2 જ મિનિટમાં પ્લેન 30 હજાર ફૂટ નીચે આવ્યું, પહાડમાં આવીને આગ લાગી, કેટલાય લોકોના મોતની આશંકા

ચીનના ગુઆંગસીમાં સોમવારે બપોરે એક મોટી વિમાન દુર્ઘટના બની. 132 મુસાફરોને લઈને ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર એરલાઈન્સનું વિમાન ગુઆંગસીના પહાડોમાં ક્રેશ થયું છે. જેમાં 123 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર સામેલ હતા. જે ટેકરી પર આ પ્લેન ક્રેશ થયું તેની કેટલીક તસવીરો સામે આવી છે. તેમાં જોવા મળે છે કે પ્લેન ક્રેશ થયા બાદ ત્યાંના જંગલમાં આગ લાગી.

આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોની સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતની તસવીરો જોઈને અનેક મુસાફરોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

image source

લેન્ડિંગની 43 મિનિટ પહેલા વિમાનનો સંપર્ક તૂટ્યો

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ફ્લાઈટ MU 5735એ કુનમિંગ ચાંગશુઈ એરપોર્ટથી બપોરે 1.15 કલાકે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ બપોરે 3 વાગ્યે ગુઆંગઝુ પહોંચવાની હતી. અહેવાલો અનુસાર, પ્લેન બે મિનિટથી ઓછા સમયમાં 30,000 ફૂટ નીચે પડી ગયું.

ટેક-ઓફના 71 મિનિટ બાદ આ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. લેન્ડિંગની 43 મિનિટ પહેલા પ્લેનનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો. મુસાફરોને લઈ જતું વિમાન બોઈંગ 737 છે. બોઇંગ સાડા છ વર્ષથી એરલાઇનમાં કાર્યરત હતી. આ અકસ્માત અંગે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ મોડલના વિમાનો ભૂતકાળમાં ઘણી વખત અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે.

ગયા વર્ષે વિશ્વમાં 15 મોટા વિમાન અકસ્માતો થયા

વર્ષ 2021 માં, વિશ્વભરમાં 15 જીવલેણ વિમાન દુર્ઘટના થઈ. જેમાં કુલ 134 મોત થયા છે. સૌથી મોટો અકસ્માત શ્રીવિજય એર બોઇંગ 737-500નો હતો, જે ઇન્ડોનેશિયામાં ક્રેશ થયો હતો. 9 જાન્યુઆરી 2021ના રોજ થયેલા અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા હતા. ચીનમાં સૌથી મોટી વિમાન દુર્ઘટના 2010માં થઈ હતી, જેમાં હેનાન એરલાઈન્સનું એમ્બ્રેર E-190 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 96 મુસાફરોમાંથી 44 લોકોના મોત થયા હતા.