‘ખુશી મળે એ જ કામ કરવું’ સાબિત કરવા માટે યુવકે કરોડોનો બિઝનેસ અને દુબઈની હાઇ પ્રોફાઇલ નોકરી ફગાવી દીધી

આજે એક એવા નવ યુવાન વિશે વાત કરવી છે કે જેમણે પહેલાં MBAનો અભ્યાસ કર્યા પછી એન્જિનિયરિંગ ક્ષેત્રનો અભ્યાસ કર્યો, પછી કંપની સ્થાપી. ભારે સફળતા મળ્યા બાદ માત્ર આત્મસંતોષ ખાતર આવો જામી ગયેલો બિઝનેસ પણ છોડી દીધો. પછી દુબઈની હાઈ પ્રોફાઈલ જોબની ઓફરમાં ડગ્યા વગર મફતમાં ગર્ભ સંસ્કાર આપવાનું કામ શરૂ કર્યું. પરંતુ આ બધી જ સીડીમાં સફળ થનાર યુવક એટલે કે આશિષ ભલાણી. આશિષ એક સમયે એવો ગંભીર અકસ્માતનો ભોગ બન્યો કે તેને અલ્સરની બીમારી થઈ ગઈ, પરંતુ આ નવા જીવનમાં હવે માત્ર હેપીનેસ હેકર તરીકે જ આગળ વધી રહેલા આ યુવક વિશે તમને જાણીને આનંદ થશે.

image source

જીવનમાં માત્ર આનંદ પોતાનો અને બીજાનો વધારવો એવો એક જ ધ્યેય રાખનાર આશિષ ભલાણી હાલ દુબઈની ઓફર નકારીને વિના મૂલ્યે ગર્ભ સંસ્કારનું કામ કરી રહ્યા છે. તેઓ પોતાની આ આખી વાત કરતાં કહે છે કે અલગ અલગ પ્રકારનાં કામ દરમિયાન મને દુબઈ સેટ થવાનો અને કામ કરવાનો જીવનનો કદાચ ગોલ્ડન ચાન્સ મળ્યો, પણ અદભુત વિભૂતિ પૂજ્ય મોટાએ એક ઉત્તમ કારકિર્દી માટેની વ્યાખ્યા કરતા કહેલું કે અમુક લોકો રૂપિયા કમાવવા કામ કરે, અમુક પેટ માટે તો અમુક લોકો જે ગમે એ જ કામ કરે અને ચોથા પ્રકારમાં કશુંક ચોંટી જાય અને પછી એ જ કરવા લાગે, એ જ ઉત્તમ કારકિર્દી છે.

image source

આશિષ પોતાના વિશે વાત કરતાં કહે છે મને લાગે છે કે મને આ હેપીનેસ અને ગર્ભ સંસ્કારનું કામ ચોંટી ગયું છે. જેથી મેં દુબઈની ઓફરને સ્વીકારી નહીં. હાલમાં ગર્ભ સંસ્કારની હું કોઈ ફિક્સ એમાઉન્ટ ચાર્જ કરતો નથી. જેમ પુરાણોમાં આપણા ઋષિઓ જ્ઞાન વેચતા નહીં, પણ વહેંચતા હતા એવું જ કંઈક મારી ઈચ્છા છે અને હું હાલમાં એવું જ કરી પણ રહ્યો છું. ગર્ભવતી માતા અને તેનો પરિવાર જે મૂલ્ય યોગ્ય લાગે એ નક્કી કરીને મને આપી દે છે. શું આપ્યું એ મારા માટે મહત્વનું નથી, પણ મારા પરનો તેમનો વિશ્વાસ જે છે એ જ મારી કિમત છે અને એ અમૂલ્ય છે. હું માનું છું કે સરહદ પર કહેવાતા દુશ્મનોને રોકવા જેટલા જરૂરી છે એના કરતાં પણ વધુ જરૂરી મને લાગે છે કે નબળી માનસિકતા અથવા શારીરિક નબળાઈવાળું બાળક ન જન્મે અને એક ઉત્તમ નાગરિક સમાજને મળે એ ખુબ જરૂરી છે.

image source

2011માં એન્જિનયરિંગના છેલ્લા વર્ષે આશિષ સાથે જે થયું એના વિશે તેઓ વાત કરે છે કે ત્યારે છેલ્લું પેપર આપવા જતી વખતે અકસ્માત થયો અને સ્પાઇનનો એક મણકો ભાંગીને ભુક્કો થયો, જેને કારણે 19 દિવસ સુધી મને હોસ્પિટલમાં અને 2 મહિના સાવ જ બેડ પર તથા 6 મહિના ઘરમાં જ રહેવું પડ્યું હતું. અક્સ્માતમાં જો જરા પણ વધારે આમતેમ થયું હોત તો પેરેલિસિસથી શરીરનું કોઈપણ અંગ નકામું થઈ શકે એવી પૂરી શક્યતા હતી એવી પણ આશિષે વાત કરી હતી. હવે આ 2 પ્લેટ અને 6 સ્ક્રૂના સહારે રહેવાનું છે. પત્ની પણ એવી મળી છે, જે આ સ્થિતિ અંગે જાણતી હોવા છતાં મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી, માટે હું તેનો પણ ખુબ આભારી છું. વર્ષ 2014માં MBA પૂરું કર્યા પછી 16 દિવસની એક નોકરી કરીને પોતાનો ધંધો કરવો છે એમ નક્કી કરીને ત્રણ જણા ભેગા મળીને માથામાં નાખવાનું તેલ બનાવ્યું હોવાનું કહ્યું હતું.

image source

આશિષ ભલાણીએ આ સાથે જ તેમના અનુભવ વિશે વાત કરી હતી કે હું માર્કેટિંગનું ભણેલો અને અનુભવ હતો, એટલે જાણતો હતો કે કોઈ દુકાનવાળો મારી પ્રોડક્ટ નહીં જ વેચે, એટલે અમે બ્યૂટીપાર્લર અને હેર સલૂનમાં મળવાનું શરૂ કર્યું અને લગભગ 2 મહિનામાં 50 કરતાં વધુ બ્યૂટીપાર્લર અને હેર સલૂનમાં અમારી પ્રોડક્ટ સેલ થવા લાગી. પછી તરત જ અમે શેમ્પૂ બનાવ્યું અને માર્કેટમાં રિપીટ ઓર્ડર આવવાનું શરૂ થયું હતું. એક પછી એક પ્રોડક્ટ બનાવી અને આ રીતે અમારો ધંધો જામતો ગયો. મારા સ્કૂલના બેસ્ટ ફ્રેન્ડ વિશાલ ગોટીએ મને તેની સાથે જોડાવાની ઓફર આપી, જેમાં પણ મારે માર્કેટિંગ ભાગ જ જોવાનો હતો અને તે ધંધામાં 1 વર્ષ એકપણ રૂપિયાનો ધંધો ના લાવી શક્યો અને વર્ષના અંતે L&T કંપનીનો 1 કરોડ અને 30 લાખનો એક મોટો કોન્ટ્રેક્ટ મારા થકી નક્કી થયો અને પછી 3 વર્ષમાં ખૂબ કામો કર્યાં.

આગળ વાત કરતાં આશિષે મિત્રો વિશે અને તેની સફર વિશે વાત કરી કે અલગ અલગ શહેરો અને રાજ્યો ફરવા મળ્યાં. મુંબઈ, કોલકાતા,આંધ્રપ્રદેશ,વગેરે જગ્યાએ અંદરથી કામનો સંતોષ નહોતો મળતો, કેમ કે 2009થી મનમાં હતું કે હું કોમ્યુનિકેશન અથવા એજ્યુકેશન ક્ષેત્રે જ કામ કરીશ. હું ત્યારે EC ભણી રહ્યો હતો એટલે ઇલેક્ટ્રોનિક્સ કાઢીને મેં કોમ્યુનિકેશન પર વધારે ધ્યાન આપવાનું નક્કી કરી એમાં મહેનત કરવા લાગ્યો. અમે બે મિત્રોએ મળીને અમદાવાદમાં એક બ્રાન્ડિંગ એજન્સી સ્થાપી અને કામો શરૂ કર્યું હતું.

image source

અમદાવાદની આ સફર વિશે વાત કરતાં આશિષ ભલાણીએ કહ્યું હતું કે અમને કામો મળ્યાં, ખૂબ મળ્યાં, પણ એક દિવસ એક વડોદરાના ડૉક્ટરને ગર્ભ સંસ્કાર પર એપ બનાવવી હતી. એ પ્રોજેક્ટ હું જોઈ રહ્યો હતો અને એ કામનો એવો નશો ચડ્યો કે થાક લાગે જ નહીં અને પછી નક્કી કર્યું કે કામ કરવું તો આ જ. અને મેં 2020ના દશેરાના દિવસે અચાનક જ નક્કી કર્યું કે કાલથી હું કામ નહીં કરું અને પૂરું ફોકસ ગર્ભ સંસ્કાર પર કરીશ. 7 મહિનાના બાળકને લાખોમાં એકને થાય એવી બીમારી થઈ, જે મારો ભત્રીજો અને તેના જન્મ વખતે મારો ભાઈ બેલ્જિયમની જેલમાં સજા કાપી રહ્યો હતો અને એ જ સમયે મારા જીવનના અતિ પ્રિય એવી વ્યક્તિ મારા દાદાનું રોડ માર્ગ અકસ્માતમાં રિકવર ના થવાથી મૃત્યુ થયું અને આ બધી જ ચિંતામાં મને તે જ વર્ષે અલ્સર ડિટેક્ટ થયું.

image source

આગળ વાત કરી કે ત્યારે ઘર પરિવારને વધુ ચિંતા એ વાતની કે 2007માં મારા કાકાનું પેટના કેન્સરથી મૃત્યુ થયું અને મને અલ્સર આવ્યું પણ ભગવાનની દયાથી આજે બધું જ ખૂબ સરસ છે. આજે મારો ભાઈ મારા માટે પ્રેરણા સમાન છે, જે સમાજમાં પોતાની ભૂલ સ્વીકારી અને આર્થિક નુકસાન થવા છતાં હિંમત ના હારી પોતાનો સંઘર્ષ કરે છે. તે મારા માટે ખૂબ મોટો પ્રેરણા સ્તંભ બને છે. એ સિવાય મારાં માતા-પિતા અને પત્નીનો ખૂબ આભારી છું મને સહકાર આપવા બદલ. આશિષે પૈસા વિશે વાત કરી કે મને 2 વ્યક્તિએ ગર્ભ સંસ્કાર એપ માટે ફંડ આપવાની તૈયારી બતાવી, પરંતુ મેં નક્કી કર્યું કે હવે હું પૈસા લઈને આ કામ નહીં કરી શકું અને જાતે જ આ વિચારને આગળ લઈ જઈશ. TEDx જેવા વર્લ્ડ પ્લૅટફોર્મ પર બોલવાનો મોકો મળ્યો અને એ પણ હેપીનેસ વિશે.

image source

ત્યારબાદ કોરોના વિશે વાત કરીએ તો કોરોનાએ આખી દુનિયાને જાણે ઠપ જ કરી દીધી હોય એમ લાગતું હતું. આશિષ પણ આ વિશે વાત કરતાં કહે છે કે સુરતથી લોકડાઉનના 5 દિવસ પહેલા જ શિફ્ટ થયો અને પછી આસપાસના લોકો સાથે સંબંધ કેમ બનાવવો એ વિચાર સાર્થે મેં એક પ્રયોગ કર્યો અને મારી ઘરની નાની લાઇબ્રેરીને લોકો માટે ઓપન કરી અને લોકોએ ખૂબ લાભ લીધો વાંચનનો. મને નવા સબંધો અને મિત્રો મળ્યા. લોકડાઉનમાં ભૂખ્યાને ભોજન પહોંચાડવા દાલરોટી નામનું એક પ્લેટફોર્મ બનાવ્યું, જેના દ્વારા લોકોને મદદ કરી. પછી UAEની એક કોમ્પિટિશનમાં ભાગ લીધો અને અમારા આઇડિયાને ટોપ 10માં સ્થાન મળ્યું હતું, આ રીતે આશિષે પોતાના જીવનનું ઘડતર કર્યું અને લોકોને પણ શીખવ્યું કે કઈ રીતે ગમતું કામ કરીને તમે પૈસા કમાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!