હવામાન વિભાગની આગાહીઃ આટલા રાજ્યોમાં અતિભારે વરસાદ સાથે વાવાઝોડાને લઈને એલર્ટ

હાલ દેશભરમાં ચોમાસું સક્રિય થયું છે અને ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે દેશના અનેક રાજ્યોમાં ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર બંગાળી ખાડી અને પશ્ચિમ બંગાળ પર દબાણ સર્જાતા આગામી કેટલાક દિવસો સુધી દેશભરમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

image source

હવામાન વિભાગની જાણકારી અનુસાર આગામી 48 કલાકમાં યૂપી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં યેલો એલર્ટ રહેશે. હવામાન વિભાગે 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને વાવાઝોડા માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે ગુજરાતમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

image source

ભારતીય હવામાન વિભાગે શનિવાર અને રવિવાર માટે ભારે વરસાદની આગાહી કરી છે અને પૂર્વી અને પશ્ચિમી મધ્ય પ્રદેશ અને પૂર્વી રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ સાથે વિજળી પડવાની પણ સંભાવના છે.

image source

ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસાની સિસ્ટમમાં લો પ્રેશર સક્રિય થતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે આગાહી એમ પણ કરી છે કે રવિવાર અને 1લી ઓગસ્ટથી રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે મોડાસા, પાટણ, મહેસાણામાં આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ આગામી 4થી 5 દિવસ દરમિયાન થશે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પણ રાજ્યમાં સપ્તાહના અંતે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારે આ સપ્તાહના અંતે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે તેવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે આગામી સપ્તાહમાં રાજ્યભરમાં ફરીથી સાર્વત્રિક વરસાદ થશે. આ આગાહીથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.