Site icon News Gujarat

શું તમે જાણો ગુજરાતના આ રસપ્રદ તથ્યો વિશે?

ગર્વિલા ગુજરાતીઓ માટે આજનો દિવસ છે ઉજવણીનો – 1લી મે ગુજરાતનો સ્થાપના દિવસ

image source

આજે છે ગુજરાતનો સ્થાપના દિવસ તો જાણો આપણા ગુજરાત વિષેના કેટલાક રસપ્રદ સત્યો વિષે

ગર્વિલા ગુજરાતીઓ માટે આજે છે અત્યંત મહત્ત્વનો દિવસ. પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને સાથે સાથે મહારાષ્ટ્રનો પણ.

ગુજરાતની એક અલગ રાજ્ય તરીકેની સ્થાપનાને આજે 59 વર્ષ થઈ ગયા છે. દેશ જ્યારે આઝાદ થયો તે વખતે મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યો બોમ્બે પ્રદેશનો એક ભાગ હતા. પણ છેવટે તેમને ભાષા તેમજ પ્રાંતની રીતે અલગ કરવામાં આવ્યા અને બે નવા રાજ્યોની સ્થાપના કરવામાં આવી.

આપણો આખો દેશ ભાષાકીય, કુદરતી તેમજ આબોહવાની રીતે વૈવિધ્યતા ધરાવે છે. અને આપણું ગુજરાત પણ આ ખાસ વિશેષતાઓ ધરાવે છે. દેશમાં ગુજરાતનો સમુદ્ર કિનારો સૌથી લાંબો ગણવામાં આવે છે. આ ઉપરાંત તાજેતરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિ કે જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે તે પણ ગુજરાતમાં આવેલી છે. આ ઉપરાંત કચ્છના સફેદ રણનું પણ પ્રવાસીઓમાં ઘણું આકર્ષણ રહેલું છે.

image source

ગુજરાત એ દેશનું સાતમું સૌથી મોટું રાજ્ય છે. ગુજરાતના સાસણ ગીરમાં વસતા એશિયાઈ સિંહોને પણ દેશ દુનિયાથી લોકો જોવા આવે છે. ગુજરાત એ દક્ષિણ તેમજ પશ્ચિમ દિશાઓથી સમુદ્રથી ઘેરાયેલું રાજ્ય છે તો તેની ઉત્તરે રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન દેશની સરહદ આવેલી છે.

1લી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કવરામાં આવી હતી. અને ગુજરાતને એક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અને ઉપર જણાવ્યું તે પ્રમાણે તે મુંબઈનો જ એક હિસ્સો હતું. તો ચાલો હવે આપણે ગુજરાતનો ઇતિહાસ પણ થોટો સંક્ષિપ્તમાં જાણી લઈએ.

જાણો ગર્વિલા ગુજરાતના ઇતિહાસને થોડાં શબ્દોમાં

image source

ગુજરાતનો ભૌગોલીક અને રાજકિય ઇતિહાસ ઘણો જૂનો છે અને ઘણો જ રસપ્રદ છે. અહીંની સદીઓ જૂની હડપ્પા સંસ્કૃતિથી માંડીને મુઘલ કાળની હકીકતોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતનો ઇતિહાસ 2000 ઇસા પૂર્વેનો માનવામાં આવે છે. આપણા ગુજરાત પર અનેક શાસકોએ શાસન કર્યું જેના અવશેષો હજુ પણ ક્યાંકને ક્યાંક જોવા મળે જ છે. ગુજરાતમાં મૌર્ય અને ગુપ્ત શાશન ઘણા મહત્ત્વના અને મુખ્ય છે. પ્રાચીન સમયમાં ગુજરાતને એક સમૃદ્ધ રાજ્ય માનવામાં આવતું હતું. સોલંકી સમયમાં ગુજરાતે ખુબ જ સમૃદ્ધિ જોઈ છે. જો કે ત્યાર બાદ ગુજરાત પર ઘણા બધા વંશો તેમજ મુઘલોએ સાશન ચલાવ્યું હતું.

ભારતની સ્વતંત્રતાની લડાઈની વાત કરીએ તો ગુજરાતે તેમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતનું દેશની આઝાદીની લડતમાં એક મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ પણ ગુજરાતમાં જ થયો હતો. જેમનું ભારતના ઘડતરમાં ખૂબ જ મોટું અને મહત્વનું યોગદાન રહ્યું છે.

image source

ગુજરાતના ભુગોળની વાત કરીએ તો તે 1,96,063 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું વિશાળ રાજ્ય છે. અને 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યની વસ્તી 6,038,3628ની છે. ગુજરાતમાં સામાન્ય રીતે બધા જ ગુજરાતી બોલે છે જો કે દરેક જિલ્લાના ગુજરાતી લહેકા અલગ અલગ હોય છે આ ઉપરાંત લોકો હિન્દી પણ સારું બોલી જાણે છે. અને શહેરોમાં લોકો ઇંગ્લીશ ભાષા પણ બોલી લે છે. ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત એ પણ છે કે આપણે 79.31 ટકાનો સાક્ષરતા દર ધરાવીએ છીએ.

ગુજરાતના કુદરતી – ઐતિહાસિક પ્રવાસન સ્થળો

image source

ગુજરાતમાં અગણિત પ્રવાસન સ્થળો આવેલા છે. જેની સાથે વિવિધ ઇતિહાસ પણ જોડાયેલો છે. ધાર્મિક સ્થળોની વાત કરીએ તો જગદંબા માતાની 51 શક્તિપિઠોમાંની અત્યંત મહત્ત્વની શક્તિપિઠ અંબાજી ખાતે આવેલી છે. તો વળી કૃષ્ણ ભગવાનના મહત્ત્વના ચાર ધામોમાંનું એક એવું દ્વારકા પણ અહીં આવેલું છે. તો ભોળાનાથના મહત્ત્વના જ્યોતિર્લિંગોમાંના બે જ્યોતિર્લિંગ અહીં આવેલા છે. જેમાંથી એક છે સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ. તો વળી ગાંધીજીનું જન્મ સ્થળ પોરબંદર પણ એક જોવા લાયક સ્થળ છે. અને અમદાવાદમાં રહેલાં અને અમદાવાદ ફરવા આવતા લોકોએ સાબરમતી આશ્રમની મુલાકાત તો લેવી જ જોઈએ.

ગુજરાત પુરાતત્વ વાસ્તુકળા માટે પણ એક મહત્ત્વનું સ્થળ છે. અહીંનું મોટું શહેર અમદાવાદનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થાય છે. તો પાટળમાં આવેલી વાવ, સિદ્ધપુર, વડનગર, મોઢેરાનું સુર્ય મંદીર, લોથલ સ્થળો પણ ઐતિહાસિક રીતે જોવા તેમજ જાણવાલાયક છે. અને અહીંના સમુદ્ર કિનારાની તો વાત જ કરવી રહી. અહીંનો અહમદપુર માંડવીનો સમુદ્ર કિનારો, ચોરવાડનું દરિયાઈ સૌંદર્ય, તિથલનો દરિયા કિનારો, ગીરનું અભયારણ્ય, અને સાપુતારાનું હિલ સ્ટેશન પણ પર્યટકોને ખૂબ પસંદ છે.

ગુજરાતના આ રસપ્રદ તથ્યો વિષે શું તમે જાણો છો ?

image source

– ગુજરાતમાં સમુદ્રિ વ્યવહાર માટે 40 બંદરો તેમજ પોર્ટ આવેલા છે. જેમાં કંડલા પોર્ટ મુખ્ય છે.

– ગુજરાત સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પોલિશ્ડ હિરાનું ઉત્પાદન કરતું રાજ્ય છે. સમગ્ર વિશ્વમાં વેચાતા પોલિશ્ડ હિરાનું 80 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. અને સુરત એ વિશ્વનું સૌથી મોટું ડાયમન્ડ હબ માનવામાં આવે છે.

– હવાઈમથકની દ્રષ્ટિએ પણ ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. અહીં 18 ડોમેસ્ટિક એરપોર્ટ તો એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે.

– ભારતની FDIની વાત કરીએ તો તેમાં ગુજરાતની 5 ટકા ભાગીદારી છે. જે પણ એક ગુજરાતી માટે ગર્વની વાત છે.

image source

– ગુજરાત એ ભારતનું સૌથી વધારે મીઠુ ઉત્પાદન કરતું રાજ્ય છે. તમને જણાવી દઈએ કે દેશના મીઠાના ઉત્પાદનમાં 60 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

– જીન્સ એટલે કે ડેનિમના ઉત્પાદનમાં પણ ગુજરાતનું 65થી 70 ટકાનું યોગદાન છે. અને તેમાં ગુજરાતનો વિશ્વમાં ત્રીજો નંબર આવે છે.

-ગુજરાત રાજ્યમાં પ્રત્યક્ષ ફોરેન ઇનવેસ્ટમેન્ટ 2000ના વર્ષથી 2019 સુધીમાં 24.47 બિલિયન અમેરિકન ડોલરનું રહ્યું છે. જે એક ખૂબ મોટી રકમ છે. આ આંકડો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા આપવામાં આવેલો છે.

image source

– ગુજરાતને ભારતનું પેટ્રોલિયમ કેપિટલ પણ માનવામાં આવે છે.

– ખેતીની દ્રષ્ટિએ પણ ગુજરાત મહત્ત્વનું યોગદાન આપે છે. દેશના મગફળી, કપાસ, તેમજ તમાકુના ઉત્પાદનમાં ગુજરાત મુખ્ય રાજ્ય છે.

Exit mobile version