દેશની રાજધાની દિલ્હીમાં વ્હાઇટ ફંગસનો એક એવો કેસ સામે આવ્યો છે જેમાં ફંગસના લીધે એક મહિલાના આંતરડામાં કાણું પડી ગયું. દુનિયામાં વ્હાઇટ ફંગસના લીધે શરીરને પહોંચેલા આ પ્રકારના નુકસાનનો આ પહેલો કેસ છે.
વ્હાઇટ ફંગસના કારણે થયેલા આ નુકશાન અંગે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા કેસને લઇ માહિતી અપાઇ છે.
હોસ્પિટલના કહેવા અનુસાર 49 વર્ષની એક મહિલાને 13મી મે 2021ના રોજ સર ગંગારામ હોસ્પિટલના ઇમરજન્સીમાં લવાયા હતા. જ્યારે આ મહિલાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી ત્યારે તેમના પેટમાં અસહય દુ:ખાવો થતો હતો અને ઉલટીઓની સાથે તેમને કબજીયાતની તકલીફ પણ હતી.
તમને જણાવી દઈએ કે આ મહિલા કેન્સરથી પીડિત હતી અને થોડાંક સમય પહેલાં જ તેમની કિમો થેરાપી પણ થઇ હતી. જ્યારે હોસ્પિટલમાં આ મહિલાનું સીટી સ્કેન કરાયું તો તેમના આંતરડામાં કાણું પડ્યાની જાણ થઈ હતી.
હોસ્પિટલમાં ચાર કલાકની સર્જરી બાદ મહિલાની ફૂડ પાઇપ નાના આંતરડા અને મોટા આંતરડામાં કાણાને બંધ કરી દીધું અને લિકવિડ લીકને રોકી દીધું.
હોસ્પિટલના ડૉ.અનિલ અરોરાના કહેવા અનુસાર આંતરડામાંથી કાઢેલા ટુકડાની બાયોપ્સીમાં ખબર પડી કે આ મહિલાના આંતરડામાં વ્હાઇટ ફંગસ છે જેને આંતરડાની અંદર ખતરનાક ઇજા પહોંચી હતી તેના લીધે ખાવાની પાઇપથી લઇ નાના આંતરડા અને મોટા આંતરડામાં કાણું પાડી દીધું હતું.
ડૉ.અરોરાએ આગળ જણાવ્યું હતું કે સ્ટેરોઇડના ઉપયોગ બાદ બ્લેક ફંગસ દ્વારા આંતરડામાં કાણું પડવાના કિસ્સા તાજેતરમાં સામે આવ્યા છે. પરંતુ વ્હાઇટ ફંગસ દ્વારા કોવિડ-19 ઇન્ફેકશન બાદ જમવાની નળી, નાના આંતરડાં અને મોટાં આંતરડામાં કાણા પડ્યાનો કિસ્સો આખી દુનિયામાં પહેલો છે.
આ વિશે જ્યારે વધુ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે દર્દીનું કોવિડ-19 એન્ટીબોડી લેવલ પણ વધ્યું હતું. લોહીની તપાસ કરતા જાણ થઈ હતી કે શરીરની અંદર વ્હાઇટ ફંગસ વધેલા મળ્યા. સર્જરી બાદ દર્દીની તબિયત સારી છે અને તેમને થોડાંક દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે.
આપ સૌ જાણો છો એમ હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તેની અસર કંઇ ઓછી થઇ નથી. પરંતુ આ બધાની વચ્ચે વ્હાઇટ ફંગસ અને બ્લેક ફંગસના કેસમાં ઘણો વધારો થયો છે. દિલ્હીની કેટલીય હોસ્પિટલોમાં બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના કેસ નોંધાયા છે.
તમને જણાવી દઈએ કે વ્હાઇટ અને બ્લેક ફંગસના વધતા કેસના કારણે કેટલાક રાજ્ય સરકારોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.