જનેતા છે કે પાપી: નવજાત બાળકીને લોહીથી લથબથથી હાલતમાં કચરાના ઢગલામાં ફેંકી દીધી, જોનાર પણ ધ્રુજી ઉઠ્યા

દિવાળીનો પર્વ નજીક છે ત્યારે લોકો લક્ષ્મીપૂજનની તૈયારીઓ પોતાના ઘર માટે કરવા લાગ્યા હશે તેવામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે લક્ષ્મી સ્વરૂપ દીકરીને જન્મતાની સાથે જ મરવા માટે ફેંકી દેતા હોય છે. દિવાળીમાં વધારાનો સામાન જેમ કોથળીમાં ભરીને ફેંકી દેવામાં આવે છે તેમ સુરત શહેરમાં એક ક્રૂર જનેતાએ એક નવજાત બાળકીને કોથળીમાં ભરી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. જો કે કહેવત છે ને કે જેના રખોપા ખુદ ઈશ્વર કરે તેને કોઈ કંઈ કરી શકે નહીં. ઈશ્વરે જેને જન્મ આપ્યો છે તેનું મોત માણસના હાથે ન થઈ શકે. ભલેને જન્મ દેનાર ખુદ માતાએ બાળકીને મરવા છોડી દીધી પરંતુ ઈશ્વરે તેના જીવની રક્ષા કરી અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને બાળકીનો અવાજ સંભળાયો અને તેને સારવાર અર્થે ખસેડી હતી.

સુરત શહેર સહિત અનેક જગ્યાઓએ નવજાત બાળકીઓને ત્યજી દેવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે સુરતમાં ફરી એકવાર એક જનેતા ક્રૂર બની છે. એક નવજાત બાળકીને પ્લાસ્ટિકના ઝબલામાં વીંટી અને કચરાના ઢગલામાં મુકી દેવામાં આવી હતી. જો કે સવારની ઠંડીમાં રડતી બાળકીનો અવાજ ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને સંભળાયો અને તેણે જોયું તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ.

image soucre

કચરાના ઢગલા પાસેથી પસાર થતા લોકોને નવજાતના રડવાનો અવાજ સંભળાયો હતો. તેમણે આસપાસ નજર કરી તો એક થેલી જોવા મળી. આ થેલી ત્યાંથી પસાર રાહદારીઓએ ખોલી તો તેમને અંદરથી લોહીથી લોટપોટ એક બાળકી મળી આવી જે તાજી જન્મેલી હતી અને બરાબર સાફ પણ કરવામાં આવી ન હતી. એટલે કે જન્મ આપ્યાની સાથે જ જનેતાનો વિચાર નક્કી હતો કે તેને જીવવા નથી દેવી.

image soucre

જો કે રિક્ષા ચાલક, એક મશીન ઓપરેટર અને અન્ય રાહદારીઓએ બાળકીને કપડાથી સાફ કરી અને 108ને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. આ બાળકી પર સૌથી પહેલા નજર એક શ્રમિકની પડી હતી. તેણે જણાવ્યાનુસાર તે ભેસ્તાન બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે મહાદેવના મંદિરની સામેથી પસાર થતી વખતે તેને બાળકીના રડવાનો અવાજ સંભળાયો. તેણે કચરાના ઢગલાની નજીક જઈ જોયું તો એક કોથળીમાં હલનચલન થતું જોવા મળ્યું. તેણે હિંમત કરી અને કોથળી ખોલી તો તેમાં બાળકી મળી આવી હતી. બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી તેથી તે પણ એકવાર તો ગભરાઈ ગયા હતા.

બાળકીને સ્થાનિકોએ 108 મારફતે સિવિલ હોસ્પિચલ ખસેડી અને તેને એનઆઈસીયુમાં સારવાર આપવામાં આવી. ડોક્ટરોના જણાવ્યાનુસાર બાળકીને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવી છે અને તેની હાલત હાલ સ્થિર છે.