કોરોના મહામારીમાં કેરીના ભાવ આસમાને, જાણો નિષ્ણાતો શું કહે છે આ વિશે
સમસ્ત ભારતમાં ફળોના રાજા સમજાતી કેરીની પધરામણી થઈ ચૂકી છે,પણ વિતેલા વર્ષની સરખામણીએ આ વખતે આપણને કેરી વધારે મોંધી મળશે.

કેરીનાં મુખ્ય મથક એવા દક્ષિણ ગુજરાતની વાત કરી તો, વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષની સરખામણીમાં કેરીના ભાવ આ વખતે લગભગ 40થી 50 ટકા વધારે છે. હજુ પચાસ ટકા માલ જ બજારમાં આવ્યો છે, એમાં જો કમોસમી વરસાદ પડશે તો કેરીની ખેતી કરતા ખેડુતોને મોટા નુકશાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે.
આ લોકડાઉનમાં કેરીના ભાવ કેવી રીતે વધી શકે? કારણ એક તો અચાનક થયેલ માવઠાને કારણે કેરીના પાકને નુકશાન થયું છે. બીજુ કેરીના પાક ઉતારવા માટે ઉતરપ્રદેશના શ્રમિકો એક્સપર્ટ હોય છે, જે લોકડાઉનને કારણે વતન ચાલ્યા ગયા છે. પાક ઉતારવા શ્રમિકો ન હોવાને કારણે સમયસર પાક ઉતારી નહીં શકાતા કેરીનો બગાડ થયો છે. લોકડાઉનને કારણે ટ્રાન્સ્પોટેશનમાં પણ ઘણા અવરોધો છે. આ માટે કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

એપીએમસી માર્કેટ, સુરતના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે કેરીના ભાવમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે અમારી બજારમાં દોઢ લાખ ટન કેરીની આવક હતી જેની સામે આ વખતે માંડ એક લાખ ટનની આવક થઇ છે. લોકડાઉનને કારણે બધાને ભારે સમસ્યાઓ થઇ હતી, પણ એપીએમસી માર્કેટના ચેરમેન રમણ જાની, સાંસદ સી.આર. પાટીલ અને મે મળીને રજૂઆત કરી, ખેડુતોની સમસ્યા સુલજાવી છે એટલે હવે પાકના ટેમ્પો સુરતમાં આવતા થયા છે.

નગર પાલિકાના સહકારથી શહેરના જુદા જુદા વિસ્તામાં કેરીના વેચાણ માટે સેન્ટરો પણ ઉભા કરાયા છે. સુરતના નાગરિકો માટે સારી વાત એ છે કે આ વખતે લોકડાઉનને કારણે ગુજરાત બહારના મોટા શહેરોમાં કેરી મોકલી શકાય નથી એટલે મોટાભાગની કેરી વેચાણ માટે સુરતના બજારમાં જ આવી રહી છે. માર્કેટના ચેરમેન રમણ જાનીએ કહ્યું હતું કે અથાણાં ભરવાની રાજાપુરી,કેસર, હાફુસ જેવી કેરીનું સુરતમાં આગમન થઇ ગયું છે. પરંતુ જો નજીકના દિવસમાં વરસાદ આવી જશે તો ખેડુતોને મોટું નુકશાન થશે.
માર્કેટના ડિરેક્ટર અને કેરીના વેપારી એવા બાબુશેખનું કહેવું છે કે આ વખતે કેરીનો ભાવ રાજાપુરી 500 થી 650, તોતાપુરી- 300 થી 400, વલસાડી હાફુસ 1000 થી 1400,કેસર 1000 થી 1500,લંગડો 1000 થી 1200, અને દશેરી કેરી 800 થી 1000નો ભાવ છે. જે ગયા વર્ષની સરખામણીએ ચાલીસ ટકા કરતાં વધારે છે.

કેરીના ભાવ વધારે હોવાના કારણો આપતા બાબુભાઇએ કહ્યું હતું કે, કેરી તોડવાની રીતને બેડવું કહેવામાં આવે છે અને કેરી સારી રીતે તોડવાના મજુરીના કામમાં સૌથી વધારે યુ.પીના શ્રમિકો જોડાયેલા હોય છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે મોટાભાગના શ્રમિકો પોતાના વતન રવાના થઇ ગયા છે એટલે કેરી સલામતીથી ઉતારવામાં ભારે તકલીફ પડી રહી છે. કેરીનો પાક સમયસર ઉતારી શકાતો નથી માટે કેરી બજારમાં આવતી નથી એટલે કેરીની આવક પણ મોડી શરૂ થઇ છે. બાબુ શેખનું માનવું છે કે ડીમાન્ડ અને સપ્લાય વચ્ચેના ગેપના કારણે કેરીના ભાવ હજુ કોઈ રીતે ઘટે તેવી શકયતા નથી

આપણને મળતી કેરી કયાં કયાંથી આવે છે એ જાણવું તમને ગમશે. સમસ્ત ગુજરાતમાંથી કેરીનો પાક સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં થાય છે અને સુરતમાં ,વલસાડ, અમલસાડ, અંકલેશ્વર, ગણદેવી, વાપી, નવસારી, પારડી , ઉદવાડા, ચીખલી જેવી જગ્યાથી કેરી આવે છે. સૌરાષ્ટ્રનાગીર અને તલાલા પંથકમાંથી કેસર કેરી આવે છે.
દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્રની કેસર પસંદ આવતી નથી. સુરત શહેરના લોકો વધારે દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરી ખાવાનું પસંદ કરે છે. કર્ણાટકથી અને રત્નાગિરીથી હાફુસ આવે છે પણ તેની સિઝન હવે પુરી થઇ ગઇ છે. યુ.પી.થી લંગડો, દશેરી જેવી કેરી આવ છે, પણ તે સુરતની કેરીની સિઝન પુરી થયાના એક મહિના પછી બજારમાં આવે છે.

લોકડાઉનમાં કેરીનું વેચાણ પેક બોક્સમાં થતું હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે લોકોની હજુ સુધી માનસિકતા એવી જ છે કે નજરે જોઇને, સૂંઘીને પછી જ કેરી ખાવાની મજા આવી શકે. પેક બોકસમાં એ વિશ્વાસ આવતો નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત