો. હવે એની પ્રતિભાની ઓળખ થઈ. એના પિતાએ એને ઘરે પણ ઘણીવાર સ્ટંટ કરતા જોયો હતો.

એમને ખ્યાલ આવી ગયો કે ક્રિશને આધુનિક ડાન્સિંગ સ્ટાઇલ હિપહોપ, લોકિંગ પોપિંગ વગેરેમાં રસ પડી શકે તેમ છે. એટલે એને એની શાળાના જ એક શિક્ષક પાસે ડાન્સની તાલીમ આપવામાં આવી અને ક્રિશે એના જીવનનનો પહેલો ડાન્સ તૈયાર કર્યો. અને એ જ ડાન્સને આધારે ક્રિશે આણંદ ખાતે યોજાયેલી સ્પર્ધા જરા નચકે દિખામાં ગુજરાત ખાતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

પછી તો શું ક્રિશની ધગશ વધતી ગઈ ને સાથે સાથે ક્રિસના માતાપિતાનો એના પરનો વિશ્વાસ પણ વધતો ગયો. એ પછી તો ક્રિશે ડાન્સ રિયાલિટી શો માં ભાગ લીધો હતો.જેમ કે બુગી વુગી, ડાન્સ ઇન્ડિયા ડાન્સ, અને મુંબઈ ખાતે યોજાતી ઘણી કોમ્પટીશનમાં પણ ભાગ લઈ એ જીત્યો હતો.

ભણવામાં પણ ક્રિશ બેક બેન્ચરના ગોપાલ જેવો જ હતો. પણ સ્વભાવે ક્રિશ પહેલેથી જ મળતાવડો. એને મિત્રો બનાવતા જરાય વાર નહોતી લાગતી. આ ક્યૂટ છોકરો કોઈનું પણ દિલ સરળતાથી જીતી લેતો. ક્રિશે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એ એક્ટિંગ ક્ષેત્રે જંપ લાવશે.

સ્નેહની પ્રતિભા અને સુંદર દેખાવને કારણે તેના માતાપિતા એને એક્ટિંગ ક્ષેત્રમાં મોકલવા ઇચ્છતા હતા. અને એ માટે આખો પરિવાર એક ઓડિશન માટે મુંબઈ આવી ગયો.

સ્નેહા ઓડિશન આપી રહી હતી અને આ બાજુ ક્રિશ તો આખા સેટ પર ફરતો રહેતો, લોકો સાથે વાતો કરતો રહેતો, ને મોબાઈલમાં બધાને પોતાના ડાન્સના વિડીયો બતાવતો રહેતો. સ્નેહાનું ઓડિશન પત્યું, કમનસીબે સ્નેહા સિલેક્ટ ન થઈ. વીલા મોઢે ક્રિશના માતાપિતા બીજા દિવસે વડોદરા પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ એક ફોન આવ્યો અને એ ફોને ક્રિશની કિસ્મત બદલી નાખી.

આગલા દિવસના ક્રિસના સેટ પર બધા સાથે ભળી જવાના ગુણથી આકર્ષિત થઈ એને સાવધાન ઇન્ડિયા નામની સીરિયલમાં એક રોલ ઓફર થયો. અને એ રોલ ક્રિશના પિતાએ સ્વીકારી લીધો. આશ્ચર્યની વાત એ હતી કે ક્રિશને આ શો માં પહેલા જ દિવસે વેનિટી આપી દેવામાં આવી હતી. એકવાર એક્ટિંગ ક્ષેત્રે પગ મુક્યા પછી ક્રિશે પાછું વળીને નથી જોયું ને એક પછી એક સફળતાનાં પગથિયાં ચડતો ગયો.

ક્રિશના આકર્ષક દેખાવ અને અદભુત ડાયલોગ ડીલીવરીના કારણે તેને ધાર્મિક સિરિયલોમાં વધુ કામ મળતું ગયું. ક્રિશે કલર્સ ટીવી પર આવતી સિરિયલ મહાકાલીમાં વિનાયક અને કર્મફલદાતા શનિમાં હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. બંને પત્રોમાં ક્રિશે મોઢા પર માસ્ક પહેરીને કામ કર્યું હતું. માસ્ક પહેર્યા પછી કલાકો સુધી પાણી પણ ન પી શકતા ક્રિશે પોતાની દમદાર એક્ટિંગથી લોકોને દીવાના બનાવી દીધા હતા.

આ સિવાય ક્રિશે બિન કુછ કહે, સંકટ મોચન મહાબલી હનુમાન, ફિર ભી ના માને બદતમીઝ દિલ, કુછ રંગ પ્યાર કે એસે ભી, નામકરણ અને ટ્વીસ્ટ વાલા લવ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. એ સિવાય ઘણી એડ ફિલ્મ્સમાં પણ ક્રિસ ચમક્યો છે.

ક્રિશે બેક બેન્ચર સિવાય બોરીવલી કા બ્રુસલી, શોર્ટ ફિલ્મ મુખગ્નિ, લવની લવસ્ટોરી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આટલી સફળતા મેળવ્યા બાદ પણ ક્રિશ ઘણો જ ડાઉન ટુ અર્થ છે અને એનો સંપૂર્ણ શ્રેય જાય છે ક્રિશના પિતા ને.ક્રિશના પિતાનું કહેવું છે કે ક્રિશ ઘરે એકદમ સામાન્ય બાળકની જેમ જ જીવન જીવે છે. ક્રિશને પણ અન્ય બાળકની જેમ જ નુકકડ પર આવેલી દુકાને 50ની નોટ આપીને વસ્તુઓ લેવા મોકલવામાં આવે છે. અન્ય માતા પિતાની જેમ ક્રિશના માતાપિતાને પણ ક્રિશના વધુ પડતા મોબાઈલના ઉપયોગથી નારાજગી છે.

ક્રિશ ઉંમરમાં નાનો પણ ખૂબ જ સમજદાર પણ છે. એકવાર એની માતાએ કરવા ચોથનું વ્રત કર્યું હતું અને એ જ સમયે ક્રિશને શૂટિંગ માટે મુંબઈ જવાનું થયું. સાથે માતા કે પિતા બેમાંથી એકને જવાનું હતું.

હવે આવા સમયે જો કોઈપણ ક્રિશ સાથે મુંબઈ જાય તો એની માતાનું કરવા ચોથનું વ્રત અધૂરું રહી જાય. તે વખતે ક્રિશે પોતાની સમજદારી દાખવીને માતાપિતાએ ઘણી ના પાડી છતાં ક્રિશ પોતાની બહેનને લઈને એકલો મુંબઈ ગયો જેથી એના માતાપિતા સાથે રહી શકે અને એની માતાનું વ્રત પૂર્ણ થઈ શકે.

ક્રિશની સફળતા વિશે એના પિતાનું કહેવું છે કે “દરેક મિડલ કલાસ ફેમિલીનું એકવાર પ્લેનમાં બેસવાનું સપનું હોય જ. મારુ પણ હતું. અને હું પહેલીવાર પ્લેનમાં ક્રિશ થકી જ બેઠો હતો. એક એડ ફિલ્મના શૂટિંગ માટે બેંગકોક જવાનું હતું અને એ મારી પહેલી પ્લેન ટ્રીપ હતી.

ખરેખર ક્રિશ પર મને ખૂબ જ ગૌરવ થયું હતું ત્યારે. એમને આગળ વાત કરતા જણાવ્યું કે જે લોકો અમારી સામું જોવા પણ તૈયાર નહોતા એ લોકો ક્રિશની સફળતા પછી સામેથી ફોન કરતા થઈ ગયા હતા. મને ક્રિશના પિતા તરીકે ઓળખાવું ગમે છે”

ક્રિશની માતાને ક્રિશની સફળતા વિશે પૂછતાં એમને એક કિસ્સો સંભળાવ્યો હતો. એકવાર એક સ્ત્રીનો એમના ફોન પર કોલ આવ્યો અને એ ક્રિશ સાથે વાત કરવા માંગતી હતી પણ ક્રિશ શૂટિંગમાં વ્યસ્ત હતો.ત્યારે એ સ્ત્રી એ કહ્યું હતું કે બીજા દિવસે એની નાનકડી દીકરીનો જન્મ દિવસ છે અને એને ક્રિશ ખૂબ જ ગમે છે જો ક્રિશ એને બર્થડે વિષ કરશે તો એ ઘણી ખુશ થશે.

આ વાત યાદ રાખીને ક્રિશે બીજા દિવસે એ બાળકીને વિડીયો કોલ કરી વિશ કર્યું હતું અને એ બાળકી અને એની માતાની ખુશીનો પાર નહોતો રહ્યો. આ સમગ્ર કિસ્સા પછી ક્રિશની માતાનું કહેવું છે કે “હું ઘણી ખુશ છું કે મારા દીકરાના આટલા બધા ચાહકો છે પણ એથી ય વિશેષ મારા દીકરા થકી કોઈના ચહેરા પર સ્મિત વેરાય છે એ મારા માટે વધુ મહત્વનું છે.”

ક્રિશ પોતાની બહેનની સાથે બધા ભાઈ બહેનની જેમ જ નાની મોટી વસ્તુઓ માટે જગડતો રહે છે. પણ બંને ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ પણ છે.

ક્રિશ ચૌહાણ છેલ્લે કલર્સ ટીવી પર પ્રસારિત થયેલી સિરિયલ રામસિયા કે લવકુશમાં કુશના પાત્રમાં જોવા મળ્યો હતો અને ફરી એકવાર એને પોતાની એક્ટિંગથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત