આ કારણોસર કાચીંડાઓ બદલે છે પોતાના શરીરનો રંગ, જાણો રોચક માહિતી
કાચીંડાઓ રનાગ બદલવા માટે બહુ જાણીતો છે અને તેની આ આદત વિશે આપણે સૌ જાણીએ પણ છીએ. પરંતુ કાચીંડાઓ શા માટે રંગ બદલે છે તેના વિશેની માહિતી બહુ ઓછી પ્રચલિત છે.

જો તમે પણ કાચીંડાના રંગ બદલવા પાછળનું કારણ જાણવા ઇચ્છતા હોય તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી થશે. આ આર્ટિકલમાં અમે આપને કાચીંડાના રંગ બદલવા પાછળના વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક બન્ને કારણો વિશે જણાવીશું.
જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાના મોટાભાગના જીવોની કઇંક ખાસિયત હોય છે જેના આધારે તેઓ પોતાનું જીવન જીવે છે. આ મુજબ કાચીંડાઓ પણ પોતાના શરીરનો રંગ બદલવા માહિર છે. એવું માનવામાં આવે છે કે રંગ બદલવાની આ ખાસિયતનો ઉપયોગ કાચીંડો પોતાની સુરક્ષા માટે કરે છે. એ જે જગ્યાએ હોય તે જગ્યા અનુસાર પોતાના શરીરનો રંગ બદલે છે જેથી તે શિકારીઓથી બચી શકે.

ઉપરાંત કાચીંડાઓ પોતાના પેટ ભરવા માટે જે શિકાર કરે છે તે શિકારની પ્રક્રિયા દરમિયાન પણ પોતાના શરીરનો રંગ બદલે છે જેથી શિકાર અસમંજસની સ્થિતિમાં સ્થિર રહે છે અને અંતે તે કાચીંડાનો કોળિયો બની જાય છે. આ હું કાચીંડાના રંગ બદલવા પાછળનું પ્રાકૃતિક કારણ.
હવે કાચીંડાના રંગ બદલવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જોઈએ. એક રિસર્ચ મુજબ કાચીંડાઓ પોતાની ભાવનાઓના આધારે પણ રંગ બદલે છે. ગુસ્સો, આક્રમકતા, બીજા કાચીંડાઓ સાથે વાત કરવા અને તેને પોતાના મૂડ વિશે જણાવવા પણ કાચીંડાઓ રંગ બદલે છે. રિસર્ચ મુજબ કાચીંડા પોતાના શરીરનો રંગ નથી બદલતા પણ ફક્ત ચમક બદલે છે. એટલું જ નહીં તેના જીવનું જોખમ ઉભું થાય તો કાચીંડા પોતાના શરીરનું કદ મોટું અને નાનું પણ કરી શકે છે.
હવે જાણીએ કે કાચીંડો પોતાનો રંગ કઇ રીતે બદલે છે. અસલમાં કાચીંડાના શરીર પર ફોટોનિક ક્રિસ્ટલ નામનું એક પડ હોય છે જે કાચીંડાને માહોલ અનુસાર રંગ બદલવામાં મદદ કરે છે. ફોટોનિક ક્રિસ્ટલનું પડ પ્રકાશની પરાવર્તન ક્રિયામાં બાધા નાખે છે જેથી કાચીંડાનો રંગ બદલાયો હોવાનું દેખાય છે. દાખલા તરીકે જ્યારે કાચીંડો ગુસ્સામાં હોય ત્યારે ફોટોનિક ક્રિસ્ટલનું પડ ઢીલું પડી જાય છે જેથી તેનો રંગ લાલ અને પીળા જેવો દેખાવા લાગે છે.
વળી, જ્યારે કાચીંડો શાંત હોય ત્યારે આ ક્રિસ્ટલ પ્રકાશનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને પરાવર્તીત કરી દે છે. ઉપરાંત કાચીંડાને ક્રિસ્ટલનું વધુ એક પડ પણ હોય છે જે અન્ય પડ કરતા વધુ મોટું હોય છે જે કાચીંડાને ગરમીથી પણ બચાવે છે.